Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > UAEએ ઈરાનને કહેવું પડ્યું, હોશમાં આવી જાઓ, તમારું યુદ્ધ તમારા પાડોશીઓ સાથે નથી

UAEએ ઈરાનને કહેવું પડ્યું, હોશમાં આવી જાઓ, તમારું યુદ્ધ તમારા પાડોશીઓ સાથે નથી

Published : 02 March, 2026 11:41 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈ પાછળ પડી ગયું ઈરાન, ફરી હુમલો કરવામાં આવ્યો, ત્રણ જણનાં મોત, ૫૮ ઘાયલ

ગઈ કાલે બપોરે દુબઈમાં ડ્રોન હુમલાને કારણે બિલ્ડિંગમાં આગ લાગ્યાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

ગઈ કાલે બપોરે દુબઈમાં ડ્રોન હુમલાને કારણે બિલ્ડિંગમાં આગ લાગ્યાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.


ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ ઇઝરાયલી અને અમેરિકાના હુમલામાં માર્યા ગયા બાદ તેહરાને મિડલ ઈસ્ટમાં અસંખ્ય અમેરિકી બેઝને નિશાન બનાવ્યા છે. યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)ના દુબઈને સૌથી વધુ નિશાન બનાવવામાં આવ્યું છે. આ હુમલાઓમાં ૩ જણનાં મૃત્યુ થયાં છે, જ્યારે ૫૮ લોકો ઘાયલ થાય છે. જ્યાં અનેક અબજોપતિઓ રહે છે એવા UAEના પ્રખ્યાત પામ બીચ વિસ્તારમાં મિસાઇલો પડી હતી, જેમાં ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દુબઈ ઍરપોર્ટ પર હુમલામાં ૪ જણ ઘાયલ થયા છે. અબુધાબી ઍરપોર્ટ પર પણ ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક નાગરિકનું મોત થયું હતું. ઍરપોર્ટ પણ બંધ કરવામાં આવતાં હજારો લોકો ઍરપોર્ટ પર ફસાયેલા છે. વિશ્વના સૌથી શાંતિપૂર્ણ પ્રદેશોમાં ગણાતા આ દેશો પર ઈરાનના હુમલાઓએ અમેરિકાની ઍર ડિફેન્સ સિસ્ટમની નબળાઈઓને પણ છતી કરી છે.



UAEના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સલાહકાર અનવર ગર્ગશે એક પોસ્ટમાં ઈરાનને ચેતવણી આપતાં લખ્યું હતું કે ‘તમારું યુદ્ધ તમારા પાડોશીઓ સાથે નથી અને આ ઉગ્રતા દ્વારા તમે એવા લોકોની વાતને સમર્થન આપો છો જેઓ ઈરાનને આ વિસ્તારના મુખ્ય જોખમ તરીકે અને એના મિસાઇલ કાર્યક્રમને અસ્થિરતા માટે ખતરા તરીકે જુએ છે. તમે હોશમાં આવો.’


દુબઈમાં ક્યાં વિસ્ફોટો થયા?

દુબઈમાં પામ જુમેરા, સેવન સ્ટાર હોટેલ બુર્જ અલ અરબ, દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ, જેબેલ અલી પોર્ટ જ્યાં દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફા આવેલું છે એ ડાઉનટાઉન દુબઈ વિસ્તાર અને દુબઈ-અબુ ધાબીને જોડતા શેખ ઝાયેદ રોડ કૉરિડોરમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. ડ્રોનને અટકાવવામાં આવ્યા બાદ બુર્જ અલ અરબમાં આગ લાગવાની પુષ્ટિ અધિકારીઓએ કરી છે.


