Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભલે મૂળિયાં ગુજરાતમાં, પણ અમે તો આસામીઝ ગુજરાતી

ભલે મૂળિયાં ગુજરાતમાં, પણ અમે તો આસામીઝ ગુજરાતી

Published : 19 August, 2026 02:38 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત’ એ ઉક્તિને સાર્થક કરતાં અહીંના ગુજરાતીઓએ મુશ્કેલીમાં મુકાયેલાં આસામી ભાઈ-બહેનોની વહારે આવીને સાબિત કરી દીધું છે કે આપત્તિના સમયે અમે તમારી સાથે જ છીએ

આ રહ્યાં આસામીઝ ગુજરાતી

આ રહ્યાં આસામીઝ ગુજરાતી


આ વર્ષે ચોમાસાએ આસામમાં જે તાંડવ મચાવ્યું છે એનાથી આખું પૂર્વોત્તર ભારત હચમચી ગયું છે. સતત પડતો ભારે વરસાદ, ભૂસ્ખલન અને બ્રહ્મપુત્ર સહિત એની સહાયક નદીઓમાં આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ૧૦૪ લોકોએ જીવ ગુમાવ્યો છે અને રાજ્યના કેટલાય જિલ્લાઓ હજી પણ જળબંબાકાર છે. શિવસાગર, જોરહાટ, ગોલાઘાટ અને નાગાંવ જેવા વિસ્તારોમાં હજારો પરિવારો બેઘર બન્યા છે અને રાહતશિબિરોમાં આશરો લઈ રહ્યા છે. આ કપરા સમયમાં વહીવટી તંત્ર અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમો બચાવકાર્યમાં લાગેલાં જ છે. બીજી તરફ આસામમાં પેઢીઓથી વસતા ગુજરાતી પરિવારો અને સ્થાનિક ગુજરાતી સમાજે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૂરમાં સૌથી મોટી કટોકટી પીવાના શુદ્ધ પાણી, દવાઓ અને ખોરાકની સર્જાઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા ગુજરાતી સમાજ અને વેપારીઓએ કમર કસી છે. ‘જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત’ એ ઉક્તિને સાર્થક કરતાં અહીંના ગુજરાતીઓએ મુશ્કેલીમાં મુકાયેલાં આસામી ભાઈ-બહેનોની વહારે આવીને સાબિત કરી દીધું છે કે આપત્તિના સમયે અમે તમારી સાથે જ છીએ.

વનતારા અને ગુજરાતી ઉદ્યોગગૃહો સક્રિય
 આસામના અપર ભાગમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જામનગરસ્થિત વનતારાની વિશેષ ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર ઊતરીને અનોખું રાહતકાર્ય શરૂ કર્યું છે. પૂરના પાણીમાં ફસાયેલાં હજારો અબોલ પશુઓની સારવાર તેમ જ એમના માટે ઘાસચારાની વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. 
 પૂરનાં પાણી ઓસરવાની સાથે જ રોગચાળો ફેલાવાનો ભય સૌથી વધુ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારી મંડળોનાં જૂથો દ્વારા પ્રભાવિત ગામડાંઓમાં મેડિકલ કૅમ્પ કરવામાં આવી રહ્યા છે.
 અદાણી ફાઉન્ડેશન દ્વારા આસામ પૂર રાહત માટે ૧૧ કરોડ રૂપિયાની સહાય જાહેર કરાયા બાદ તેમની સ્થાનિક ટીમો ગુવાહાટી ઍરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં સામગ્રીનું વિતરણ કરી રહી છે. 
 વરસાદ ધીમો પડતાં નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે, પરંતુ મુશ્કેલીઓ ઓછી થઈ નથી. કૂવાઓ અને ભૂગર્ભજળ દૂષિત થઈ ગયાં છે. આસામી અને ગુજરાતી સમાજના સ્વયંસેવકો ખભેખભા મિલાવીને કાંપ-કાદવ સાફ કરવામાં મદદ કરી રહ્યા છે.



