ભાંડુપના કપલે પીત્ઝાની ડિલિવરી કરવા માટે આવેલા યુવકને મરાઠી ન બોલવાને કારણે રૂપિયા ન આપ્યા: વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો
ભાંડુપની સાંઈ રાધે નામની સોસાયટીમાં પીત્ઝાની ડિલિવરી કરવા ગયેલા યુવકને મરાઠી બોલવાની ફરજ પાડી રહેલા કપલનો વિડિયો-ગ્રૅબ.
મુંબઈમાં રહેતા તમામ લોકોને મરાઠી ભાષા આવડવી જ જોઈએ એવો આગ્રહ મરાઠી ભાષાના કેટલાક પ્રેમીઓ રાખે છે, જેને લીધે ઘણી વાર ભાષાવાદનો વિવાદ ઊભો થાય છે. આવો જ વિવાદ ભાંડુપમાં આવેલી સાંઈ રાધે નામની એક હાઉસિંગ સોસાયટીમાં થયો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં પીત્ઝાની ડિલિવરી કરવા આવેલા ડિલિવરી બૉયને મરાઠી કપલે તે મરાઠીમાં વાત નહીં કરે તો પીત્ઝાનું પેમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. આથી રોહિત નામના ડિલિવરી બૉયે પીત્ઝાનો ઑર્ડર કરનારા મરાઠી કપલ સાથેની વાતચીતનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.
ડિલિવરી બૉય રોહિત વિડિયોમાં કહે છે કે ‘આ કસ્ટમર મને મરાઠી બોલતાં આવડતું ન હોવા છતાં બોલવાની જબરદસ્તી કરી રહ્યું છે. મુંબઈમાં બધાને મરાઠીમાં બોલતાં આવડવું જ જોઈએ એવું કોણ કહે છે?’
ADVERTISEMENT
જવાબમાં ગ્રિલ લગાવેલા દરવાજાની અંદરથી મહિલાએ કહ્યું કે ‘અહીં આવું જ છે.’ ડિલિવરી બૉયે કહ્યું કે ‘મને મરાઠી નથી આવડતું તો પીત્ઝાનો ઑર્ડર ન કરવો જોઈએને. પીત્ઝાના રૂપિયા નથી આપવાને? ઠીક છે.’ આવી બોલાચાલી થયા બાદ મહિલા અને તેના પતિએ પીત્ઝા લઈ લીધા બાદ પેમેન્ટ ન કરીને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.

