મુંબઈના યહૂદી સમુદાય માટે ધાર્મિક મહત્વ ધરાવતા અને પુરાતન ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મેગેન ડેવિડ સિનાગોગમાં આડેધડ તોડફોડ ચાલી રહી હતી. મોશે શેકે આ પરિસ્થિતિનો તસવીરી પુરાવો એકઠો કર્યો અને કોમ્યુનિટીમાં તથા સોશ્યલ મીડિયા પર મદદની જુહાર નાખી.
બેફામ થઈ રહેલી તોડફોડની તસવીરો - સૌજન્ય મોશે શેક
તમે કોઈ એક ઘડીએ તમારા ધર્મના સ્થળે, માની લો કે મંદિરમાં જાવ - એવા મંદિરમાં, જ્યાં તમે નાનપણમાં ગયા છો, જ્યાં તમારા પરિવારનાં પ્રસંગો પાર પડ્યા છે અને તમારા સમુદાય માટે તે હંમેશા મહત્વનું રહ્યું છે – અને તમને નજરે ચઢે કે કેટલાક માણસો એ સ્થળને બેફામ રીતે તોડી રહ્યા છે તો તમને કેવો આંચકો લાગે? આવો જ આંચકો લાગ્યો મોશે શૅફને - મુંબઈગરાં અને તેમાંય ખાસ કરીને સ્વાદ રસિયાઓ મોશે શેકના નામથી અજાણ્યા નથી. સેલિબ્રેટેડ શૅફ અને સાંસ્કૃતિક વારસાને જાળવવાને મામલે મોખરે રહેનારા મોશે શેક 18મી મે, રવિવારના રોજ ભાયખલાના નાગપાડામાં આવેલા મેગેન ડેવિડ સિનાગોગ ગયા ત્યારે તેમણે જોયું તે અકલ્પનીય હતું.
View this post on Instagram
ADVERTISEMENT
મુંબઈના યહૂદી સમુદાય માટે ધાર્મિક મહત્વ ધરાવતા અને પુરાતન ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મેગેન ડેવિડ સિનાગોગમાં આડેધડ તોડફોડ ચાલી રહી હતી. મોશે શેકે આ પરિસ્થિતિનો તસવીરી પુરાવો એકઠો કર્યો અને કોમ્યુનિટીમાં તથા સોશ્યલ મીડિયા પર મદદની જુહાર નાખી. એટલું જ નહીં તેમણે બીએમસીને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી, લાગતા-વળગતા અધિકારીઓને આવેદન પહોંચાડ્યું અને આજે 20મી મેએ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં એ સિનાગોગની બહાર બીએમસીની ‘સ્ટોપ વર્ક’ નોટિસ પણ લગાડાઈ ચૂકી છે.
જો કે આ તબક્કે પહોંચ્યા પહેલાં મોશે શેકે જે અનુભવ કર્યો તે તેમને માટે આસાન નહોતો. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “મેં જે જોયું એ હ્રદયદ્વારક હતું. કોઈપણ જુના સ્ટ્રક્ચરમાં તેના સ્તંભ, તેના ઝરુખા બહુ અગત્યના હોય છે પણ અહીં તો અંદરનું દ્રશ્ય સાવ ખેદાન-મેદાન હતું. ચોકીદાર જવાબ આપવા તૈયાર નહોતો કે જે લોકો તોડ-ફોડ કરી રહ્યા હતા તેમણે પણ તેઓ કોના કહ્યે આ તોડફોડ કરી રહ્યા હતા તે અંગે સાવ ચૂપ રહેવાનું જ નક્કી કર્યું. એટલુ જ નહીં પણ મને ખાતરી છે કે જેના ઇશારા પર આ તોડફોડ થઈ રહી હતી એ વ્યક્તિને સાથ આપનારા કેટલાક લોકોએ, ખાસ કરીને એક મહિલાએ મારી સાથે બેહુદગી ભર્યું વર્તન કરવાનો પણ પ્રયાસ કર્યો.”
