આવતા ૧૫ દિવસમાં એ થઈ જશે એટલે અમે ૧૫ સપ્ટેમ્બરથી અથવા પહેલી ઑક્ટોબરથી કૉલેજો શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંતે કહ્યું છે કે હવે કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે ત્યારે અમે ૧૫ સપ્ટેમ્બર અથવા પહેલી ઑક્ટોબરથી ડીગ્રી કૉલેજો શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.
ઉદય સામંતે કહ્યું હતું કે ‘રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરની એક બેઠકનું મંગળવારે આયોજન કરાયું હતું. નવું ઍકૅડૅમિક યર શરૂ થયું છે ત્યારે પ્રત્યક્ષ કૉલેજો શરૂ કરવાનો વિચાર છે. દરેક વાઇસ ચાન્સેલરને તેમના જિલ્લા અધિકારી સાથે મીટિંગ કરીને પરિસ્થિતિનો અંદાજ લેવા કહેવાયું છે. આવતા ૧૫ દિવસમાં એ થઈ જશે એટલે અમે ૧૫ સપ્ટેમ્બરથી અથવા પહેલી ઑક્ટોબરથી કૉલેજો શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘ઍકૅડૅમિક યર ક્યારથી કાઉન્ટ થશે અને કૉલેજો ક્યારથી ઓપન થશે એ બાબતની જાહેરાત ૮ દિવસમાં કરીશું. વળી દરેક જિલ્લામાં અલગ-અલગ પરિસ્થિતિ છે એથી ઍક્ચ્યુઅલ કૉલેજો ચાલુ કરતી વખતે એના માટેની મંજૂરી પણ અલગ-અલગ અપાશે.’

