નવી મુંબઈમાં ગેરકાયદે બાંધકામો હટાવવાના મામલે હાઈ કોર્ટે CIDCOની ઝાટકણી કાઢી
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
સરકારની શહેરી વિકાસ સંસ્થા સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) નવી મુંબઈમાં થયેલાં ગેરકાયદે બાંધકામો રોકવામાં નિષ્ફળ રહેતાં બૉમ્બે હાઈ કોર્ટે એની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ એ. એસ. ગડકરી અને જસ્ટિસ કમાલની ખંડપીઠે CIDCOની ટીકા કરતાં જણાવ્યું હતું કે નવી મુંબઈના પ્લૉટ પર ગેરકાયદે બાંધકામ થાય છે એ રોકવામાં CIDCO નીરસ વલણ દાખવી રહી છે. એના જવાબમાં CIDCOએ કોર્ટમાં કહ્યું હતું કે ગેરકાયદે બાંધકામ સામે કાયદાકીય પગલાં લેવાના મામલે તેમને બોકડવીરા ગામના સરપંચ તરફથી ધમકી આપવામાં આવી છે. આ નિવેદન બાદ કોર્ટે CIDCOને સવાલ કર્યો હતો કે કાયદો સર્વોપરી હોવો જોઈએ કે ગુંડાગીરી?
આ બાબતે હાઈ કોર્ટે ઉમેર્યું હતું કે ‘ગેરકાયદે બાંધકામો હટાવવા જેવાં કામ કરતી વખતે અધિકારીઓને પોલીસ-પ્રોટેક્શન મળતું હોય છે અને ગેરરીતિઓ અટકાવીને કાયદાનું પાલન કરાવવાનું કામ સત્તાધીશોનું છે. અમને સમજાતું નથી કે આપણે કાયદાના આધીન છીએ કે ગુંડાગીરીના? બોકડવીરા ગામના સરપંચ તરફથી ગેરરીતિઓના બચાવમાં CIDCOને અપાતી ધાકધમકીઓ લોકશાહીમાં સ્વીકાર્ય નથી.’
ADVERTISEMENT
૨૦૧૬માં દીપક પાટીલ નામની વ્યક્તિએ અરજદારની ૧૨૩ ચોરસફુટ જગ્યા પર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એને પગલે અદાલતે એક અઠવાડિયામાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો આદેશ CIDCOને આપ્યો હતો તેમ જ આ કાર્ય દરમ્યાન અધિકારીઓને પોલીસ-પ્રોટેક્શન મળે એ માટે નવી મુંબઈના પોલીસ-કમિશનરને નિર્દેશ આપવામાં
આવ્યો છે.

