Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૭ ઑગસ્ટ સુધી ચાલી શકે એટલું પાણી છે મુંબઈ પાસે

૧૭ ઑગસ્ટ સુધી ચાલી શકે એટલું પાણી છે મુંબઈ પાસે

Published : 19 June, 2026 07:30 AM | Modified : 19 June, 2026 08:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદ લંબાતો જ જઈ રહ્યો છે ત્યારે BMCનાં કમિશનર અશ્વિની ભિડેની હૈયાધારણ: રાજ્ય સરકારે મંજૂર કરેલા રિઝર્વ ક્વોટાને લીધે હજી બે મહિના ખેંચી શકાય એવી સ્થિતિ

BMC કમિશનર અશ્વિની ભિડે

BMC કમિશનર અશ્વિની ભિડે


વરસાદ લંબાવાને કારણે BMCએ પાણીપુરવઠા પર નવાં નિયંત્રણો લાગુ કર્યાં છે ત્યારે BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ લોકોની મૂંઝવણ દૂર થાય એવી સ્પષ્ટતા કરી છે કે રાજ્ય સરકારે મંજૂર કરેલા રિઝર્વ ક્વોટાને કારણે શહેરમાં ૧૭ ઑગસ્ટ સુધી પાણી ચાલે એટલું પાણી ઉપલબ્ધ છે.

BMCનાં કમિશનરે કહ્યું હતું કે ‘BMCનો પાણીપુરવઠો ૭ જળાશયો પર આધારિત છે. જ્યારે જળાશયો ૧૦૦ ટકા ક્ષમતા સુધી પહોંચે છે ત્યારે પણ વસ્તી અને વધતી માગને કારણે પુરવઠો પૂરતો નથી હોતો. દર વર્ષે ચોમાસા પહેલાં અમે રાજ્ય સરકાર પાસેથી રિઝર્વ ક્વોટાનું પાણી મેળવીએ છીએ. આ વર્ષે એલ નીન્યોની આગાહી અને ચોમાસું મોડું પડવાને કારણે પરિસ્થિતિ ગંભીર છે.’
અશ્વિની ભિડેએ ‘મિડ-ડે’ને આપેલા ઇન્ટરવ્યુમાં પાણીકાપનાં નવાં નિયંત્રણો શા માટે જરૂરી છે તેમ જ પાણીકાપની અસર રિયલ એસ્ટેટ અને એન્ટરટેઇનમેન્ટ જેવાં ક્ષેત્રોને કેટલી થશે અને જો ચોમાસું મુંબઈનાં તળાવોને સંપૂર્ણપણે ભરવામાં નિષ્ફળ જાય તો BMC કેવાં પગલાં લેશે એ વિશે વાત કરી હતી. 



પાણીની અછત બાબતે BMC કેટલું સજ્જ છે?
એલ નીન્યો પરિસ્થિતિ અને સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા અંગે રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર BMCએ રાજ્યના સિંચાઈ વિભાગ પાસેથી વધારાના પાણીના સ્ટૉકની માગણી કરી હતી. એ મુજબ અપર વૈતરણામાંથી ૯૦,૦૦૦ મિલ્યન લીટર (ML) અને ભાત્સા ડેમમાંથી ૧,૪૭,૦૦૦ ML રિઝર્વ પાણી મંજૂર કરવામાં આવ્યું છે. BMCએ ૧૫ મેથી ૧૦ ટકા પાણીકાપ લાગુ કર્યો હતો. વર્તમાન સ્ટૉક સ્થિતિના આધારે ૧૭ ઑગસ્ટ સુધી પાણીપુરવઠો ઉપલબ્ધ રહેશે.


શું નવા પ્રતિબંધો રિયલ એસ્ટેટ અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રોને અસર કરશે? આ નિર્ણયને કારણે થનારી નાણાકીય અસરને પહોંચી વળવા BMCની શું તૈયારી છે?

રિયલ એસ્ટેટ ક્ષેત્ર BMCના પાણીપુરવઠા પર વધુ નિર્ભર નથી, એથી બાંધકામ પ્રવૃત્તિ પર અસર પ્રમાણમાં ઓછી રહેવાની અપેક્ષા છે.
એન્ટરટેઇનમેન્ટ સેક્ટર માટે BMC મુખ્યત્વે પીવાનું પાણી પૂરું પાડે છે. મોડા ચોમાસા અને ઓછા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમે એન્ટરટેઇનમેન્ટ સેક્ટર અને કમર્શિયલ યુનિટ્સ માટે પાણીકાપ વધારીને ૨૦ ટકા કર્યો છે. અમને નથી લાગતું કે આ પગલાંને કારણે બન્ને સેક્ટરમાં બહુ ગંભીર અસર થાય.
જો ચોમાસું નબળું રહે અને સીઝનના અંત સુધીમાં તળાવોનું સ્તર ૧૦૦ ટકા સુધી ન પહોંચે તો શું યોજના છે?
જો ચોમાસાના અંત સુધીમાં જળાશયો એની ક્ષમતાના ૧૦૦ ટકા સુધી ન ભરાય તો અમે ઉપલબ્ધ પાણીના સ્ટૉકનું મૂલ્યાંકન કરીશું અને એ મુજબ આગામી ડ્રાય સીઝન માટે વ્યૂહરચના બનાવીશું જેમાં શરૂઆતથી જ પાણીકાપ લાગુ કરવાનો અને આવશ્યક પુરવઠો જાળવવા માટે બિન-પીવાલાયક પાણીના ઉપયોગ જેવા નિયમોનો સમાવેશ થશે.


- ઈશાનપ્રિયા એમએસ

૧.૪૩ લાખ અન્ડર-કન્સ્ટ્રક્શન ઘરોના કામને અસર થશે BMCના પાણીકાપથી

MMRના ૬૯ ટકા નિર્માણાધીન પ્રોજેક્ટ્સની ૨૦૨૬ની ડેડલાઇન લંબાય એવી શક્યતા

BMC દ્વારા શહેરનાં તમામ બાંધકામ-સ્થળો પર પાણીપુરવઠો રોકી દેવાના નિર્ણયથી મુંબઈની રિયલ એસ્ટેટ માર્કેટને આગામી મહિનામાં મોટો ફટકો પડી શકે છે. જાણીતી માર્કેટ રિસર્ચ સંસ્થા ઍનરૉક પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ્સના રિપોર્ટ મુજબ આ નિર્ણયથી ૨૦૨૬માં પૂરાં થનારાં આશરે ૧.૪૩ લાખ ઘરોના નિર્માણની સમયમર્યાદા ખોરવાઈ જશે. આ આંકડો મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં બની રહેલાં કુલ ઘરોના ૬૯ ટકા જેટલો છે. આ કાપની સીધી અસર સાઉથ મુંબઈ, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, અંધેરી, બોરીવલી અને મુલુંડ જેવા વિસ્તારોમાં જોવા મળશે. નૅશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO)-મહારાષ્ટ્રના પ્રમુખ કમલેશ ઠાકુરે જણાવ્યું હતું કે ‘કૉન્ક્રીટિંગ, પ્લાસ્ટરિંગ અને ફિનિશિંગ જેવાં કાર્યો પાણી પર નિર્ભર હોવાથી 
લાંબા ગાળા સુધી પાણી નહીં મળે તો પ્રોજેક્ટખર્ચ વધશે અને કામદારોની ઉત્પાદકતા ઘટશે.’

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK