Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના પરિવાર પાસેથી અઢી કરોડ રૂપિયા ખંખેરનારો ઠગ બાબા ગોવામાંથી પકડાયો

થાણેના પરિવાર પાસેથી અઢી કરોડ રૂપિયા ખંખેરનારો ઠગ બાબા ગોવામાંથી પકડાયો

Published : 16 April, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિતાનું અકસ્માતમાં મૃત્યુ થશે એવો ડર એક યુવતીને બતાવીને વિવિધ પૂજા અને ૧૨ જ્યોતિર્લિંગની યાત્રાના બહાને આ પૈસા પડાવ્યા હતા, અનેક કેસોમાં સંડોવણી બહાર આવી

ક્રાઇમ બ્રાન્ચે આરોપી બાબાની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આરોપી બાબાની ધરપકડ કરી હતી.


થાણેના ઘોડબંદર રોડ પર હીરાનંદાની એસ્ટેટમાં રહેતા એક પરિવાર પાસેથી આશરે અઢી કરોડ રૂપિયા પડાવી લેવાના આરોપમાં થાણે ક્રાઇમ બ્રાન્ચના યુનિટ વન દ્વારા ૩૫ વર્ષના મંજુનાથ શેટ્ટી ઉર્ફે દીક્ષિતબાબાની ગોવાથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપ મુજબ તેણે પચીસ વર્ષની યુવતીને તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થશે એવો ભય બતાવીને વિવિધ પૂજા અને ૧૨ જ્યોતિર્લિંગની યાત્રાના બહાને અઢી કરોડ રૂપિયા પડાવ્યા હતા. કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ પણ કોઈ ચોક્કસ પરિણામ ન મળ્યું એને પગલે યુવતીને છેતરપિંડી થયાની શંકા ગઈ હતી. તેણે ૪ એપ્રિલે કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દીક્ષિતબાબા સામે થાણે અને વસઈમાં આ પ્રકારના અન્ય કેસોમાં સંડોવણી સામે આવતાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને ટેક્નિકલ માહિતીના આધારે તેની ધરપકડ કરી હતી. પોલીસે આ બાબાનો શિકાર બનેલા અન્ય લોકોને પણ આગળ આવીને ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે.

ધુતારો બાબા મૂળ કર્ણાટકનો



થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ વનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસ અમારી ટીમને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન મળેલી માહિતી મુજબ આરોપી મૂળ કર્ણાટકનો રહેવાસી હતો અને ફરિયાદ નોંધાતાં જ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસને ચકમો આપવા માટે તે વિવિધ રાજ્યોમાં ફરતો રહ્યો હતો અને પોતાનો મોબાઇલ સતત બંધ રાખતો હોવાથી તેનું લોકેશન મેળવવું મુશ્કેલ બનતું હતું. જોકે તાજેતરમાં તે ગોવાની એક હોટેલમાં છુપાયો હોવાની ચોક્કસ માહિતી મળતાં તેની ત્યાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે વસઈના માણિકપુર પોલીસ-સ્ટેશનમાં એક મહિલા પર બળાત્કાર કરવાની અને પૈસા પડાવવાની ફરિયાદ નોંધાયેલી છે જેમાં તે હાલમાં જામીન પર છે. ઉપરાંત વર્તકનગર પોલીસ-સ્ટેશનમાં પણ એક મહિલાની છેડતી કરવાનો અને પૈસા પડાવવાનો ગુનો તેની સામે નોંધાયેલો છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે આરોપીએ થાણે અને મુંબઈ વિસ્તારમાં પણ આવાં ખોટાં વચનો આપીને ઘણી મહિલાઓ સાથે છેતરપિંડી કરી હશે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે જો તેઓ આ બાબાનો શિકાર બન્યા હોય તો તાત્કાલિક નજીકના પોલીસ-સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે અથવા સીધો અમારો સંપર્ક કરે.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK