Aurangzeb Grave Controversy: આ મકબરો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના રક્ષણ હેઠળ છે. ASI તેને `રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક` માને છે. તેથી, તે કેન્દ્ર સરકાર દ્વારા જાળવવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકાર પાસે તેને દૂર કરવાની કોઈ પાવર નથી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં મુઘલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાની માગણીએ જોર પકડ્યું છે. આ મુદ્દે નાગપુરમાં હિંસાચર પણ થયો હતો, જોકે હવે આ મામલો બૉમ્બે હાઈ કોર્ટ સુધી પહોંચી ગયો છે. ઔરંગઝેબની કબર અંગે અદાલતમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે.
છત્રપતિ સંભાજીનગર જેનું અગાઉનું નામ ઔરંગાબાદ હતું ત્યાં સ્થિત મુઘલ શાસક ઔરંગઝેબની કબરનો વિવાદ ઓછો થવાને બદલે વધી રહ્યો છે. રાજ્યમાં આ મુદ્દા પર રાજકીય હોબાળો થયા બાદ હવે આખો મામલો બૉમ્બે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. શુક્રવારે હાઈ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં માગણી કરવામાં આવી છે કે ઔરંગઝેબના મકબરાને રાષ્ટ્રીય સ્મારક ન ગણવામાં આવે. આ સાથે અરજીમાં ઔરંગઝેબની કબર તોડી પાડવાની અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને રાષ્ટ્રીય સ્મારકોની યાદીમાંથી કબરને દૂર કરવાનો નિર્દેશ આપવાની માગણી કરી છે. અરજદારે દાવો કર્યો છે કે આ ASI એક્ટ, 1958 ની કલમ 3 અનુસાર નથી.
ADVERTISEMENT
આ અરજી કોણે દાખલ કરી?
આ અરજી કેતન તિરોડકરે બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરી હતી, જ્યારે બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનોના કબર હટાવવાના તીવ્ર વિરોધ બાદ છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કબરના રક્ષણ માટે ટીન શેડ બનાવવામાં આવ્યા છે. આ સાથે ત્યાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. ઔરંગઝેબનો મુદ્દો મહારાષ્ટ્રમાં ઘણા સમયથી ગુંજી રહ્યો છે. ઔરંગઝેબના વખાણ કરવા બદલ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આસીમ આઝમીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઔરંગઝેબની કબર હટાવવાના વિરોધમાં ૧૭ માર્ચે નાગપુરમાં થયેલી હિંસા પણ ફાટી નીકળી હતી.
આ મકબરો ઔરંગાબાદમાં છે.
ઔરંગઝેબનું અવસાન અહમદનગરમાં થયું. હવે તેનું નામ બદલીને અહિલ્યાનગર કરવામાં આવ્યું છે. ઔરંગાબાદ જિલ્લાના દિવાલવાળા શહેર ખુલદાબાદમાં તેની કબર આવેલી છે તેની પાછળ અનેક ઐતિહાસિક અને ધાર્મિક કારણો છે. આ મકબરો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના રક્ષણ હેઠળ છે. ASI તેને `રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક` માને છે. તેથી, તે કેન્દ્ર સરકાર દ્વારા જાળવવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકાર પાસે તેને દૂર કરવાની કોઈ પાવર નથી.
ઔરંગઝેબની કબર હટાવવાની માગણી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રાજ્યભરમાં સોમવારે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એને પગલે સોમવારે બપોર બાદ નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય રેશિમ બાગ પાસે રમખાણ ફાટી નીકળ્યું હતું. RSSના નૅશનલ પબ્લિસિટી ઇન્ચાર્જ સુનીલ આંબેકરે ગઈ કાલે બૅન્ગલોરમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી એમાં ૩૦૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ઔરંગઝેબ અને તેની કબર આજે કેટલી પ્રાસંગિક છે? એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘ઔરંગઝેબ કે તેની કબર આજે જરાય પ્રાસંગિક નથી. મને લાગે છે કે અત્યારે કબર હટાવવાની કોઈએ ઝુંબેશ કે માગણી ન કરવી જોઈએ. કોઈ પણ પ્રકારની હિંસા સોસાયટી માટે સારી નથી. પોલીસે હિંસક ઘટનાની ફરિયાદ નોંધીને સંબંધિતો સામે કાર્યવાહી શરૂ કરી છે અને અમને વિશ્વાસ છે કે આ બાબતની પોલીસ ઊંડાણથી તપાસ કરશે.’

