કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપક દીપકેએ રાજકારણમાં જવાની અટકળો ફગાવીને કહ્યું કે અમારું સંગઠન પ્રેશર-ગ્રુપ તરીકે કામ કરશે; હવે E20 પેટ્રોલ, બેરોજગારી અને ઝારખંડના વિદ્યાર્થી-આંદોલન મુદ્દા હાથમાં લેશે
ગઈ કાલે છત્રપતિ સંભાજીનગરમાં અભિજિત દીપકેના ઘરે યોજાયેલી કોક્રૉચ જનતા પાર્ટીની મીટિંગ.
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ એના ભવિષ્ય વિશેની બધી અટકળોનો અંત લાવી દીધો છે. પાર્ટીએ સંપૂર્ણ રાજકીય પક્ષમાં રૂપાંતરિત થવાની શક્યતાને નકારી કાઢી છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવતાં CJPના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું હતું કે હાલ માટે CJP એક પ્રેશર-ગ્રુપ રહેશે, કારણ કે ભારતને એની જરૂર છે.
CJPના સ્થાપક અભિજિત દીપકેના નિવેદનથી યુવાનોની આગેવાની હેઠળનું આંદોલન ઔપચારિક રીતે રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં અે વિશે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.
અભિજિત દીપકેની કમેન્ટ છત્રપતિ સંભાજીનગરમાં CJPના મુખ્ય નેતૃત્વની એક મહત્ત્વપૂર્ણ બેઠક બાદ આવી હતી જ્યાં સભ્યો સંગઠનના ભાવિ રોડમૅપની ચર્ચા કરવા માટે તેઓ એકઠા થયા હતા. પ્રેશર-ગ્રુપ એક એવું હિત જૂથ છે જે રાજકીય પદ માટે ચૂંટણી લડ્યા વિના જાહેર અને સરકારી નીતિઓને પ્રભાવિત કરવા માટે તૈયાર થાય છે.
જોકે અભિજિત દીપકેએ જણાવ્યું હતું કે ‘અમારું તાત્કાલિક ધ્યાન યુવાનોને અસર કરતા મુદ્દાઓ પર તેમની સાથે જોડાવા પર રહેશે. CJP નેતૃત્વ એની લાંબા ગાળાની દિશા નક્કી કરતાં પહેલાં દેશભરના જેન-ઝી સમર્થકો સાથે સલાહ લેવાની યોજના ધરાવે છે. જો અમે રાજકીય પક્ષ બનાવ્યો હોત તો અમારું આંદોલન સફળ ન થાત. ચળવળ સફળ રહી, કારણ કે વિવિધ વિચારધારાઓ અને રાજકીય પક્ષોના લોકો લોકશાહીને નબળી પાડતી બાબતો સામે એકઠા થયા હતા. આજે ભારતને નવા રાજકીય પક્ષની જરૂર નથી, પરંતુ એક મજબૂત જનઆંદોલનની જરૂર છે.’
અભિજિત દીપકેએ ગઈ કાલે સંગઠનની ભાવિ યોજનાઓ શૅર કરતાં સરકારની એથનૉલ-મિશ્રિત બળતણ નીતિ, વધતી જતી બેરોજગારી અને પરીક્ષા અનિયમિતતાઓને લઈને ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી.
ADVERTISEMENT
CJP ઝારખંડ જશે
ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનના મુદ્દે બોલતાં અભિજિત દીપકેએ કહ્યું હતું કે ‘આ આંદોલનમાં ભાગ લેવા માટે CJPના કાર્યકરો રાંચી જશે અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેશે. અમે ઝારખંડના વિદ્યાર્થીઓની દરેક માગણીને સમર્થન આપીએ છીએ.’
