તેઓ રંગીન મિજાજની વ્યક્તિ હતા. જીવનની દરેક ક્ષણને તેમણે ઉત્સાહભેર માણી છે. વર્કોહૉલિક પણ ખરા. છેલ્લી ઘડી સુધી સ્પિરિટ જાળવી રાખ્યો હતો
ડૉ. સુધીર શાહના પરિવારજનો.
ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટ ડૉ. સુધીર શાહની યાદમાં શનિવારે નરીમાન પૉઇન્ટ પર આવેલા વાય. બી. ચવાણ સેન્ટરમાં સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થનાસભામાં રંગબેરંગી પરિધાનમાં આવેલા સ્વજનો અને મિત્રોએ સંગીતના માધ્યમથી મૃત્યુ પણ એક મહોત્સવ છે એવો સામાજિક સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં પારિવારિક મિત્રો, સહકર્મીઓ તેમ જ ગુજરાતી ફિલ્મો અને નાટકજગતના કલાકારોએ હાજરી આપી હતી. મૃત્યુને ઉત્સવ તરીકે ઊજવવાનો આઇડિયા ડૉ. સુધીર શાહનાં પત્ની સંગીતા જોશીનો હતો. સંગીતા જોશી ગુજરાતી રંગભૂમિનાં ઍક્ટ્રેસ છે. ૮૫ વર્ષના સુધીરભાઈનું ૧૯ ફેબ્રુઆરીએ ટૂંકી બીમારીને પગલે અવસાન થયું હતું.

ADVERTISEMENT
સ્ટેજ પરથી ગીત-સંગીતની રજૂઆત.
સુધીરભાઈના જીવનને યાદ કરતાં સંગીતા જોશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘તેઓ રંગીન મિજાજની વ્યક્તિ હતા. જીવનની દરેક ક્ષણને તેમણે ઉત્સાહભેર માણી છે. વર્કોહૉલિક પણ ખરા. છેલ્લી ઘડી સુધી સ્પિરિટ જાળવી રાખ્યો હતો. વ્યવસાયે વીઝા-એક્સપર્ટ હતા પણ સાહિત્ય, કવિતાઓ અને જૂનાં ફિલ્મી ગીતોનો જબરો શોખ હતો. તેમણે આત્મકથા પણ લખી છે. તેઓ હંમેશાં કહેતા કે શો મસ્ટ ગો ઑન. તેમની તબિયત નાજુક હતી ત્યારે મને ‘ચલતી કા નામ ગાડી’ નાટકની ઑફર આવી હતી. મારી પાસેથી પ્રૉમિસ લીધું હતું કે તેમને કંઈ થઈ જાય તોય મારે નાટક છોડવાનું નથી. ૧૯ ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું અને મેં શનિવારે રિહર્સલ કર્યાં તથા રવિવારે પહેલો શો કર્યો. સુંદર જીવન જીવ્યા હોય તેમના મૃત્યુનો શોક ન મનાવવાનો હોય. તેમની ઇચ્છા પ્રમાણે ફૂલોની સજાવટ સાથે મૃત્યુની રંગીન ઉજવણી કરી હતી. તેમની લખેલી કવિતા ‘સફર હવે તો કરવી છે સૂર્યની’થી પ્રેરિત ઇવેન્ટનું પ્લાનિંગ વિક્રમ નિઝામાએ કર્યું હતું.’
આ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપતાં સંગીતા જોશીએ જણાવ્યું હતું કે ‘તેમના દિવ્ય આત્માને ખુશી મળે એ બધું જ કર્યું. અમારા બન્નેનું ફેવરિટ ગીત ‘અજીબ દાસ્તાં હૈ યે’ ગાઈને મેં તેમને યાદ કર્યા હતા. હાલમાં તેમનો કારભાર સંભાળી રહેલા ભત્રીજા જશની પત્ની કશિશ જોશી અને ફૅમિલીફ્રેન્ડ પથિક ભટ્ટે પણ ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપી હતી. કે ફૉર કિશોર ફેમ ચેતન રાણા ખાસ બૅન્ગલોરથી આવ્યા હતા. આખો કાર્યક્રમ એ રીતે ઘડી કાઢ્યો હતો કે સુધીરને યાદ કરીને બધા ભાવવિભોર થઈ ગયા હતા. તેમને યાદ કરીને રડ્યા પણ અને કાર્યક્રમ માણીને ખુશ પણ થયા. પ્રોફેશનલ સિંગરોને પહેલેથી દેવ આનંદ, રાજ કપૂર અને દિલીપકુમારનાં ગીતોની યાદી આપી દીધી હતી. બૅકગ્રાઉન્ડમાં પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન સ્લાઇડ દ્વારા સુધીરની લાઇફ-જર્નીને દર્શાવી હતી. કવિતા-પઠનના તેમના રેકૉર્ડેડ ઑડિયો-વિડિયોને ફરીથી માણ્યા. અમે બન્નેએ ‘આભને આલિંગન’ નવલકથા લખી છે. આ કથા પરથી ઍક્ટ અને નૃત્ય રજૂ કર્યું હતું. સુંદર મજાનું જીવન જીવીને દિવ્ય દ્વારે પ્રવેશ કરનાર વ્યક્તિના મૃત્યુની ઉજવણી કરવાથી તેમના આત્માને આનંદ થાય એવો સંદેશ પહોંચાડ્યો હતો. પ્રાર્થનાસભામાં ઉપસ્થિત મહેમાનોએ પણ એની સરાહના કરી હતી.’
ડૉ. સુધીર શાહની પ્રાર્થનાસભામાં મનહર ઉધાસ, હરીશ ભીમાણી, હેમરાજ શાહ, સુભાષ ઠાકર, સનત વ્યાસ, પ્રતાપ સચદેવ, અરવિંદ વેકરિયા, મીનળ પટેલ, તોરલ ત્રિવેદી સહિતની અગ્રણી હસ્તીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે હાઈ ટી પણ રાખવામાં આવી હતી.
