પરંપરાગત આર્કિટેક્ચર જાળવીને ૪૯૩ કરોડ રૂપિયાના ખર્ચે ૩ તબક્કામાં આખા પરિસરનું રિનોવેશન થશે
આવો દેખાશે મંદિર પરિસર. સફેદ માબર્લનો કોતરણી કરેલો મેઇન ગેટ બનાવવામાં આવશે. કવર કરેલો સ્પેશ્યસ વૉકવે તૈયાર કરવામાં આવશે.
રાજ્ય સરકાર અને BMCએ મુંબઈના પ્રતિષ્ઠિત સિદ્ધિવિનાયક મંદિરના રીડેવલપમેન્ટનો પ્લાન અમલમાં મૂક્યો છે. એના પરંપરાગત આર્કિટેક્ચરને જાળવીને ૪૯૩ કરોડ રૂપિયાના ખર્ચે થનારા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મેયર રિતુ તાવડે અને નાયબ મેયર સંજય ઘાડી સહિત મંદિરના ટ્રસ્ટીઓ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉદ્ઘાટન કર્યું હતું. આ રીડેવલપમેન્ટ મંદિરની મુલાકાત લેતા ભક્તો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૅસિલિટી, સેફ્ટી અને અન્ય ફૅસિલિટીને સુધારવા તૈયાર કરેલી યોજનાનો એક ભાગ છે.
ભૂમિપૂજન બાદ દેવેન્દ્ર ફડણવીસે સોશ્યલ મીડિયા પર નવા મંદિરના મૉડલના કેટલાક ફોટો પણ શૅર કર્યા હતા. એમાં દર્શાવવામાં આવ્યું હતું કે રીડેલપમેન્ટ પૂરું થયા પછી અપગ્રેડ કરાયેલું મંદિર કૉમ્પ્લેક્સ કેવું દેખાશે. સાથે જ તેમણે લખ્યું હતું કે ‘આપણું શ્રી સિદ્ધિવિનાયક મંદિર સંકુલ અને પરિસર આ દેખાવ અને અપગ્રેડેશન મેળવવા માટે તૈયાર છે. અમે આજે એનું ભૂમિપૂજન કર્યું છે. ગણપતિબાપ્પા મોરયા.’
ADVERTISEMENT
પહેલા તબક્કાનું કામ ચોવીસ મહિનામાં આટોપી લેવાનો ટાર્ગેટ
આ રીડેવલપમેન્ટ ૩ તબક્કામાં કરવામાં આવશે, જેમાં ફક્ત પહેલા તબક્કાનો ખર્ચ ૭૮.૦૧ કરોડ રૂપિયા થશે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં નવા સફેદ માર્બલનાં આર્ટિસ્ટિક કોતરણીવાળાં પ્રવેશદ્વારો, ઘુમ્મટનું નિર્માણ, દર્શનાર્થીઓની લાઇન માટે નવા રૂફ સાથે કવર કરેલા ક્યુ કૉરિડોર, વૉકવે વગેરે કરવા ઉપરાંત મંદિરની અંદરની અને બહારની દીવાલો પર નવા પથ્થર બેસાડવામાં આવશે અને ૧૨૪ વાહનોની ક્ષમતા ધરાવતા બે ફ્લોરનું પાર્કિંગ બનાવવામાં આવશે. પ્રારંભિક કાર્યો માટે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ મેસર્સ એન્જિનિયર્સ સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. પહેલા તબક્કાનું કામ ૨૪ મહિનામાં પૂરું કરી લેવામાં આવશે.
નવો દરવાજો, મફત ભોજનસેવાનું આયોજન
દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોવાથી આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ક્રાઉડ-મૅનેજમેન્ટ અને સુવિધાઓમાં મોટા પ્રમાણમાં સુધારો કરવાનો છે. બીજા અને ત્રીજા તબક્કામાં ભીડ ઓછી કરવા અને એન્ટ્રી અને એક્ઝિટના માર્ગોને સુવ્યવસ્થિત કરવા માટે કાકાસાહેબ ગાડગિલ માર્ગ પર એક નવો રિદ્ધિ ગેટ શરૂ કરવામાં આવશે. ભક્તોને મફત ભોજન માટે અન્નદાન સેવા પણ શરૂ કરવાની યોજના છે.
૧૮૦૧માં લક્ષ્મણ પાટીલ અને દેહુબાઈ પાટીલ દ્વારા સ્થાપિત લગભગ ૨૨૫ વર્ષ જૂના મંદિરને હવે વિશાળ અને વધુ ભવ્ય બનાવવામાં આવશે.
અધિક માસ નિમિત્તે પંઢરપુરમાં દર્શન કરવા માટે ૪ કિલોમીટર લાંબી લાઇન VIP પાસથી દર્શન સદંતર બંધ

૪૨ ડિગ્રી ગરમીમાં વિઠ્ઠલનાં દર્શન માટે ઊભેલા ભક્તોને તાપથી બચવા શેડ અને કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
અધિક માસમાં ભગવાન વિષ્ણુના પુરુષોત્તમ સ્વરૂપની પૂજાનું માહાત્મ્ય છે. આ આખો મહિનો મોટી સંખ્યામાં ભાવિકો રોજેરોજ પંઢરપુરના વિઠ્ઠલનાં દર્શને આવે છે. હાલ પંઢરપુરમાં ૪૨થી ૪૩ ડિગ્રી જેટલો તાપ પડે છે. દર્શનની લાઇન ૪ કિલોમીટર લાંબી છેક ગોપાલપુર સુધી પહોંચે છે. દર્શનનો વારો આઠથી ૧૦ કલાકે આવે છે. એથી લાઇનમાં ઊભા રહેલા ભક્તોને તાપથી બચાવવા પ્રશાસને પતરાના શેડ પણ બાંધ્યા છે અને સાથે જ એમાં કૂલરની અને ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે. વળી પૈસા લઈને દર્શન કરાવવાના VIP પાસનું ચલણ સદંતર બંધ કરવામાં આવ્યું છે.
બાબા બર્ફાનીનાં પ્રથમ દર્શન થઈ ગયાં
અમરનાથની યાત્રા ૩ જુલાઈથી શરૂ થવાની છે, પરંતુ અમરનાથની પવિત્ર ગુફાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં બાબા બર્ફાનીનું શિવલિંગ પૂર્ણપણે નિર્મિત થઈ ગયેલું હોય એવું દેખાય છે. આ ફુટેજમાં કુદરતી રીતે જ અહીં ભવ્ય શિવલિંગ રચાયું છે. યાત્રા શરૂ થતાં પહેલાં જ આ દિવ્ય દૃશ્ય સામે આવતાં અમરનાથની યાત્રા કરનારા લાખો ભક્તો માટે શુભ સંકેત છે. આ વર્ષે શિવલિંગની સાથે દેવી પાર્વતી અને ભગવાન ગણેશની ઉપસ્થિતિ સમાન બર્ફીલી આકૃતિઓ પણ બની રહી છે એને કારણે આ ઘટનાને દિવ્ય માનવામાં આવી છે.
૩ જુલાઈથી શરૂ થનારી તીર્થયાત્રા માટે સાડાત્રણ લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
