રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે દાવો કર્યો હતો કે ઘોડબંદર સર્વિસ રોડને મુખ્ય રોડ સાથે જોડવાનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થઈ જશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે દાવો કર્યો હતો કે ઘોડબંદર સર્વિસ રોડને મુખ્ય રોડ સાથે જોડવાનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થઈ જશે અને ઘોડબંદરના રહેવાસીઓ ટ્રાફિક-જૅમથી મુક્ત થઈ જશે.
જોકે થાણેના મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે આ દાવો ફગાવી દીધો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ‘ડિસેમ્બરના અંત સુધીમાં કામ પૂરું થવાની આશા રાખવી ખોટી છે. આ કામ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરું થઈ શકે છે. એટલે કે ઘોડબંદર રોડના કામની સમયમર્યાદા બે મહિના લંબાવવામાં આવી છે અને સ્થાનિક લોકોને ટૂંક સમયમાં તો ટ્રાફિકથી મુક્તિ મળશે નહીં.’
ઘોડબંદર રૂટ પર રોડના કૉન્ક્રીટાઇઝેશનનું કામ ચાલી રહ્યું છે. કાપૂરબાવડીથી ગાયમુખ સુધીના ૧૦.૫૦ કિલોમીટરના રોડ પર ચાલતાં અમુક મહત્ત્વપૂર્ણ કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું થશે, પરંતુ કેટલાંક નાનાં કામો બાકી રહેશે જેને પૂરાં થતાં હજી બે મહિના લાગશે.
ADVERTISEMENT
કાપૂરબાવડીથી ગાયમુખ સુધીના કામને કારણે ઘણી જગ્યાએ સર્વિસ રોડની ફક્ત એક જ લેન ખુલ્લી છે અને કેટલીક જગ્યાએ મેટ્રોનું કામ પણ ચાલુ છે, જેને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે. સવારે ૩ વાગ્યા પછી ભારે વાહનોનો ટ્રાફિક વધે છે અને ગાયમુખ ઘાટ જૅમ થઈ જાય છે. આ ભીડ દૂર કરવામાં સવારે આઠથી ૯ વાગી જાય છે.


