મુંબઈ BJPના અધ્યક્ષના આરોપ પછી BMCએ ૩૮૫ કરોડનું ટેન્ડર રદ કર્યું
અમીત સાટમ
મુંબઈની ફુટપાથ પર રેલિંગ લગાવવા માટે ૩૮૫ કરોડ રૂપિયાનું ટેન્ડર જાહેર કર્યાના થોડા કલાકોમાં જ BMCએ એ રદ કરીને પોતાને મોટી શરમજનક સ્થિતિમાં મૂકી દીધું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ અમીત સાટમે કૌભાંડનો આરોપ લગાવ્યો હતો કે મહાનગરપાલિકાએ તાજેતરનાં વર્ષોમાં રેલિંગ સહિત સ્ટ્રીટ-ફર્નિચર પર લગભગ ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેમના એ વલણ પછી BMCએ યુ-ટર્ન લીધો હતો. BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે ‘ટેન્ડર હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે. અમે ટેન્ડરમાં સુધારો કરીને અને એને વધુ સ્પર્ધાત્મક બનાવ્યા પછી એ પ્રક્રિયા ફરી કરવાનું વિચારીએ છીએ. અગાઉ થયેલું સ્ટ્રીટ-ફર્નિચર ચોરાયું નથી અને ફુટપાથ પણ જાળવવામાં આવી છે.’
BMCનું સ્ટ્રીટ-ફર્નિચર લગાવવા માટેનું છેલ્લું ટેન્ડર ૨૦૨૩માં બહાર પાડવામાં આવ્યું હતું. જોકે એ વખતે પણ BJP અને શિવસેના (UBT)ની ફરિયાદ બાદ એ શંકાના ઘેરામાં આવ્યું હતું. BMC સમિતિને જાણવા મળ્યું હતું કે ૧૩ વસ્તુઓમાંથી ૯ વસ્તુની કિંમત વધુ હતી અને એથી એ ટેન્ડરમાં ૫૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો છતાં એવો આરોપ છે કે BMCએ પછીથી લગભગ ૩૦૦ કરોડ રૂપિયાના સ્ટ્રીટ-ફર્નિચરને મંજૂરી આપી હતી. એ પછી BMCના સેન્ટ્રલ પર્ચેઝ ડિપાર્ટમેન્ટ દ્વારા નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને અંધેરી-વેસ્ટના વિધાનસભ્ય અમીત સાટમે ભૂષણ ગગરાણીને પત્ર મોકલ્યા પછી એ રદ કરવામાં આવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે ટેન્ડર તાત્કાલિક રદ કરવામાં આવે અને આવાં કામ પર જાહેર નાણાંનો બગાડ કરવાને બદલે વધુ ફાયદાકારક પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.