દુબઈ ઍરપોર્ટ પર હુમલામાં જખમી

દુબઈમાં દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે થયેલા વિસ્ફોટમાં ૪ જણ ઘાયલ થયા છે. ઍરપોર્ટને શનિવારથી બંધ કરી દેવામાં આવ્યું છે અને ગઈ કાલે પણ ૧૦૦૦થી વધારે ફ્લાઇટો કૅન્સલ કરી દેવામાં આવી હતી. દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનાં મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગોમાંથી એક પર શંકાસ્પદ હવાઈ હુમલાને કારણે એને આંશિક નુકસાન થયું છે. આ ઍરપોર્ટ ફરી ક્યારે શરૂ થશે એની કોઈ જાણકારી આપવામાં આવી નથી.

UAEના રહેવાસીઓને સંદેશ

UAEના રહેવાસીઓના ફોન પર એક મેસેજ મોકલવામાં આવ્યો છે કે વર્તમાન પરિસ્થિતિમાં સંભવિત મિસાઇલ ધમકીઓને કારણે હુમલો કે મિસાઇલ અટૅકના સમયે નજીકના સુરક્ષિત બિલ્ડિંગમાં તાત્કાલિક આશ્રય મેળવવો જોઈએ, બારીઓ, દરવાજા અને ખુલ્લા વિસ્તારોથી દૂર રહેવું જોઈએ.

UAE સહિત મિડલ ઈસ્ટમાં CBSE પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી

બાહરિન, કુવૈત, ઈરાન, ઓમાન, કતર, સાઉદી અરેબિયા અને UAE સહિત મિડલ ઈસ્ટમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના વિદ્યાર્થીઓ માટે આજથી શરૂ થતી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આ મુદ્દે બોર્ડ ૩ માર્ચે પરિસ્થિતિની સમીક્ષા કરશે અને પાંચમી માર્ચે પરીક્ષાઓના આયોજન અંગે વધુ જાણકારી આપશે.

અબુ ધાબીના ઍરપોર્ટ પર એકનું મોત, ઘાયલ

અબુ ધાબી ઍરપોર્ટે પુષ્ટિ આપી છે કે ઝાયેદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એક ઘટના બની હતી, જેમાં એક એશિયન નાગરિકનું મોત થયું હતું જ્યારે ૭ લોકો ઘાયલ થયા હતા. ઇતિહાદ ઍરવેઝે પણ અબુ ધાબી ઍરપોર્ટથી આવતી અને જતી બધી ફ્લાઇટ્સ રદ કરી છે. કતાર ઍરવેઝે ગઈ કાલે કતારના ઍરસ્પેસ બંધ થવાને કારણે કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

UAE પર ૧૩૭ મિસાઇલ અને ૨૦૯ ડ્રોન છોડ્યાં

શનિવારે ઈરાને UAE પર ૧૩૭ મિસાઇલ અને ૨૦૯ ડ્રોન છોડ્યાં હતાં જેમાં આગ અને ધુમાડાના ગોટા ધ પામ અને સેવન સ્ટાર હોટેલ બુર્જ અલ અરબ જેવા લૅન્ડમાર્ક્સ સુધી પહોંચ્યા હતા. ઈરાને કતરમાં ૬૫ મિસાઇલ અને ૧૨ ડ્રોન છોડ્યાં હતાં. એમાંથી મોટાં ભાગનાને અટકાવવામાં આવ્યાં હતાં, પરંતુ આ હુમલામાં ૮ લોકો ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર છે.

સાઉદી અરેબિયાએ ઈરાનની પીઠ પાછળ વાર કર્યો

મોહમ્મદ બિન સલમાને વારંવાર ટ્રમ્પને ફોન કરીને ઈરાન પર હુમલો કરવા દબાણ કર્યું હોવાનો વૉશિંગ્ટન પોસ્ટનો દાવો

ઈરાનના સુપ્રીમ લીડર જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી ઇસ્લામના નામે મુસ્લિમ દેશોને એકજૂટ કરવાની કોશિશ કરતા રહ્યા હતા, પરંતુ અમેરિકાના હુમલા પછી ખુલાસો થયો છે કે સાઉદી અરેબિયાએ ડોનલ્ડ ટ્રમ્પ પર ઈરાન પર હુમલો કરવા માટે દબાણ કર્યું હતું. અમેરિકાના અખબાર વૉશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે કે સાઉદી અરેબિયાના વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ડોનલ્ડ ટ્રમ્પને અનેક વાર ફોન કર્યો હતો. મોહમ્મદ બિન સલમાને અમેરિકાના રાષ્ટ્રપતિને ઈરાન પર તત્કાળ હુમલો કરવા માટે લૉબિંગ કર્યું હતું. તેમણે છેલ્લા મહિનામાં ટ્રમ્પને અનેક પ્રાઇવેટ કૉલ્સ કર્યા હતા અને એ દરમ્યાન ઈરાન પર હુમલો કરવા માટે કહ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પ કોઈ ડિપ્લોમૅટિક સમાધાન કાઢવા માગતા હતા, પરંતુ મોહમ્મદ બિન સલમાન હુમલો કરવા પર જોર કરતા રહ્યા. આ ઉપરાંત ઇઝરાયલ પણ ઈરાન પર હુમલો કરવા માટે દબાણ કરી રહ્યું હતું.

બૉમ્બમારામાં ઈરાનના ૪૬ નેતાઓ માર્યા ગયા હોવાનો ટ્રમ્પનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે રવિવારે દાવો કર્યો હતો કે શનિવારે સવારે ઇઝરાયલ અને અમેરિકાની સૈન્ય-કાર્યવાહીમાં ઈરાનના ૪૮ નેતાઓનાં મૃત્યુ થયાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘ઈરાનની મિલિટરીના ઘણા મોટા અધિકારીઓ પણ માર્યા ગયા છે. કોઈ પણ અમારી સફળતા પર સરળતાથી વિશ્વાસ નથી કરી શકતું. એક જ વારમાં ૪૮ નેતા જતા રહ્યા અને હજી આ મિશન આગળ વધી રહ્યું છે.’

ચીન અને રશિયાએ ઈરાન પર હુમલો અને ખામેનેઈના મૃત્યુને હત્યા ગણાવી

આઝાદ નેતાની ખુલ્લેઆમ હત્યા અને સરકાર બદલવા માટેની ઉશ્કેરણી મંજૂર નથી: ચીન

ઇઝરાયલ અને અમેરિકાની મિસાઇલોએ ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને અનેક મોટા નેતાઓ અને આર્મી અધિકારીઓને મારી નાખતાં દુનિયાભરમાં તનાવ વધી ગયો છે. ઈરાનના સમર્થનમાં ઊતરતાં ચીનના વિદેશપ્રધાન વાંગ યીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અમેરિકા-ઈરાન વાતચીત દરમ્યાન ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હુમલા મંજૂર નથી. એક આઝાદ નેતાની ખુલ્લેઆમ હત્યા અને સરકાર બદલવા માટેની ઉશ્કેરણી મંજૂર નથી. અમે તરત જ મિલિટરી કાર્યવાહી રોકીને જલદીથી વાતચીત ફરી શરૂ કરવા અને એકતરફી કાર્યવાહીનો વિરોધ કરીએ છીએ. ’

આ હત્યા માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે: રશિયા

યુક્રેન-રશિયા વૉર દરમ્યાન ઈરાને પુતિનને ખૂબ સાથ આપ્યો છે. એને કારણે પહેલાં પણ પુતિને અમેરિકા-ઇઝરાયલને ઈરાન સાથે સંયમથી વર્તવા કહ્યું હતું. ગઈ કાલે પુતિને કહ્યું હતું કે ‘આ હત્યા માનવીય નૈતિકતા અને ઇન્ટરનૅશનલ લૉના તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવી હતી. એ અત્યંત નિંદનીય છે. સુપ્રીમ લીડરના સંબંધીઓ અને ચાહકો, સરકાર અને ઈરાનવાસીઓ પ્રત્યે મારી સંવેદનાઓ વ્યક્ત કરું છું.’

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 11:41 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK