બે દિવસમાં સાડાપાંચ લાખ લોકોનાં ઘર તબાહ, ૨૦ લાખ લોકો પ્રભાવિત, વાવાઝોડાની વિયેટનામ તરફ આગેકૂચ
પ્રતીકાત્મક તસવીર
ફિલિપીન્સમાં કાલમેગી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. આ તબાહી પછી ફરીથી શનિવાર સુધીમાં વધુ એક શક્તિશાળી વાવાઝોડાની આશંકાને પગલે ફિલિપીન્સમાં સ્ટેટ ઑફ ઇમર્જન્સી ડિક્લેર કરવામાં આવી હતી. વાવાઝોડાને લીધે ૨૦ લાખ લોકો અસરગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી. આ વાવાઝોડાને લીધે સાડાપાંચ લાખ ગ્રામજનોને ઘરવિહોણા બન્યા હતા અને સાડાચાર લાખ લોકોને છેલ્લી ઘડીએ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ ફિલિપીન્સને ધમરોળ્યા પછી હવે વાવાઝોડું વિયેટનામ તરફ આગળ વધી રહ્યું હોવાના અહેવાલો છે.
ગઈ કાલે મળેલા અહેવાલો પ્રમાણે આ વાવાઝોડાને લીધે ફિલિપીન્સમાં ઓછામાં ઓછા ૨૪૧ લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે. ૧૧૪ લોકોનાં મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી, જ્યારે ૧૨૭ ગુમ વ્યક્તિઓની શોધ હજી ચાલી રહી હોવાનું જણાવાયું હતું. જોકે તબાહીનાં દૃશ્યો જોતાં ગુમ થયેલી વ્યક્તિઓમાંથી કોઈ જીવતું મળી આવે એવી સંભાવનાઓ ખૂબ ઓછી હોવાનું સ્થાનિક અધિકારીઓએ સ્વીકાર્યું હતું.