અંતરિયાળ ગામડાં સુધી પહોંચવું અઘરું - સંજય શાહ, શ્રી ગુજરાતી વેલ્ફેર સોસાયટી, ગુવાહાટીના ભૂતપૂર્વ પ્રમુખ


મારી માતૃભૂમિ કહો કે કર્મભૂમિ બધું જ ગુવાહાટી છે. મારા પપ્પા ૧૯૫૮માં ગુજરાતથી અહીં આવ્યા હતા, પણ અમે તો પાકા અહીંના જ છીએ. હું આસામીઝ ભાષા બોલું ત્યારે સામેવાળી વ્યક્તિ કહી જ ન શકે કે ગુજરાતી છું. મને આસામીઝ લખતાં અને બોલતાં બન્ને સારી રીતે આવડે છે. અમારો નેમપ્લેટ, LED બોર્ડ અને ફ્લાઇટનાં ડિસ્પ્લે બોર્ડ બનાવવાનો બિઝનેસ છે. આસામમાં આમ તો તિનસુકિયા, જોરહાટ અને નાગાંવમાં દર વર્ષે પૂર આવે છે, પણ આ વખતે પૂરનો પ્રકોપ શિવસાગરમાં પણ જોવા મળ્યો છે. બ્રહ્મપુત્ર નદીના પ્રચંડ પ્રવાહ અને કરન્ટને કારણે આખી જમીન ધોવાઈ ગઈ છે. પૂર અપર આસામમાં આવ્યું છે જે અહીંથી ઘણું દૂર છે અને અત્યારે બાય રોડ ત્યાં જઈ શકાય એવી પોઝિશન નથી. ગુવાહાટીની ભૌગોલિક સ્થિતિ એવી છે કે એક બાજુ બ્રહ્મપુત્ર નદી છે અને બીજી બાજુ પહાડો છે. પહાડોનું પાણી શહેરમાં આવી જાય ત્યારે જ્યાં હોઈએ ત્યાં થોભી જવું પડે. જોકે વરસાદ બંધ થયા પછી પાણી ઝડપથી ઊતરી પણ જાય છે. પૂરમાં ગ્રાઉન્ડ લેવલ પર ઊતરીને કામ કરવું અઘરું છે એટલે અમે અંતરિયાળ વિસ્તારોમાં પર્સનલી નથી જતા. ત્યાં માત્ર નાવ ચાલે છે. સ્થિતિ એવી છે કે પાંચ-દસ હજાર રૂપિયાની રકમ ગણતરીમાં ન આવે. આમાં લાખો રૂપિયાનું ભંડોળ જોઈએ અને સૌથી મહત્ત્વનું એ છે કે રિલાયેબલ સોર્સથી કામ કરવું પડે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ કડક આદેશ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ ડબ્બા લઈને રસ્તા પર દાન ઉઘરાવવા ન નીકળી શકે. પોલીસે પણ આવાં તત્ત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અમે લાયન્સ ક્લબના વૉલન્ટિયર્સ જેઓ ગ્રાઉન્ડ પર જતા હોય છે તેમને મિનરલ વૉટર, કપડાં અને અનાજ આપીને હેલ્પ કરીએ છીએ. આ સિવાય પૂરગ્રસ્ત ગામના મુખિયા અથવા ત્યાંની સ્થાનિક સ્કૂલના ટીચર્સના માધ્યમથી રાહતસામગ્રી સપ્લાય કરીએ છીએ જેથી મદદ સાચા હાથોમાં પહોંચે. અત્યારે આશરે ૮૦૦ ગામડાંઓને પૂરની ગંભીર અસર થઈ છે. ગામડાંના લોકો સામાન્ય રીતે ખરીદી કરવા માટે ગુવાહાટી આવતા હોય છે, પણ અત્યારે તેમનાં ઢોર અને ઘરો તણાઈ ગયાં છે. બહારથી ગ્રાહકો ન આવી શકવાના કારણે વેપાર-ધંધાને થોડી અસર ચોક્કસ થઈ છે. વળી પાડોશી રાજ્યો અરુણાચલ પ્રદેશ કે મેઘાલયમાં જ્યારે તોફાન કે લૅન્ડસ્લાઇડ થાય ત્યારે પણ કનેક્ટિવિટી તૂટવાને કારણે અમારો ધંધો પ્રભાવિત થાય છે.’