મોશે શેકએ પોતે બીએમસીમાં જઈને આ તોડફોડ અંગે તપાસ કરી ત્યારે તેમને ત્યાંથી જવાબ મળ્યો કે ભાંગફોડના આવા કોઈ કામની મંજૂરી કોર્પોરેશન તરફથી નથી અપાઈ. એક તબક્કે તેઓ પોતાની સાથે કોર્પોરેશનના એક અધિકારીને પણ લઈ ગયા જે પણ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. કાયદાને નેવે મૂકીને આ કામ થઈ રહ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને લખેલા પત્રમાં યહૂદી સમુદાયના અગ્રણી સભ્ય તરીકે જાણીતા રેસ્ટોરન્ટર મોશે શેકે ગેરકાયદે થતી તોડફોડ ઉપરાંત બાજુમાં જ આવેલી સ્કૂલના મેદાનને લગ્ન પ્રસંગ માટેના પાર્ટી પ્લોટમાં ફેરવી દેવાની ફરિયાદ પણ કરી છે. સિનાગોગના અંદરના હિસ્સામાં કરાયેલી તોડફોડ કોઈપણ અધિકૃત સૂચના વિના થઈ રહી હોવાની ફરિયાદ કરી તેમણે પોતાની સાથે થયેલી શારીરિક હાથા-પાઈ વિશે પણ પત્રમાં વાત કરી છે. સિનાગોગની લેડિઝ ગેલેરી અને સ્તંભો લેબર કોન્ટ્રાક્ટરો તોડી રહ્યા હતા તેમ કહેતા તે ઉમેરે છે કે, “મેં જ્યારે ત્યાં કામદારોને પૂછ્યું ત્યારે તેઓ કંઇપણ જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા. મેં મારા પરિચયમાં જે હેરિટેજ કોન્ઝરવેશનાલિસ્ટ છે તેમની સાથે વાત કરી તો તેમણે પણ સ્પષ્ટ કહ્યું કે આ ઇમારત સંરક્ષણ હેઠળ છે અને કોઈપણ યોગ્ય કાનુની મંજૂરી વિના અહીં તોડફોડ કરવું ગેરકાયદે ગણાય.”
મોશે શેકને સિનાગોગના ટ્રસ્ટી સાથે સંકળાયેલા લોકોએ ધાક-ધમકી જ નહીં પણ ધક્કા મારીને ત્યાંથી તગેડી મુકવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, “હું ત્યાં થઈ રહેલી તોડફોડના વીડિયો અને તસવીરો લઈ રહ્યો હતો તો તેમણે મારો ફોન ખેંચી લઇને સઘળું ડિલીટ કરવાનો પ્રયાસ પણ કર્યો. પરિસ્થિતિ વણસી ત્યારે કમ્પાઉન્ડ પાસે જે પોલીસો હતો તેમણે મને નાગપાડ પોલીસ સ્ટેશન જવા કહ્યું જ્યાં મેં જાણવા જોગ પણ નોંધાવી.”
મોશે શેકનો દાવો છે કે સિનાગોગના ટ્રસ્ટીઓ ચીભડાં ગળનારી વાડની માફક કામ કરે છે અને તેમના મતે નજીકમાં આવેલી બે શાળાઓ માટેના રમતના મેદાનને પાર્ટી પ્લોટમાં – ઇવેન્ટ વેન્યુમાં ફેરવી નાખવામાં પણ આ સિનાગોગના ટ્રસ્ટીઓનો જ હાથ છે. તેઓ એ મેદાનમાં ઇવેન્ટ યોજે છે અને તે પણ સ્થળના ઉપયોગ અંગેના ફેરફારની કોઈપણ મંજૂરી લીધા વિના, જે પણ કાયદાની વિરુદ્ધ છે.
સિનાગોગમાં થતી તોડફોડ અંગે તેમણે સવાલ કર્યો ત્યારે એક તબક્કે તેમને એમ કહીને પણ ટાળવાનો પ્રયાસ કરાયો કે આ તો જીર્ણોદ્ધારના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે જો કે જે હેરિટેજ આર્કિટેક્ટના નામે જીર્ણોધ્ધારની વાત ચલાવાઈ તેણે પોતે મોશે શેક સાથેના ટેક્સ્ટ મેસેજમાં સાફ કહ્યું છે કે જિર્ણોદ્ધારના ફંડ રેઇઝિંગ માટે બે વર્ષ પહેલાં માત્ર પ્રાથમિક સ્તરનો પ્રસ્તાવ બનાવાયો હતો પણ કોઇપણ ભંડોળ ન હોવાથી આગળ કોઈ વાત-ચીત નહોતી થઈ અને પોતે કે તેમની ફર્મ કોઈપણ રીતે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નથી. મોશે શેકનું માનવું છે કે ટ્રસ્ટીઓ જિર્ણોદ્ધારને નામે ભંડોળ એકઠું કરી ભ્રષ્ટાચાર આચરવા માગતા હોય તેવી પણ પુરી શક્યતાઓ છે. તેમનું કહેવું છે કે આ સિનાગોગ કોઈની ખાનગી મિલકત નથી અને તેનો એ રીતે થતો ઉપયોગ કાયદાનો ભંગ તો છે જ પણ ભારતમાં રહેતા યહૂદીઓના સાંસ્કૃતિ વારસાની ઉઘાડી લૂંટ સમાન છે.
