બે દિવસ ભારે તપાવ્યા બાદ પારો થોડોક સામાન્ય થયો, હવે આખું અઠવાડિયું ગ્રીન અલર્ટ
ફાઇલ તસવીર
બે દિવસ બરાબર ગરમીમાં શેકાયા બાદ હવે મુંબઈગરાને થોડી રાહત મળશે. યલો અલર્ટ અને ઑરેન્જ અલર્ટ સાથે રેકૉર્ડબ્રેક તાપમાન નોંધાવ્યા બાદ મુંબઈનું તાપમાન ફરીથી સામાન્ય બન્યું છે. બુધવારે સાંતાક્રુઝનું તાપમાન ૪૦ ડિગ્રીથી ઘટીને સીધું ૩૪.૫ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું. સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ ૭૦ ટકા થઈ જતાં લૂ જેવો ગરમ પવન થોડો ઠંડો અને રાહત આપનારો બન્યો હતો. જોકે બુધવારે બપોર સુધી મુંબઈ, પાલઘર અને થાણેમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી હતી. ગુરુવારથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગ્રીન અલર્ટ આપવામાં આવી છે.
ગરમી ઓછી થવાની સાથે મુંબઈમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) કથળી ગયો હતો. બુધવારે સવારે અમુક વિસ્તારોમાં ધુમ્મસ રહ્યું હતું. મુંબઈનો સરેરાશ AQI ૧૭૭ નોંધાયો હતો. વડાલામાં ૨૦૦ AQI સાથે સૌથી પ્રદૂષિત હવા રહી હતી.
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી અઠવાડિયામાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. જોકે વિક્રોલી અને રામ મંદિર વિસ્તારો મુંબઈના સૌથી ગરમ વિસ્તારો રહ્યા હતા.
ADVERTISEMENT
ગઈ કાલે મુંબઈના વિસ્તારોનું તાપમાન
રામ મંદિર : ૩૬.૨ ડિગ્રી
વિક્રોલી : ૩૬.૯ ડિગ્રી
ભાયખલા : ૩૪.૧ ડિગ્રી
સાંતાક્રુઝ : ૩૪.૫ ડિગ્રી
વિદ્યાવિહાર : ૩૪.૫ ડિગ્રી
ચેમ્બુર : ૩૩.૪ ડિગ્રી
દહિસર : ૩૩ ડિગ્રી
ગુજરાતનાં ૧૪ શહેરોમાં તાપમાન ૪૦ પાર: રાજ્યમાં હીટવેવની સંભાવના
જો તમે અમદાવાદ જવાના હો તો ધ્યાન રાખજો, કેમ કે આજથી ગુજરાતમાં ગરમીનો પારો ઊંચે જવાની તેમ જ હીટવેવની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. ઉનાળાની શરૂઆત સાથે જ ગઈ કાલે ગુજરાતમાં ગરમીનો પારો વર્તાયો હતો. ગુજરાતનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી વધુ રહ્યો હતો. સૌથી વધુ તાપમાન વલ્લભ વિદ્યાનગરમાં ૪૨.૩ ડિગ્રી, રાજકોટમાં ૪૧.૯, વડોદરામાં ૪૧.૬, સુરેન્દ્રનગરમાં ૪૧.૫ અને અમદાવાદમાં ૪૧.૪ ડિગ્રી હતું. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે યલો અલર્ટ આપવામાં આવી છે. અાગામી ૭ દિવસ દરમ્યાન અમદાવાદ શહેરમાં તાપમાન ઊંચે રહેવાની શક્યતા દર્શાવી છે જેમાં મહત્તમ તાપમાન ૩૯થી ૪૧ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી જિલ્લામાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતી કાલે બનાસકાંઠા અને સુરત જિલ્લામાં સૌરાષ્ટ્ર કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં હીટવેવ રહેશે.
