અમેરિકાના પ્રેસિડન્ટે ૬૦ દેશને જોડાવાનું આમંત્રણ આપ્યું હતું, પણ સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં યોજાયેલા હસ્તાક્ષર સમારોહમાં ૨૦ દેશના પ્રતિનિધિ હાજર રહ્યા
ગઈ કાલે સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમ દરમ્યાન બોર્ડ ઑફ પીસના દસ્તાવેજ પર પોતે કરેલા હસ્તાક્ષર દેખાડતા ડોનલ્ડ ટ્રમ્પ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાનાં યુદ્ધો સમાપ્ત કરવા માટે બોર્ડ ઑફ પીસ લૉન્ચ કર્યું હતું. આ બોર્ડનું શરૂઆતનું પગલું ગાઝામાં થયેલા યુદ્ધવિરામને મજબૂત કરવાનું છે અને એ પછી આ બોર્ડ દુનિયાના બીજા વિવાદોમાં પણ ભૂમિકા નિભાવી શકે છે. વાઇટ હાઉસે આ બોર્ડમાં સહભાગી થવા માટે ૬૦ દેશોને આમંત્રણ આપ્યું હતું, પરંતુ માત્ર ૨૦ જ દેશો હસ્તાક્ષર સમારોહમાં હાજર રહ્યા હતા. આ લૉન્ચ કાર્યક્રમ સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં જ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ઉપરાંત મુસ્લિમ દેશો સાઉદી અરેબિયા, કતર, યુનાઇટેડ આરબ એમિરેટ્સ પણ સહભાગી થયા હતા.
ભારત તરફથી કોઈ આ સમારોહમાં હાજર નહોતું રહ્યું. અમેરિકાના સહયોગી મનાતા મોટા ભાગના યુરોપિયન દેશોએ પણ આ બોર્ડથી અંતર રાખ્યું હતું. પહેલાં એવી ધારણા હતી કે લગભગ ૩૫ દેશોના નેતાઓ સામેલ થશે.
ADVERTISEMENT
ફ્રાન્સ, સ્વીડન, નૉર્વે અને સ્લોવેનિયા પીસ બોર્ડમાં સહભાગી થવાની ના પાડી ચૂક્યાં છે. બ્રિટન, જર્મની, ઇટલી, પરાગ્વે, રશિયા, સ્લોવેનિયા, ક્રોએશિયા, સિંગાપોર, ટર્કી અને યુક્રેન સહિત અનેક દેશોએ નિમંત્રણ પછી પણ હજી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
ભારત જોડાશે કે નહીં?
આ મુદ્દે ભારતે હજી કોઈ નિર્ણય લીધો નથી. સરકારી સૂત્રોના કહેવા અનુસાર ભારત આ પહેલનાં વિભિન્ન પરિમાણો પર વિચાર કરી રહ્યું છે, કેમ કે એમાં અનેક સંવેદનશીલ મુદ્દાઓ સામેલ છે. ભારત સમજી-વિચારીને કોઈ વ્યાવહારિક વચલો રસ્તો અપનાવે એવી સંભાવના છે.


