ઈરાન ઇચ્છે છે કે ઈરાન પરના તમામ અમેરિકન અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ હટાવવામાં આવે અને એના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ જાળવી રાખવામાં આવે
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે રવિવારે જણાવ્યું હતું કે ઈરાન સાથેની વાટાઘાટો ઈસ્લામાબાદમાં લગભગ 21 કલાકની વાટાઘાટો પછી કોઈ કરાર વિના સમાપ્ત થઈ
ઈરાન શું ઇચ્છે છે?
અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામ વાટાઘાટોની વાત આવે ત્યારે બન્ને દેશોનાં ધ્યેય અલગ-અલગ છે. ઈરાન ઇચ્છે છે કે અમેરિકન સૈનિકો આ પ્રદેશમાં એના તમામ ઍરબેઝ છોડી દે. ઈરાન એના બૅલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમને પણ જાળવી રાખવા માગે છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ જાળવી રાખવા માગે છે અને સ્ટ્રેટમાંથી પસાર થવા માટે જહાજો માટે પ્રતિ બૅરલ એક ડૉલર (આશરે ૯૨.૮૯ રૂપિયા પ્રતિ બૅરલ) ફી વસૂલવાનું વિચારી રહ્યું છે. આનો ઘણા દેશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ઈરાન અમેરિકા તરફથી વધુ હુમલા અટકાવવા માટે બિનઆક્રમક કરાર અને લેબૅનન સહિત તમામ મોરચે લડાઈનો અંત લાવવા માગે છે.
ADVERTISEMENT
ઈરાન ઇચ્છે છે કે ઈરાન પરના તમામ અમેરિકન અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ હટાવવામાં આવે અને એના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ જાળવી રાખવામાં આવે, જેમાં યુરેનિયમ સંવર્ધન અને આર્થિક નીતિનો સમાવેશ થાય છે. તેહરાન યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખવા પર આગ્રહ રાખે છે, એને બિન-વાટાઘાટોપાત્ર ગણાવે છે અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો સાથે તમામ અમેરિકન પ્રતિબંધો હટાવવા માગે છે. એ હુમલાઓ માટે પુનર્નિર્માણ સમર્થન અને વળતર પણ માગે છે.
અમેરિકા શું ઇચ્છે છે?
અમેરિકા ઈરાનની લશ્કરી અને પરમાણુ ક્ષમતાઓને અંકુશમાં લેવા માગે છે. વૉશિંગ્ટન આગ્રહ રાખે છે કે તેહરાન યુરેનિયમ સંવર્ધન સંપૂર્ણપણે બંધ કરે અને સમૃદ્ધ યુરેનિયમનો ભંડાર છોડી દે.
વૉશિંગ્ટન એ પણ ઇચ્છે છે કે ઈરાન એના બૅલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમને ઓછો કરે અને આ ક્ષેત્રમાં સહયોગી આતંકવાદી જૂથોને ટેકો આપવાનું બંધ કરે. અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા અનિયંત્રિત વૈશ્વિક પ્રવેશ પણ ઇચ્છે છે. સ્થિર કરાર ન થાય ત્યાં સુધી અમેરિકા આ ક્ષેત્રમાં લશ્કરી હાજરી જાળવી રાખવા માગે છે.
ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વચ્ચે પાંચ કલાકના વિલંબ બાદ વાટાઘાટો શરૂ થઈ છે : ડોનલ્ડ ટ્રમ્પ
પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની વાટાઘાટો કેટલાક મતભેદો અને પૂર્વશરતોને કારણે અવરોધાઈ રહી હોવાના અહેવાલો વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે પાંચ કલાકથી વધુ વિલંબિત વાટાઘાટો સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સાથે વાટાઘાટો સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. ડોનલ્ડ ટ્રમ્પે વાટાઘાટો શરૂ થઈ હોવાની જાહેરાત કરી એ પહેલાં અમેરિકાના વાઇસ-પ્રેસિડન્ટ જે. ડી. વૅન્સના નેતૃત્વમાં અને જૅરેડ કુશનર સહિત અમેરિકન પ્રતિનિધિમંડળે ઈરાની અધિકારીઓ સાથે કોઈ સીધી ચર્ચા કર્યા વિના લગભગ પાંચ કલાક ઇસ્લામાબાદમાં વિતાવ્યા હતા.
ટ્રમ્પનો દાવો : અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ સાફ કરવાની શરૂઆત કરી દીધી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે ટ્રુથ સોશ્યલ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકન સૈન્યએ સંઘર્ષગ્રસ્ત હોર્મુઝ સ્ટ્રેટને સાફ કરવાનું શરૂ કરી દીધું છે અને ઈરાનનાં તમામ માઇન બિછાવનારાં જહાજો ડૂબી ગયાં છે. તેમણે આ કથિત પગલાને અમેરિકાના ઘણા સાથી દેશો સહિત દુનિયાના દેશો પર ઉપકાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેમની પાસે આ કામ જાતે
કરવાની હિંમત કે ઇચ્છાશક્તિ નથી. અમે હવે ચીન, જપાન, સાઉથ કોરિયા, ફ્રાન્સ, જર્મની અને અન્ય ઘણા દેશો સહિત વિશ્વભરના દેશો પર ઉપકાર તરીકે હોર્મુઝ સ્ટ્રેટને સાફ કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. આશ્ચર્યજનક રીતે તેમની પાસે આ કામ જાતે કરવાની હિંમત કે ઇચ્છાશક્તિ નથી, એમ ટ્રમ્પે પોસ્ટમાં ઉમેર્યું હતું.
