અરજદારની દલીલ ફગાવતાં અદાલતે નોંધ્યું કે કાસ્ટ-સર્ટિફિકેટ એક વાર અમાન્ય સાબિત થાય એટલે કાયદાકીય રીતે તે વ્યક્તિ અયોગ્ય ઠરે
વિશાખા રાઉત
બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે શિવસેના (UBT)નાં કૉર્પોરેટર અને મુંબઈનાં ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉતને મોટો આંચકો આપ્યો હતો. અમાન્ય કાસ્ટ-સર્ટિફિકેટ રજૂ કરવા બદલ BMCના કમિશનર દ્વારા તેમને કૉર્પોરેટરપદેથી હટાવવાના અને ૬ વર્ષ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવાના આદેશ સામેની તેમની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી છે.
ગયા મહિને ડિસ્ટ્રિક્ટ કાસ્ટ સ્ક્રૂટિની કમિટીએ વિશાખા રાઉતના અધર બૅકવર્ડ ક્લાસ (OBC) સર્ટિફિકેટને એ આધાર પર રદ કર્યું હતું કે જે અધિકારીએ આ પ્રમાણપત્ર રજૂ કર્યું હતું તેમની પાસે એની સત્તા કે અધિકારક્ષેત્ર નહોતું. આ કમિટીના આદેશ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનરે તેમને પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો અને રાજ્ય સરકારને તેમને અયોગ્ય જાહેર કરતું ગૅઝેટ નોટિફિકેશન બહાર પાડવાની જાણ કરી હતી.
ADVERTISEMENT
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે આ અરજી ફગાવતાં સ્પષ્ટ કર્યું કે ‘એક વાર કાસ્ટ-સર્ટિફિકેટ અમાન્ય કે ખોટું સાબિત થઈ જાય એટલે કાયદાકીય રીતે તે વ્યક્તિ અયોગ્ય ઠરે અને પરિણામ આપોઆપ લાગુ પડે છે. BMCના કમિશનરના આદેશમાં કોઈ ગેરકાયદેસરતા નથી.’
અદાલતે વિશાખા રાઉતની એ દલીલો પણ ફગાવી દીધી હતી કે તેમનું સર્ટિફિકેટ કોઈ છેતરપિંડીને કારણે રદ નથી થયું તેથી તેમને અયોગ્ય ઠેરવી શકાય નહીં. હાઈ કોર્ટે વિશાખા રાઉતને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને એવું પણ ઉમેર્યું હતું કે તેઓ કોકણ ડિવિઝનલ કમિશનર સમક્ષ પોતાની બાકી રહેલી અપીલ પર ઝડપી સુનાવણી માટે અરજી કરી શકે છે.
પ્રિયા સરવણકર કૉર્પોરેટર બનશે?
ભૂતપૂર્વ વિધાનસભ્ય સદા સરવણકરનાં પુત્રી અને શિવસેનાનાં નેતા પ્રિયા સરવણકર વિશાખા રાઉત સામે ચૂંટણી લડ્યાં હતાં. એમાં વિશાખા રાઉતે જીત મેળવી હતી, જ્યારે પ્રિયા સરવણકર બીજા સ્થાને રહ્યાં હતાં. હવે જો વિશાખા રાઉતનો કૉર્પોરેટરનો દરજ્જો રદ થાય તો પ્રિયા સરવણકરને કૉર્પોરેટર બનવાની તક મળી શકે છે.
શિવસેના (UBT)ના કૉર્પોરેટરોની સંખ્યા ૬૩ થઈ
૧૮ જૂને વૉર્ડ-નંબર ૧૧૧ ભાંડુપના શિવસેના (UBT) કૉર્પોરેટર દીપક સાવંતનું કૉર્પોરેટરપદ રદ કરવામાં આવ્યું હતું. તેમણે રજૂ કરેલું કાસ્ટ સર્ટિફિકેટ અયોગ્ય સાબિત થતાં BMCએ આ નિર્ણય લીધો હતો જેને પગલે હવે BMCમાં શિવસેના (UBT)ના કૉર્પોરેટરોની સંખ્યા ૬૫માંથી ઘટીને ૬૩ થઈ ગઈ છે.