ચાના પ્રોડક્શનને અસર થશે - નીરવ પટેલ, ચાના વેપારી

કામધંધાને લીધે વર્ષ ૨૦૦૦માં કલકત્તાથી આસામ શિફ્ટ થયો હતો. અમારો ચાનો બિઝનેસ છે. હું ગુવાહાટી ટી ઑક્શન સેન્ટર (GTAC)નો મેમ્બર પણ છું. એ ચાનું વિશ્વનું સૌથી મોટું ઑક્શન સેન્ટર ગણાય છે. આસામમાં ચાના બિઝનેસમાં ઘણા ગુજરાતીઓ સંકળાયેલા છે. ગુવાહાટીમાં સ્થાયી હોવાથી વ્યક્તિગત રીતે પૂરનો સામનો નથી કરવો પડ્યો, પરંતુ આસામમાં આ વખતે જે નુકસાની થઈ છે એ કરોડો રૂપિયાની છે. પૂરનાં પાણી તો હવે ઓસરી રહ્યાં છે, પણ ફૅક્ટરીઓમાં ઘૂંટણ સુધી માટી અને કાદવ જામી ગયાં છે જેને કારણે હવે ચાનું પ્રોડક્શન ડાઉન થશે. જોકે હોલસેલના ધંધાને બહુ મોટી અસર નહીં થાય. પચીસ વર્ષના આસામના વસવાટ દરમ્યાન આવી ભયાનક સ્થિતિ ક્યારેય નથી જોઈ. દર વર્ષે પાણી ભરાય છે અને થોડા સમયમાં ઊતરી જાય છે, પણ આ વખતે પહેલી વાર એવા વિસ્તારોમાં પૂર આવ્યું છે જ્યાં કોઈએ કલ્પના પણ નહોતી કરી. સામાન્ય રીતે બ્રહ્મપુત્ર નદીનું લેવલ વધે ત્યારે એની આસપાસના વિસ્તારો જ પાણીમાં ગરકાવ થતા હોય છે. આ વખતે પૂર આવવાનું મુખ્ય કારણ નાગાલૅન્ડ સરહદ પર ફાટેલું વાદળ છે. નાગાલૅન્ડમાં અતિ ભારે વરસાદ થતાં બ્રહ્મપુત્રની સહાયક નદીઓમાં એકાએક ઘોડાપૂર આવ્યું અને એને લીધે આ વિનાશ સર્જાયો છે. આ કપરી સ્થિતિમાં ચાના વેપારીઓએ મુખ્ય પ્રધાન રાહતફન્ડમાં સીધું દાન આપવાનું પસંદ કર્યું છે. આપણું ડોનેશન સાચા હાથમાં જાય એ સૌથી વધુ જરૂરી છે. સરકારની ડિઝૅસ્ટર વ્યવસ્થા સરસ રીતે ચૅનલાઇઝ્ડ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઍર ફોર્સ કે બોટ દ્વારા કેવી રીતે ફૂડ-પૅકેટ્સ પહોંચાડવાં એ સરકાર વધુ સારી રીતે જાણે છે, આપણે વ્યક્તિગત રીતે ત્યાં જઈને સર્વે ન કરી શકીએ. આમ છતાં કેટલાક વેપારીઓ પર્સનલ લેવલ પર અનાજ-પાણી મોકલી રહ્યા છે. મને આસામીઝ ભાષા બરાબર સમજાય છે, બોલતાં નથી આવડતી છતાં આસામમાં ખુશ છીએ. અહીં ગુજરાતીઓની સંખ્યા ઓછી છે, પણ કુદરતી આપદાના સમયે આખો સમાજ એક પરિવારની જેમ આસામી બાંધવોના પડખે ઊભો રહે છે.

બિઝનેસ ઠપ થઈ ગયો, પણ મદદ માટે ખડેપગે - મયંક મામતોરા, ઑપ્ટિકલ ફ્રેમ્સનો બિઝનેસ

હું ૧૯૭૬થી આસામમાં સ્થાયી થયો છું અને અમારો ઑપ્ટિકલ ફ્રેમ્સ તેમ જ લેન્સનો હોલસેલ અને રીટેલનો વ્યવસાય છે. આસામમાં આવેલા ભયાનક પૂરને કારણે અમારા વેપાર-ધંધાને આર્થિક અસર થઈ છે. દિબ્રૂગઢ, જોરહાટ અને પૂરથી પ્રભાવિત અન્ય વિસ્તારોના અમારા ઘણા ગ્રાહકોની દુકાનો પાણીમાં ડૂબી ગઈ છે. ત્યાંથી નવા ઑર્ડર મળવાના સંપૂર્ણ બંધ થઈ ગયા છે અને જૂનાં પેમેન્ટ્સ પણ અટવાયાં છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અમારો આસામ ગુજરાતી સમાજ પૂરપીડિતોની વહારે આવ્યો છે. અમે પ્રભાવિત લોકોને વાસણો, મચ્છરદાની અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી રહ્યા છીએ. પૂરના પાણીને કારણે જે વિસ્તારોમાં રૂબરૂ પહોંચવું શક્ય નથી ત્યાં અમે સ્થાનિક અને વિશ્વસનીય બિનસરકારી સંસ્થાઓના માધ્યમથી રાહતસામગ્રી મોકલી રહ્યા છીએ. હું પોતે રોટેરિયન હોવાના નાતે અમે રોટરી ક્લબની અલગ-અલગ ટીમો બનાવીને છેવાડાના વિસ્તારો સુધી જરૂરી કૉમોડિટીઝ પહોંચાડી છે. આસામના મોટા ભાગના ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ આ જ રીતે વ્યક્તિગત કે સંસ્થાકીય સ્તરે પૂરી તાકાતથી મદદ કરી રહ્યા છે. અમે માત્ર સામગ્રી મોકલીને સંતોષ નથી માનતા, કઈ-કઈ વસ્તુઓનો સ્ટૉક સપ્લાય થઈ રહ્યો છે એનું સતત મૉનિટરિંગ કરીએ છીએ અને એ વાતની પણ ખાતરી કરીએ છીએ કે આ રાહતસામગ્રી ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચે. આસામ અમારી કર્મભૂમિ છે. અહીંના લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. આજે જ્યારે તેઓ સંકટમાં છે ત્યારે તેમની સેવા કરવી એ આપણી ફરજ અને ધર્મ છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાહતસામગ્રીનું વિતરણ ચાલુ રહેશે.’

