ઘાટકોપરસ્થિત આરાધ્યા ભક્તિ પાર્ક અને ભાનુશાલી બૅન્ક્વેટ ખાતે જિનશાસનના જયજયકાર સાથે અદ્ભુત સુંદર આયોજન સાથે સેંકડો તપસ્વીઓનાં પારણાં થયાં
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
તપ - ત્યાગ, ભક્તિ - ભાવના, સાધના - આરાધના અને દાનધર્મનો રેકૉર્ડબ્રેક ઇતિહાસ સર્જીને પારસધામ ઘાટકોપરના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબના પાવન સાંનિધ્યે ઊજવાયેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની પૂર્ણતાએ ૬૩૫થી વધુ તપસ્વી ભાવિકોનો પારણા મહોત્સવ સુંદર અને અદ્ભુત વ્યવસ્થા સાથે યોજાયો હતો. ૮ દિવસના પર્વ દરમ્યાન સમગ્ર દેશના ખૂણે-ખૂણેથી તેમ જ વિદેશના ઑસ્ટ્રેલિયા, અમેરિકા, જર્મની, સિંગાપોર, સુદાન, દુબઈ આદિ અનેક ક્ષેત્રોના ભાવિકોએ પર્વાધિરાજ પર્વની આરાધના કરી એટલું જ નહીં, સાથે-સાથે તપશ્ચર્યા કરીને આત્માની વિશુદ્ધિ કરી.
સમગ્ર મુંબઈ તેમ જ ભારત અને વિદેશનાં અનેક ક્ષેત્રોના ૪૦ ઉપવાસ, ૩૧ ઉપવાસ અને ૩૦ ઉપવાસના ૩૦થી વધુ આરાધકો; ૨૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસના આરાધકો સાથે ૨૫૦થી વધુ અઠ્ઠાઈ તપના આરાધકોની સાથે ૧૯૦થી વધુ લઘુધર્મચક્ર તપના તપસ્વીઓ સાથે ૬૩૫થી વધુ ઉગ્ર તપસ્વીઓને પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે પારણાનો લાભ પ્રાપ્ત થતાં સૌ કૃતકૃત્ય બન્યા હતા. વિશેષમાં ૬૩૫થી વધુ ઉગ્ર તપસ્વી ભાવિકોની તપશ્ચર્યાની અનુમોદના અને પારણાનો અમૂલ્ય લાભ સમગ્ર ચાતુર્માસના ઉદારહૃદયા લાભાર્થી ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. તપસ્વીઓના પારણા સાથે પરમ ગુરુદેવની પ્રેરણાને સહર્ષ ઝીલીને અનેક ભાવિકોએ તમાકુ જેવા વ્યસનોના ત્યાગની પ્રતિજ્ઞા કરીને આ અવસરને યાદગાર બનાવ્યો હતો.