BMCના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ઘટના સ્થળે ગયા હતા અને તોડફોડની કામગીરી રોકી દીધી હતી. ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે વાત કરતાં BMCના ઇ-વોર્ડના એક અધિકારીએ—જે ભાયખલા અને મઝગાંવ વિસ્તાર સંભાળે છે —તેમણે આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, “અમે આ મામલે ફરિયાદ મેળવી હતી અને વોર્ડના નિમણૂકપ્રાપ્ત અધિકારીએ સ્થળની મુલાકાત લીધી હતી. હવે એ અધિકારી ઘટનાની સંપૂર્ણ તપાસ કરી એક અહેવાલ રજૂ કરશે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.”
મેગેન ડેવિડ સિનાગોગ ભાયખલામાં આવેલું છે અને તે BMCની હેરિટેજ યાદીમાં નોંધાયેલ ઐતિહાસિક ઈમારત છે.
બગદાદી યહૂદીઓનો વારસો અને મેગેન ડેવિડ સિનાગોગનું ઐતિહાસિક મહત્વ
બગદાદી યહૂદી સમુદાય 19મી સદીમાં ઈરાકથી મુંબઈમાં વસવાટ કરવા આવ્યો હતો અને તેમણે ત્યારે બોમ્બેના વેપાર, શિક્ષણ અને ફિલેન્થ્રોફીમાં અદ્વિતીય યોગદાન આપ્યું. દાયકાઓ પસાર થતા ગયા અને આ સમુદાયના ઘણા સભ્યો વિદેશમાં જઇને વસ્યા પરંતુ તેમના દ્વારા ઉભા કરાયેલા ધર્મસ્થળો આજે પણ મુંબઈના સાંસ્કૃતિક ઐતિહાસિક નકશામાં આગવું મહત્વ ધરાવે છે. યહૂદી સમુદાયના ડેવિડ સસુન જેવા અગ્રણીઓને કારણે મુંબઈને આ સિનાગોગ જેવા અન્ય બીજા સ્થાપત્યોની ભેટ પણ મળી છે. મેગેન ડેવિડ સિનાગોગ, 1864માં ડેવિડ સસૂન દ્વારા ભાયખલામાં બનાવાયું. આ સિનેગોગ અન્ય સિનાગોગથી અલગ પડે છે કારણકે અન્ય સિનાગોગ મધ્ય પૂર્વીય શૈલીમાં બન્યા હતા તો આ સિનાગોગ વિક્ટોરિયન વિક્ટોરિયન ગોથિક રિવાઈવલ શૈલીનું છે. ઊંચી છત, સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝ અને ટીકવૂડનું રાચ-રચીલું ધરાવતું આ ધર્મસ્થળ માત્ર પૂજાનું સ્થળ નહીં પણ યહૂદી ઓળખનું પ્રતીક છે.
ઇઝરાયલી ફિલાન્થ્રોફિસ્ટના ભંડોળને પગલે 2010માં તેનો જિર્ણોધ્ધાર કરાયો હતો. મુંબઈની ગીચતામાં મેગેન ડેવિડ સિનાગોગનો આકાશી ભૂરો રંગે તેની ઓળખ રહ્યો છે. મુબંઈના યહૂદી વારસાનું આ નીલું નજરાણું તેના ક્લૉક ટાવર સ્ટીપલ, ઊંચા સ્તંભો અને તેના રંગને લીધે અનોખું લાગે છે. તેની વિશાળ બમણી ઊંચાઈની સેન્કચ્યુરી, બિમાહ(મંચ), બ્રાસના દીવાઓ સાથેની સજાવટ, વિશેષ વિમન ગેલેરી તેની અન્ય ખાસિયતો છે. 160 વર્ષથી વધુ સમયથી આ સિનાગોગ સમુદાય માટે શ્રદ્ધાનો કેન્દ્ર રહ્યું છે. મુંબઈ શહેર વિકાસ અને વારસાની વચ્ચે તાણ અનુભવે છે ત્યારે મેગેન ડેવિડ સિનાગોગનું પર તોળાતું જોખમ માત્ર કાનૂની મુદ્દો નથી રહેતો – તે આજના શહેરની ભૂતકાળ પ્રત્યેની જવાબદારી અને ભવિષ્યની ઓળખ અંગેનું પ્રતિબિંબ બની ગયું છે. મોશે શેકે પોતાના પત્રમાં લખ્યું છે, "આ જ મારાં મૂળ છે, આ સિનાગોગ મારો અને મારા સમુદાયનો ઈતિહાસ છે – તેને બચાવવું જ જોઈએ."