કુદરતી આપદામાં મહિલા સમિતિ ઍક્ટિવ થઈ જાય - મનીષા શાહ, શ્રી ગુજરાતી વેલ્ફેર સોસાયટી, ગુવાહાટીનાં પ્રમુખ

મારા સસરા ૭૦ વર્ષથી અહીં રહે છે. હસબન્ડનો જન્મ અહીં જ થયો છે. મારો જન્મ અને ઉછેર કલકત્તામાં થયો છે, પણ લગ્ન પછી છેલ્લાં ૩૯ વર્ષથી હું ગુવાહાટીમાં સ્થાયી છું. જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ અને ઇલેક્ટ્રૉનિક્સનો બિઝનેસ છે. પૂર્વાંચલ રાજ્યોમાં સૌથી વધુ ગુજરાતી વસ્તી ગુવાહાટીમાં છે. અહીં લગભગ ૧૦૦થી વધુ ગુજરાતી પરિવારો રહે છે. સ્થાનિક આસામી લોકો સાથે અમારા મધુર સંબંધો છે. આસામમાં આમ તો દર વર્ષે જુલાઈ મહિનામાં પૂર આવે છે. સામાન્ય રીતે અપર આસામના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થતા હોય છે, પણ આ વખતે પૂરનો પ્રકોપ અન્ય વિસ્તારોમાં પણ ભયાનક સ્તરે જોવા મળ્યો છે. શિવસાગર અને ચરાઈદેવ જિલ્લાનો ઉમેરો થયો છે. નેપાલી કુથી જેવાં આખેઆખાં ગામો નકશા પરથી ગાયબ થઈ ગયાં છે. સદ્ભાગ્યે ગુવાહાટી મેટ્રો સિટીમાં પૂરની સીધી અસર નથી થઈ. અહીંથી આશરે ૬-૭ કિલોમીટરના અંતરે પાણી ભરાયાં છે. શિવસાગર જવા માટે અંદાજે ૧૦ કલાક લાગે. સ્થિતિ એવી છે કે વાહનો મળતાં નથી. વળી અમારું માનવું છે કે ત્યાં રૂબરૂ જઈને સ્થાનિક વહીવટી તંત્ર માટે ખાવા-પીવાની વ્યવસ્થાનું નવું ભારણ ઊભું કરવા કરતાં અમે એ પૈસા બચાવીને એમાંથી પૂરપીડિતો આસામી બાંધવોને વધુ મદદરૂપ થઈ શકીએ. આ સેવાયજ્ઞમાં અમે અહીંના મારવાડી સમાજ સાથે કોલૅબરેશન કર્યું છે, કારણ કે તેઓ મોટા પાયે ગ્રાઉન્ડ પર કામ કરે છે. આસામમાં જ્યારે પણ કુદરતી આપદા આવે ત્યારે ગુજરાતી સમાજની આગેવાની હેઠળની મહિલા સમિતિની બહેનો ઍક્ટિવ થઈ જાય છે. સમિતિની બહેનોએ ગ્રુપ બનાવીને ઘરે-ઘરેથી અનાજ, કપડાં, બ્રેડ, બિસ્કિટ અને ચોખા જેવી રોજિંદી જીવનજરૂરિયાતની ચીજો ભેગી કરીને પૂરગ્રસ્તો સુધી પહોંચાડી છે. અમે ચીફ મિનિસ્ટર્સ ફ્લડ રિલીફ ફન્ડમાં વ્યક્તિગત રીતે રોકડ સહાય પણ આપી છે.’

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 02:38 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK