ગૌરીશંકર ચોક નજીકના વિસ્તારમાં તંગદિલી પ્રસરી ગઈ, પોલીસે ત્રણ જણની ધરપકડ કરી
ઘટના બાદ ભેગા થયેલા નાગરિકો.
કુર્લા-વેસ્ટના ગૌરીશંકર ચોક નજીક નવરાત્રિના મંડપની બહાર ચાલતા જાગરણ દરમ્યાન સોમવારે મોડી રાત્રે ઈંડાં ફેંકવાની અત્યંત ગંભીર ઘટના બની હતી. આ મામલે વિનોબા ભાવે નગર પોલીસે ઈંડાં ફેંકનાર ૩ લોકો સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી છે. ગૌરીશંકર ચોક નજીક હંસ રેસિડન્સી બિલ્ડિંગમાંથી મંડપની દિશામાં ઈંડાં ફેંકીને પવિત્ર તહેવારની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ કૃત્યને કારણે સ્થાનિક રહેવાસીઓ અને મંડળના કાર્યકરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. પરિણામે ધાર્મિક ઉત્સવ દરમ્યાન આ વિસ્તારમાં થોડા સમય માટે અસંતોષ અને તનાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
સ્થાનિકોમાં રોષ
કુર્લામાં ગૌરીશંકર ચોક નજીક રહેતા એક સ્થાનિક નાગરિકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બનતાંની સાથે જ મંડળના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. નવરાત્રિ જેવા પવિત્ર અને ધાર્મિક ઉત્સવ દરમ્યાન થયેલા આ કૃત્યથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હતી. સ્થાનિક લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં અનિચ્છનીય બનાવને પગલે ભય અને નારાજગીનો માહોલ ઊભો થયો હતો. ઈંડાં ફેંકવાની આ ઘટના બાદ સ્થાનિક કાર્યકરો જવાબ માગવા પહોંચ્યા ત્યારે ત્યાં હાજર યુવાનો સાથે તેમની ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. અન્ય બે યુવાનોએ પણ સ્થળ પર પસ્થિતિને વધુ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ-પ્રશાસને તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ સંભાળી હતી. પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ફરિયાદ નોંધીને ઈંડાં ફેંકનારા લોકોની ધરપકડ કરી છે.’
ADVERTISEMENT
સ્થિતિ નિયંત્રણ હેઠળ
વિનોબા ભાવે નગર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર સંતોષ અંબિકેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં ૨૧ વર્ષના ઝૈદ ઇકબાલ મેહતર, ૧૮ વર્ષના અબ્દુલ રહેમાન ફારુખ ગોલંદાજ અને ૧૯ વર્ષના અઝફાક કરીમ ખાનની અમે સોમવારે મોડી રાત્રે ધરપકડ કરી છે. આ યુવાનોએ કયા હેતુથી અને કોના કહેવાથી ધાર્મિક ઉત્સવમાં વિઘ્ન નાખવાનો પ્રયાસ કર્યો હતો એ દિશામાં અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. હાલમાં કુર્લા વિસ્તારમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે વધારાનો પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. ભૂલ-ભૂલમાં ઈંડાં ફેંકાયાં હોવાની માહિતી આરોપીઓએ પૂછપરછમાં આપી છે.’
