Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કર્યું સૅન્ડલ અને યુનિફૉર્મનું વિતરણ

જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કર્યું સૅન્ડલ અને યુનિફૉર્મનું વિતરણ

Published : 13 August, 2026 07:17 AM | IST | Mumbai
Lalit Gala

ઘણા વિદ્યાર્થીઓ એવા હતા જેમને યુનિફૉર્મની સખત જરૂર હતી. અમે એમના માટે પણ માપ લઈને સ્કૂલ-યુનિફૉર્મની વ્યવસ્થા કરી હતી. આ સાથે સ્કૂલને પ્રૅક્ટિસ બોર્ડનું પણ વિતરણ કર્યું હતું

શ્રી કે.બી. વીરા હાઈ સ્કૂલના ૨૦૦૦-’૦૧ના બૅચના વિદ્યાર્થીઓ. સૅન્ડલ, બુક્સ, યુનિફૉર્મનું વિતરણ સ્કૂલના વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું હતું. 

શ્રી કે.બી. વીરા હાઈ સ્કૂલના ૨૦૦૦-’૦૧ના બૅચના વિદ્યાર્થીઓ. સૅન્ડલ, બુક્સ, યુનિફૉર્મનું વિતરણ સ્કૂલના વિદ્યાર્થીઓને કરવામાં આવ્યું હતું. 


સ્કૂલ-લાઇફ એટલે જીવનની સૌથી અમૂલ્ય અને સુંદર કહી શકાય એવી યાદોનો ખજાનો. ગમે એટલા મોટા કેમ ન થયા હોઈએ, પણ એ યાદો ભુલાતી નથી અને એ સાથે એ સ્કૂલ માટે પણ કંઈક કરી છૂટવાની ભાવના દરેક વિદ્યાર્થીમાં જોવા મળે છે. ૨૦૦૦-’૦૧માં ડોમ્બિવલી-ઈસ્ટની ગુજરાતી મીડિયમની સ્કૂલ શ્રી કે.બી. વીરા હાઈ સ્કૂલમાંથી ટેન્થ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે શનિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો. પોતે જે સ્કૂલમાં ભણ્યા એ જ સ્કૂલમાં હાલમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે કંઈક કરી શકવાની તેમની ઇચ્છા આ દિવસે પૂર્ણ થઈ હતી.

આ સરાહનીય કાર્ય વિશે માહિતી આપતાં વર્ષ ૨૦૦૦-’૦૧ બૅચના વિદ્યાર્થીઓના મુખ્ય કમિટી મેમ્બર ચિરાગ બ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારા બૅચના વિદ્યાર્થીઓ દ્વારા એક ફન્ડ ઊભું કરવામાં આવ્યું છે જેમાં દર મહિને અમે યથાશક્તિ અમુક રકમ જમા કરાવીએ છીએ. રેગ્યુલર ફન્ડની સાથે-સાથે લોકો કોઈના જન્મદિવસ, અૅનિવર્સરી અથવા ઘરે કોઈ શુભ પ્રસંગે પણ સ્વેચ્છાએ રકમ જમા કરાવે છે. છેલ્લા દોઢ વર્ષથી આ ફન્ડમાં જમા થનારી રકમ અમે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, જરૂરિયાતમંદોને અનાજવિતરણ, મ્યુનિસિપાલિટી સ્કૂલ, આદિવાસી સ્કૂલ જેવા કોઈ ને કોઈ સામાજિક કાર્યમાં વાપરીએ છીએ. અમે વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં કે સ્કૂલમાં બાળકો સાથે આખો દિવસ પસાર કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી અમારી ઇચ્છા હતી કે અમે જે સ્કૂલમાં ભણ્યા ત્યાં એક પ્રોગ્રામ કરીએ. હાલમાં જ અમને ખબર પડી કે સ્કૂલમાં વરસાદના દિવસોમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે સૅન્ડલ નથી અને તેઓ ચંપલ પહેરીને આવે છે જેનાથી તેમનાં કપડાં પર કીચડ ઊડે છે. બસ, આ સાથે જ અમે નક્કી કર્યું કે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને નવાં સૅન્ડલ આપવાં. આ સાથે અમે દરેક વિદ્યાર્થીના પગના માપ લીધા હતા અને એ અનુસાર દરેક માટે સૅન્ડલની વ્યવસ્થા કરી હતી. ઘણા વિદ્યાર્થીઓ એવા હતા જેમને યુનિફૉર્મની સખત જરૂર હતી. અમે એમના માટે પણ માપ લઈને સ્કૂલ-યુનિફૉર્મની વ્યવસ્થા કરી હતી. આ સાથે સ્કૂલને પ્રૅક્ટિસ બોર્ડનું પણ વિતરણ કર્યું હતું.’



આ આયોજન વિશે વધુ માહિતી આપતાં અન્ય કમિટી મેમ્બર જતિન ગાલાએ કહ્યું હતું કે ‘શ્રી કે.બી. વીરા હાઈ સ્કૂલમાં ફિફ્થ ધોરણ બાદના ક્લાસ લેવામાં આવતા હતા. અગાઉના ક્લાસ અમે શ્રીમતી પ્રેમાબેન નાનજી ગાંગજી હરિયા સ્કૂલમાં ભણ્યા હતા. આ બન્ને સ્કૂલ શ્રી ડોમ્બિવલી મિત્ર મંડળ દ્વારા જ ચલાવવામાં આવે છે. બન્ને સ્કૂલમાં મળીને હાલમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અમારું આ આયોજન બન્ને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું. અમારા દર મહિને થનારા આવા પ્રોગ્રામમાં મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા આશરે ૬૦-૭૦ જેટલા બૅચના વિદ્યાર્થીઓની હાજરી હોય છે. એક સારું કાર્ય કર્યાનો સંતોષ અને જૂના મિત્રોને મળવાની ખુશી અમારા ચહેરા પર દર મહિને જોવા મળે છે. અમારા આ કાર્યમાં અમારા બૅચના વિદ્યાર્થીઓ સિવાય પણ ઘણા અન્ય લોકો ફન્ડ અથવા વસ્તુઓનું પણ ડોનેશન આપે છે. ટીપે-ટીપે સરોવર ભરાય એમ જો અન્ય લોકો પણ આ રીતે સમાજસેવાની શરૂઆત કરે તો આપણે સમાજના જરૂરિયાતમંદ વર્ગના ચહેરા પર ચોક્કસથી સ્મિત લાવી શકીએ.’


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 07:17 AM IST | Mumbai | Lalit Gala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK