દાદરના રિયલ એસ્ટેટ બ્રોકરને ત્યાં ધરમ કરતાં ધાડ પડી- માથે ભભૂતી ચોપડી હિપ્નોટાઇઝ કરીને સોનાની વીંટી-ચેઇન કઢાવી લીધી હોવાનો બ્રોકરનો આરોપ
રિયલ એસ્ટેટ બ્રોકરના દાગીના તફડાવી જનાર બાબા CCTV કૅમેરાનાં ફુટેજમાં કેદ થયો છે.
દાદરના પ્રભાદેવીમાં દાદાભાઉ દેસાઈ માર્ગ પર ઑફિસ ધરાવતા ૩૭ વર્ષના રિયલ એસ્ટેટ બ્રોકર પાસેથી એક બાબા ત્રણ લાખ રૂપિયાના સોનાના દાગીના તફડાવી ગયો હતો. આ મામલે દાદર પોલીસે તપાસ હાથ ધરી છે.
ભિક્ષા માગવા આવેલો બાબા મને હિપ્નોટાઇઝ કરીને દાગીના પડાવી ગયો હતો એમ જણાવતાં નામ ન આપવાની શરતે રિયલ એસ્ટેટ બ્રોકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે ૧૧ વાગ્યે હું મારી ઑફિસમાં બેઠો હતો. એ વખતે બહારથી હર હર મહાદેવ કહીને બાબાએ મને અવાજ આપ્યો હતો એટલે મેં તેને ૨૦૦ રૂપિયાની નોટ આપી હતી. એ લેવા માટે તે ઑફિસની અંદર આવીને પૈસા લીધા બાદ મારા માથા પર હાથ રાખીને મંત્ર બોલ્યો હતો. એટલું જ નહીં, ભભૂતી મારા માથા પર લગાડી હતી. એ દરમ્યાન મને તેણે વીંટી અને ચેઇન કાઢીને તેના કમંડળમાં નાખવાનું કહ્યું. એ વખતે મને કાંઈ ન સૂઝતાં બન્ને વસ્તુઓ કાઢીને મેં બાબાના કમંડળમાં નાખી દીધી હતી. થોડી વાર સુધી શું થઈ રહ્યું છે એની મને કોઈ જાણ ન રહી. થોડી વાર પછી મારા ધ્યાનમાં આવ્યું કે મારી સોનાની વીંટી અને ચેઇન લઈને બાબા ત્યાંથી ભાગી ગયો છે. એ પછી મારી સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં મેં પોલીસ-ફરિયાદ નોંધાવી છે.’
ADVERTISEMENT
દાદર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિયલ એસ્ટેટ બ્રોકરની ઑફિસની નજીક એક દુકાનમાં લાગેલા ‘CCTV’ કૅમેરાના ફુટેજમાં ભગવાં કપડાંમાં ભિક્ષા માગવા આવેલા બાબાની ઓળખ કરવામાં આવી છે. તેની વધુ શોધખોળ કરવામાં આવી રહી છે તેમ જ આ બાબા વિશેની માહિતી બીજાં પોલીસ-સ્ટેશનોને પણ મોકલી આપી છે.’


