Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હું કોઈ શિવસૈનિકથી બીતો નથી, હું પણ દાદરના નાયગાવનો છું. વધારેમાં વધારે શું કરશે? મારી નાખશે?

હું કોઈ શિવસૈનિકથી બીતો નથી, હું પણ દાદરના નાયગાવનો છું. વધારેમાં વધારે શું કરશે? મારી નાખશે?

Published : 20 September, 2026 09:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સતીશ સાલિયનને સિક્યૉરિટી ગાર્ડ્‌સે અને પોલીસે માતોશ્રીમાં પ્રવેશતા અટકાવ્યા અને આદિત્ય ઠાકરેના વકીલે બહાર આવીને નોટિસ સ્વીકારી, બહાર શિવસૈનિકોનો મેળાવડો જામ્યો, સૂત્રોચ્ચાર થયા, પોલીસનો પણ ભારે બંદોબસ્ત

સતીશ સાલિયન

સતીશ સાલિયન


બહુચર્ચિત દિશા સાલિયન કેસમાં CBI દ્વારા નવેસરથી FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી ત્યાર બાદ દિશાના પિતા સતીશ સાલિયન આક્રમક મૂડમાં છે અને તેઓ ગઈ કાલે ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ હાથોહાથ આદિત્ય ઠાકરેને આપવા માતોશ્રી પહોંચ્યા ત્યારે મોટી ધમાચકડી સર્જાઈ

પોતાની દીકરી દિશા સાલિયનને ન્યાય અપાવવા માટે લડત ચલાવી રહેલા દિશાના પિતા સતીશ સાલિયન શનિવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ આ કેસમાં ખોટાં અને ભરમાવતાં તથા બદનામી કરતાં નિવેદનો આપવા બદલ શિવસેના (UBT)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે તથા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને ૫૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ ફટકારવા પોતાની વકીલોની ટીમ સાથે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી પહોંચ્યા હતા. જોકે ત્યાં ભારે પોલીસ-બંદોબસ્ત ઉપરાંત મોટી સંખ્યામાં શિવસૈનિકો હાજર હતા અને એને કારણે તેમને માતોશ્રીમાં જવા દેવામાં આવ્યા નહોતા. માતોશ્રી રવાના થતાં પહેલાં સતીશ સાલિયને તેમને તથા તેમના વકીલોને ધમકી આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો તથા પોતે કોઈ શિવસૈનિકોથી ડરતા ન હોવાનું પણ કહ્યું હતું. 
સતીશ સાલિયન તેમના વકીલ નીલેશ ઓઝા તથા અન્ય વકીલોની ટીમ સાથે બાંદરા-ઈસ્ટમાં આવેલા કલાનગરમાં માતોશ્રી પરિસરમાં પ્રવેશ્યા ત્યારે જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. પોલીસ તથા શિવસૈનિકો દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા. શિવસૈનિકોએ આ દરમ્યાન તેમની વિરુદ્ધ અને આદિત્ય ઠાકરેના પક્ષમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જોકે પોતે કોઈની બીક ન રાખતા હોવાનું સતીશ સાલિયને સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘હું કોઈ પણ શિવસૈનિકથી બીતો નથી. જેમ હું માણસ છું એમ તેઓ પણ માણસ જ છે; વધુમાં વધુ શું કરશે, મને મારી નાખશે? તે અમારા વકીલોને પ્રૅક્ટિસ નહીં કરવા દે એવી ધમકી આપે છે તો અમે પણ કૉમન મૅનની તાકાત દેખાડી દઈશું. હું પણ મુંબઈકર છું. દાદર-ઈસ્ટના નાયગાવનો છું.’ 
શિવસેના (UBT)ના સિનિયર નેતા અનિલ દેસાઈ માતોશ્રી પહોંચી ગયા હતા, જ્યારે અનિલ પરબ પણ માતોશ્રી પર હાજર હતા. વ્યવસાયે ઍડ્વોકેટ અનિલ પરબે આદિત્ય ઠાકરે તરફથી બાજુ માંડવા ઍડ્વોકેટ રાહુલ દિવટે અને ઍડ્વોકેટ અનિલ જાધવને માતોશ્રીના ગેટ પર જ હાજર રાખ્યા હતા. તેમણે સતીશ સાલિયને આપેલી નોટિસ સ્વીકારી હતી અને એની એક્નોલેજમેન્ટ સતીશ સાલિયનના વકીલને આપવામાં આવ્યું હતું.sh



બંધારણ સામે સૌ સમાન છે : સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝા
સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ નોટિસ સર્વ કરાયા બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘બંધારણમાં બધા જ એકસમાન છે. તેમણે અમને ધમકી આપી હતી. અમે તેમને બતાવ્યું કે તમારા ઘરે આવીને તમને નોટિસ આપી શકીએ, જેટલા ગુંડા બોલાવવા છે બોલાવો. તેઓ અમારા પર આરોપ કરી રહ્યા હતા કે રાજકીય હેતુ માટે અમે આ કરી રહ્યા છીએ. જોકે કોર્ટે તેમની આ રજૂઆત ફગાવી દીધી છે. આ દેશમાં બંધારણનું રાજ ચાલે છે, કાયદાનું રાજ ચાલે છે. બાબાસાહેબ આંબેડકરે આર્ટિકલ ૧૪માં કહ્યું છે કે કાયદા સામે બધા જ એકસમાન છે. કોઈ કોઈને ધમકાવી ન શકે. અમે માતોશ્રી પર આવીને નોટિસ આપી. કોઈ અમારું કશું બગાડી ન શક્યું.’


૧૦૦ ટકા મર્ડર જ છે, ન્યાય તો મળશે; બસ ૧૦ દિવસની વાત : સતીશ સાલિયન
ન્યાય મળશે કે નહીં એ વિશે પૂછવામાં આવતાં સતીશ સાલિયને કહ્યું હતું કે ‘અમને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે અને એ અમને ન્યાય અપાવીને જ રહેશે. તેમણે અમને કહ્યું છે કે ફક્ત ૧૦ દિવસ તમે રાહ જુઓ, બધાં જ સત્ય સામે આવી જશે. શિવસૈનિકોથી ડરવાની શું જરૂર છે, તેઓ શું કરી શકે છે? તેઓ પણ માણસ જ છે. તેમને પણ ખબર છે કે હું કેવો માણસ છું. CBIના પ્રવક્તાએ તો નહીં પણ બીજા એક જણે મને કહ્યું કે આ ૧૦૦ ટકા મર્ડર છે. દોષીઓને સજા મળશે જ. કામ જ એવું કર્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK