થાણેની સેન્ટ્રલ જેલનો અનોખો કિસ્સો : હત્યાના કેસમાં સજા ભોગવી રહેલી મહિલાએ દીકરીને જન્મ આપ્યા પછી તેનું નામ પાડવાની વિધિ ભવ્ય રીતે યોજાઈ
થાણેની જેલમાં આનંદ અને ઉત્સાહથી બાળકીની નામકરણ વિધિ થઈ હતી.
થાણે-વેસ્ટમાં RTO ઑફિસ નજીક આવેલી થાણે સેન્ટ્રલ જેલમાં શુક્રવારે એક બાળકીના નામકરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હત્યાના કેસમાં સજા ભોગવતી મહિલાએ જન્મ આપેલી બાળકીના નામકરણ કાર્યક્રમમાં જેલના સ્ટાફ તેમ જ પ્રાઇવેટ સંસ્થાએ વિવિધ તૈયારીઓ કરી હતી. રીતરિવાજ પ્રમાણે તમામ વિધિ કર્યા બાદ બાળકીનું નામ ક્રિતિકા રાખવામાં આવ્યું હતું. આ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે જેલમાં સજા ભોગવતી ૧૦૦થી વધારે મહિલાઓએ ફોઈ અને માસીની ભૂમિકા ભજવીને તેને આશીર્વાદ આપ્યા હતા. આ અનોખા કાર્યક્રમથી જેલમાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું.
થાણેની જેલમાં શુક્રવારે સામાજિક કાર્યકરો અને પોલીસ તેમ જ બાળકીને જન્મ આપનાર મહિલા કેદીના પરિવારની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો એમ જણાવતાં થાણે સેન્ટ્રલ જેલનાં સુપરિન્ટેન્ડેન્ટ રાની ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કાર્યક્રમ માટે જેલની ખુલ્લી જગ્યાને અને એક પારણાને શણગારવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ૧૦૦ મહિલા કેદીઓએ તૈયારીમાં મદદ કરી હતી. તેમણે આનંદ અને ઉત્સાહથી કાર્યક્રમમાં ભાગ લઈને નામકરણ સમારંભમાં પરંપરાગત ગીતો ગાયાં હતાં. આ બધાની હાજરીમાં પારણામાં રહેલી બાળકીનું નામ ક્રિતિકા રાખવામાં આવ્યું હતું. એક પછી એક મહિલાએ બાળકીની નજીક આવીને તેને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. જેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હાજર લોકોની આંખોમાં આંસુ આવ્યાં હતાં અને ચહેરા પર સ્મિત આવી ગયું હતું, કારણ કે જેલમાં પહેલી વાર આ પ્રકારનો નામકરણ સમારંભ યોજાયો હતો. સામાજિક કાર્યકરોના માર્ગદર્શન હેઠળ મમ્મીને બાળકીની સંભાળ રાખવાની ટેક્નિક શીખવવામાં આવી હતી. નામકરણ પછી બાળકીને કપડાં, શૅમ્પૂ, તેલ, ટુવાલ ધરાવતું હૅમ્પર આપવામાં આવ્યું હતું.’
ADVERTISEMENT
કેમ જેલમાં આ કાર્યક્રમ યોજાયો?
સુપરિન્ટેન્ડેન્ટ રાની ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થાણે સેન્ટ્રલ જેલમાં ૧૪૦ મહિલા કેદી અને ૩૧૪૦ પુરુષ કેદી છે. ૬ વર્ષ સુધીનાં બાળકો તેમની માતા સાથે રહી શકે છે એટલે બાળકોને સાચવવા સામાજિક કાર્યકરોની મદદથી જેલમાં ડે-કૅર વ્યવસ્થા કરવામાં આવી છે. હત્યાના કેસમાં સજા ભોગવતી આ મહિલાની થોડા મહિના પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટના આદેશ પછી તેને જેલ-કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી. તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે પ્રેગ્નન્ટ હતી. આશરે એક મહિના પહેલાં તેણે જેલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. મમ્મી સાથે મળીને બાળકીની સંભાળ રાખતા સામાજિક કાર્યકરોએ બાળકીનું નામકરણ ભવ્ય રાખવા માટેનો આગ્રહ કરતાં અમે એ માટેની તમામ તૈયારીઓ કરી હતી.’


