પાલઘર જિલ્લામાં એક મહિલા અને તેની સગીર બહેન પર બળાત્કાર કરવાના આરોપમાં પોલીસે બાવીસ વર્ષના યુવક સામે કેસ નોંધ્યો છે.
BJPનાં નેતા ચિત્રા વાઘ
પાલઘર જિલ્લામાં એક મહિલા અને તેની સગીર બહેન પર બળાત્કાર કરવાના આરોપમાં પોલીસે બાવીસ વર્ષના યુવક સામે કેસ નોંધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)નાં વિધાન પરિષદનાં સભ્ય ચિત્રા વાઘે આરોપ લગાવ્યો હતો કે એ લવ જેહાદનો કેસ છે.
આ કેસ સંદર્ભે માહિતી આપતાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (દહાણુ) અંકિતા કાંસેએ જણાવ્યું હતું કે ‘પીડિતોની ફરિયાદ બાદ ૧ જૂને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) હેઠળ બળાત્કાર અને છેડતીના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. બે ટીમો ફરાર આરોપીની શોધ કરી રહી છે.’
આ કેસના સંદર્ભમાં શનિવારે BJPનાં નેતા ચિત્રા વાઘે દહાણુ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. એ પછી પત્રકારો સાથે વાત કરતાં તેમણે દાવો કર્યો હતો કે આ લવ જેહાદનો કેસ છે અને પાલઘરથી શિક્ષિત છોકરીઓની લંડનમાં સ્ટુડન્ટ વીઝાની આડમાં ગેરકાયદેસર રીતે તસ્કરી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ચિત્રા વાઘે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ‘આરોપીનું ઘર ગેરકાયદેસર છે અને એ તોડી પાડવું જોઈએ. આ શોષણ ચોક્કસ સમુદાયોને લક્ષ્ય બનાવતા ઊંડાણપૂર્વકના નેટવર્કનો ભાગ છે. માત્ર અડધા કલાકમાં જૈન અને મારવાડી સમુદાયના ચાર પરિવારો મને ભયાનક વાતો સાથે મળ્યા. મહિલાઓને જાળમાં ફસાવવામાં આવી રહી છે, તેમની સ્વતંત્ર ઓળખ છીનવી લેવામાં આવી રહી છે અને તેમને સીધી સ્ટુડન્ટ વીઝા પર લંડન મોકલવામાં આવી રહી છે. યુવાન મુસ્લિમ પુરુષો જે પોતાનું ભરણપોષણ પણ કરી શકતા નથી તેઓ રહસ્યમય રીતે આ આંતરરાષ્ટ્રીય વીઝા મેળવવા માટે લાખો રૂપિયા ચૂકવી રહ્યા છે.’
