દાદરમાં રહેતાં ૮૮ વર્ષનાં શારદા શાહની નીડરતા અને નિશ્ચલતાને જોયા પછી આ ઉપમા સાથે તમે પણ સહમત થશો. આ ઉંમરે બત્રીસે દાંત સલામત, આંખે ચશ્માં નહીં અને પગમાં તાકાત જુઓ તો પી. ટી. ઉષા ઝાંખાં લાગે
શારદા શાહ પતિ કિશોરભાઈ સાથે
દાદરમાં રહેતાં શારદા કિશોર શાહ ૮૮ વર્ષે પણ સુપરઍક્ટિવ છે અને સંપૂર્ણ સ્વસ્થ છે. જોકે માત્ર એ જ તેમની ખૂબી નથી. તેમની ખૂબી છે તેમની નીડરતા, ગમે એ સંજોગોમાં પહોંચી વળવાની તૈયારી અને આજે પણ ધર્મ પ્રત્યેની નિષ્ઠાને જાળવીને ગમતી પ્રવૃત્તિઓમાં રત રહેવાનું. દરરોજ જૈન ધર્મ સાથે સંકળાયેલી ક્રિયાઓ ઉપરાંત સાત્ત્વિક ભોજન સાથે સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં રત રહેતાં આ દાદીની ખાસિયત અને જીવનની ફિલોસૉફી જાણીએ, જેના બળ પર આજે પણ તેઓ અડીખમ છે.
જતું કરો બસ
કંદમૂળ ન ખાતાં, નિયમિત વિવિધ તપશ્ચર્યાઓ કરતાં, પરિવારને પારાવાર પ્રેમ કરતાં શારદાબહેનને તેમના સસરા મોટાં શેઠ કહીને બોલાવતા. સસરાની એક સલાહને જીવનભર નિભાવનારાં શારદાબહેન કહે છે, ‘જન્મ અને ઉછેર મારો બોટાદમાં થયો છે, પરંતુ ૨૧ વર્ષની ઉંમરે મુંબઈમાં જ લગ્ન કર્યાં ત્યારે પરિવારમાં હું સૌથી મોટી વહુ હતી. મારો ૩ દિયર અને ૪ નણંદનો પરિવાર. એની સાથે સાસુ-સસરા અને દાદીસાસુનો સંયુક્ત પરિવાર હતો. કાલબાદેવીમાં અને બનારસમાં અમારા બનારસી સાડીના શોરૂમ હતા. એ સમયે ઘરને નિભાવવાની જવાબદારીઓમાં સસરાએ કહેલું, ‘મોટાં શેઠ, જો પરિવારને સંપથી જોડીને રાખવો હોય તો જતું કરતાં જજો, પછી જોજો તમે સુખી થશો.’ બસ, એ વાત મેં પકડી લીધી. સસરાના જ આશીર્વાદ હતા અને તેમણે કહ્યું હતું કે તમારા ઘરે રામરાજ્ય રહેશે અને ખરેખર એવું જ થયું છે. જીવનના દરેક તબક્કે એક જ સિદ્ધાંતને અનુસરી છું કે જતું કરો, ધર્મધ્યાનમાં રહો અને થાય એટલી વધુ સેવા કરો.’
નિયમિત જીવન
શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ શારદાબહેન દરરોજ સવારે ઊઠીને પ્રતિક્રમણ કરે, દેરાસરમાં પૂજા કરવા જાય, ત્રણ ટાઇમ સરખું ભોજન લે અને ગળપણનાં શોખીન હોવાથી પેટ ભરીને મીઠાઈઓ ખાય. ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં પૂરો રસ લઈને એને માણે પણ ખરાં. તેમની વાતોમાં તમને નીડરતા અને નિશ્ચલતા દેખાય એટલે તેમની ત્રણ દીકરીના હસબન્ડ એટલે કે તેમના જમાઈઓ તેમને ‘ઝાંસીની રાણી’ કહીને બોલાવતા હોય છે. અત્યારે પુત્ર-પુત્રવધૂ અને પૌત્ર તથા પૌત્રવધૂ સાથે રહેતાં શારદાબહેન કહે છે, ‘હું મારા વાસુપૂજ્ય દાદા પર ખૂબ શ્રદ્ધા રાખું છું. મારી બધી ચિંતાઓ તેમને આપીને હું મોજમાં રહું છું. મારા દાદા છે એ મને સાચવી લે છે. બાકી સંતાનો સારાં છે. આર્થિક રીતે બધું સારું છે એટલે દરરોજ ભગવાનની પૂજા કરવા જવાનું, પ્રવચનો સાંભળવાનાં, અન્ય તમામ ક્રિયાઓ કરવાની. આજે પણ હું અમારાં ધાર્મિક મંડળોમાં સક્રિય છું. દરરોજ એક કલાક છાપાં વાંચું છું. નિયમિત નવાં-નવાં સ્તવનો, સ્તુતિ વગેરેને શીખવાનું, એને યાદ રાખવા માટે મગજ કસું છું. મને લાગે છે કે તમે ખુશ રહો અને જીવનમાં સતત મગજને સારી પ્રવૃત્તિમાં પરોવેલું રાખો તો તમારી હેલ્થ સારી જ રહેતી હોય છે.’
સદૈવ ખુશ
શારદાબહેનના હસબન્ડ કિશોર શાહ ત્રણ વર્ષ પહેલાં અવસાન પામ્યા છે. તાજેતરમાં તેઓ માટુંગામાં જે સંઘ સાથે જોડાયેલાં છે એ સંઘના યુવક મંડળ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં શારદાબહેન પૅન્ટ અને ટી-શર્ટ પહેરીને ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમ્યાં હતાં અને પહેલા જ બૉલમાં ચોક્કો માર્યો હતો એની વાત કરતાં ખડખડાટ હસી પડતાં શારદાબહેન કહે છે, ‘હું દુનિયાભરમાં ફરી છું. મારા હસબન્ડને હું રામ કહીને બોલાવતી અને તેઓ મશ્કરી કરતા કે હું તારો રામ નહીં પણ રામુ જ છું. હવે તો તેઓ દુનિયામાં નથી પણ તેમનો મને ખૂબ સહકાર મળ્યો છે. હું આખી દુનિયા ફરી છું. ભારતમાં અઢળક જગ્યાઓએ ગઈ છું. મને યાદ છે કે અમે ઑસ્ટ્રેલિયા જઈ રહ્યાં હતાં. પૅરિસ થઈને જવાનું હતું. પૅરિસથી અમારી ફ્લાઇટ મોડી પડી એટલે મારા હસબન્ડે કહ્યું કે તું સામાયિક કરી લે. આ જૈનોની એક એવી ક્રિયા છે જેમાં કેટલાંક ઉપકરણો સાથે એક જગ્યાએ ૪૮ મિનિટ સ્થિરતા સાથે બેસીને ધર્મધ્યાન કરવું અથવા માળા ગણવી અથવા સૂત્રો ગોખવાં વગેરે કરી શકાય. હું તો પૅરિસ ઍરપોર્ટ પર સામાયિક કરવા બેઠી અને કેટલાક જર્મન વિદ્યાર્થીઓનું ગ્રુપ મારી બાજુમાં પાઉન્ડના થોડાક સિક્કાઓ મૂકીને ચાલતું થયું. તેમને એમ કે હું ભિક્ષુક છું. અમે એ જોયું અને હસી પડ્યા. જોકે પછી સામાયિક પૂરાં થયાં એટલે મારા હસબન્ડ જ એ સિક્કા ખરેખર જરૂરિયાતમંદને આપતા આવ્યા. જીવનના દરેક પ્રસંગને આનંદથી જોવાનો અને એમાં પણ કંઈક સારું છે એ વાતને જ મુખ્ય રાખવાની એ મારા જીવનની ફિલોસૉફી છે. ચાલશે, ફાવશે અને ગમશેની સાથે હું ‘સ્વમાં વસ, પરથી ખસ, એટલું બસ’ આ નિયમને પાળું છું. કદાચ આ જ મારા સ્વાસ્થ્યનું સીક્રેટ છે.’


