અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર ભારે સાબિત થયેલા ભારતીય મૂળના ન્યુ યૉર્કના નવા મેયરનો જન્મ અમેરિકામાં થયો ન હોવાથી સંવિધાન મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પાત્ર ઠરતા નથી
ન્યુ યૉર્કના મેયર તરીકે ચૂંટાયા પછી ઝોહરાન મમદાની ગઈ કાલે સાઉથ એશિયન કમ્યુનિટી અને ગુજરાતી-ભારતીય લીડર્સને મળ્યા હતા ત્યારે તેમનાં પત્ની રમા દુવાજીએ ગુજરાતી સાડી પહેરી હતી.
૩૪ વર્ષની ઉંમરે અમેરિકાના સૌથી મોટા શહેરના મેયરનું પદ જીતી લેનારા ઝોહરાન મમદાની ૧૮૯૨ની સાલ પછી શહેરના સૌથી યુવા મેયર છે. આ પદે પહોંચનારા ગુજરાતી મૂળ ધરાવતા ભારતીય-મુસ્લિમ અને આફ્રિકામાં જન્મેલી તેઓ પહેલી વ્યક્તિ છે. ઝોહરાન મેયરની ચૂંટણી જીત્યા એનાથી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પેટમાં તેલ રેડાયું છે. જોકે ઝોહરાન કદી અમેરિકાના પ્રેસિડન્ટ બની શકે એમ નથી. એનું કારણ છે અમેરિકાના સંવિધાનની કેટલીક કલમો.
અમેરિકાના સંવિધાનમાં આર્ટિકલ બેના સેક્શન ૧ની કલમ પાંચમાં સ્પષ્ટ કહેવાયું છે કે આ સંવિધાનને અપનાવતી વખતે સંયુક્ત રાજ્ય અમેરિકામાં જન્મેલા નાગરિકો અથવા તો સંયુક્ત રાજ્ય અમેરિકાના નાગરિક સિવાય કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિપદ માટે પાત્ર નહીં હોય. એવી કોઈ વ્યક્તિ પ્રેસિડન્ટપદ માટે પાત્ર નહીં હોય જે ૩૫ વર્ષની ન હોય અને ૧૪ વર્ષ સુધી અમેરિકાની રહેવાસી ન રહી હોય.
ADVERTISEMENT
સંવિધાનમાં ‘પ્રાકૃતિક રૂપથી અમેરિકામાં જન્મેલા’વાળી કલમ પહેલાં નહોતી. ઐતિહાસિક અભિલેખોને તપાસતાં ખબર પડે છે કે આ ખાસ શરત ૧૭૮૭માં સંવિધાન સંમેલનમાં બહાર આવી હતી. ૧૭૮૭માં જૉન જેની અધ્યક્ષતામાં જ્યૉર્જ વૉશિંગ્ટનને લખેલા પત્રમાં વિદેશમાં જન્મેલા લોકોને દેશના સર્વોચ્ચ પદ પર બેસાડવાની અનુમતિ આપવા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. એ પછીથી સંવિધાનમાં આ કલમ ઉમેરવામાં આવી હતી.
ઝોહરાન મમદાનીનો જન્મ યુગાન્ડામાં થયો હતો અને ૨૦૧૮માં તેઓ અમેરિકન નાગરિક બન્યા હતા. આને કારણે ઝોહરાન પ્રેસિડન્ટપદ માટે પાત્ર ઠરતા નથી.


