ગુજરાતી મિડ-ડેએ બાળકના માતા-પિતા ચેતન અને આશા શિંગડીયા સાથે વાત કરી હતી. તેમણે માહિતી આપી કે તેમનો 5 વર્ષનો દીકરો 5 જુલાઈના રોજ બપોરે જમ્યા પછી પાડોશમાં રહેતા મિત્ર સાથે રમવા ગયો હતો. તે તેના મિત્રના ઘરની બહાર દરવાજા પર ઊભો હતો.
બાળકને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી
મુંબઈ સહિત તેના આસપાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને લીધે જનજીવન ખોરવાયું છે. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ રખડી પડ્યો છે. આ પરિસ્થિતિમાં એક ગંભીર કિસ્સો જાણવા મળ્યો છે. રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાને લીધે એક પાંચ વર્ષના બાળકને કચરાના ડમ્પર અને સફાઈ કર્મચારીઓની મદદથી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ બાળકને સારવાર મળી ગઈ છે અને તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. વિરારમાં સતત ભારે વરસાદ અને પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વચ્ચે, વિરાર વેસ્ટની સુમિત ગ્રીનડેલ સોસાયટીમાં રહેતા 5 વર્ષના માહિરને કચરાના ટ્રકનો ઉપયોગ કરીને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. આ ઘટનાએ ફરી એકવાર વરસાદ દરમિયાન પાણી ભરાવા અને કટોકટીની સ્થિતિમાં મુસાફરી દરમિયાન આવતી મુશ્કેલીઓને સામે લાવી છે, સાથે વસઈ વિરાર મહાનગર પાલિકાના નાલા સફાઈના કામ પર પ્રશ્નો ઊભા કર્યા છે.
રમતી વખતે બની ઘટના
ADVERTISEMENT
ગુજરાતી મિડ-ડેએ બાળકના માતા-પિતા ચેતન અને આશા શિંગડીયા સાથે વાત કરી હતી. તેમણે માહિતી આપી કે તેમનો 5 વર્ષનો દીકરો 5 જુલાઈના રોજ બપોરે જમ્યા પછી પાડોશમાં રહેતા મિત્ર સાથે રમવા ગયો હતો. તે તેના મિત્રના ઘરની બહાર દરવાજા પર ઊભો હતો. અચાનક, પવનને લીધે દરવાજો જોરથી બંધ થઈ ગયો, તેની વચલી આંગળી દરવાજામાં ફસાઈ ગઈ અને બાળકને ગંભીર ઈજાઓ થઈ. આ અકસ્માતમાં તેની વચલી આંગળી અને નખનો ભાગ તૂટીને લટકી પડ્યો હતો. ઘટના પછી, બાળકના ગભરાયેલા માતાપિતા તેને તરત જ ભારે વરસાદ વચ્ચે તેમની બાઇક પર નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા. જોકે, સર્જન ઉપલબ્ધ ન હોવાથી સર્જરી થઈ નહીં. પરિણામે, પરિવારે બાળકને બીજી હૉસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું.
પાણી ભરાઈ જતાં સફાઈ કર્મચારીઓએ કરી મદદ
ચેતનભાઈએ જણાવ્યું કે “સતત વરસાદ અને જલમગ્ન રસ્તાઓને લીધે મોટરસાયકલ દ્વારા બીજી હૉસ્પિટલ સુધી પહોંચવું અશક્ય હતું. મેં નજીકમાં એક કચરાના ટ્રકને જોયો, ત્યારબાદ મેં સફાઈ કર્મચારીઓને પરિસ્થિતિ સમજાવી અને મારા દીકરાને હૉસ્પિટલ પહોંચાડવા માટે વિનંતી કરી.’ ત્યારબાદ બાળકને તે ટ્રકમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને જરૂરી સારવાર આપવામાં આવી અને એક નાનું ઑપરેશન પણ થયું. તેમણે આગળ કહ્યું કે “માહિરને આંગળી પર 10 જેટલા ટાંકા આવ્યા છે અને તેની હાલત સ્થિત છે, પણ તેને દરરોજ ડ્રેસિંગ અને તપાસ માટે હૉસ્પિટલ પાણી ભરાયેલા રસ્તા પરથી લઈ જવું પડે છે, તેમાં સતત પડી રહેલા વરસાદે મુશ્કેલી વધારી છે.” કટોકટીની સ્થિતિમાં મદદ કરનારા સફાઈ કર્મચારીઓનો તેમણે આભાર માન્યો છે.
પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત
બાળકની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે અને તે સુરક્ષિત છે. જોકે, ચાલુ વરસાદને કારણે વિરારના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે. પરિવારને વધુ સારવાર માટે ફરીથી હૉસ્પિટલની મુલાકાત લેવાની જરૂર પડશે, અને વર્તમાન પરિસ્થિતિઓમાં મુસાફરી કરવી એક પડકાર બની રહે છે. આ ઘટના ભારે વરસાદ દરમિયાન વિરારમાં પાણી ભરાઈ જવાની ગંભીરતા દર્શાવે છે. વધુમાં, સ્થાનિક લોકો જણાવે છે કે પરિસ્થિતિએ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ગટર સફાઈ કામગીરી અંગે કરવામાં આવેલા દાવાઓ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
