અનેક સમસ્યાઓ વર્ષોથી છે, પણ એનો કોઈ ઉકેલ જ આવતો નથી; આપણે હવે રાજકારણમાં આવવું જ રહ્યું
સ્નેહા વિસરિયા
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીમાં કોલાબાના વૉર્ડ-નંબર ૨૨૫માંથી ઍનિમલ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ સ્નેહા વિસરિયાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. પ્રાણીઓ-પક્ષીઓના વેલ્ફેર માટેના જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર ટ્રસ્ટી સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને પોતાના રાજકારણ-પ્રવેશ વિશે કહ્યું હતું કે ‘નાગરિકોની વર્ષોથી અનેક સમસ્યાઓ છે એનો ઉકેલ આવતો જ નથી. આપણે જૈનો, ગુજરાતીઓ, મારવાડીઓ નોકરી-ધંધા સાથે સંકળાયેલા રહીએ છીએ; પણ જો સમસ્યાનો નિકાલ લાવવો હોય તો હવે આપણે રાજકારણમાં, પાવરમાં આવવું જ પડશે. એથી જ ફૉર્મ ભરવાના છેલ્લા દિવસે મેં બહુ જ વિચાર કરીને BMCની ચૂંટણીમાં ઝુકાવ્યું છે.’
ગયા વર્ષે BMCએ કબૂતરખાનાં બંધ કરાવ્યાં હતાં અને હજી પણ એ બંધ જ છે તેમ જ જૈન મંદિરો પણ તોડાવ્યાં હતાં, એ આસ્થા અને જીવદયાનો પ્રશ્ન હતો એમ જણાવતાં એ મૂવમેન્ટમાં સક્રિય ભાગ લેનારાં સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં ૨૦૧૭માં BMCની ચૂંટણીમાં આ વૉર્ડ SC-ST કૅટેગરીમાં હતો. એ પહેલાંની ચૂંટણીમાં એ અધર બૅકવર્ડ ક્લાસ કૅટેગરીમાં હતો. ૧૪ વર્ષ પછી હવે એ ઓપન કૅટેગરીને ફાળે ગયો છે એટલે મેં ચૂંટણીમાં ઝુકાવવાનો નિર્ણય લીધો. તળ મુંબઈમાં આજે ૪૦-૫૦ વર્ષ પછી પણ જૂનાં મકાનો, ચાલીઓમાં રહેતા સામાન્ય નાગરિકો માટે એક જ કલાક પાણી આવે છે, જ્યારે અહીં જ બનેલા સ્કાયસ્ક્રૅપરમાં રહેતા લોકોને ૨૪ કલાક પાણી મળે છે; આ તે વળી કેવું? વર્ષો સુધી સત્તામાં રહેલા નગરસેવકો કે BMCને એની જાણ નથી? એનો ઉકેલ કેમ લાવવામાં આવતો નથી? હાઉસગલીની સમસ્યા પણ વર્ષોથી એમની એમ જ છે. એ હાઉસગલીમાંથી જ પાણીની પાઇપલાઇન અને સિવરેજ લાઇન પસાર થાય છે. ઘણી વાર એ સિવરેજનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે જેના કારણે લોકો બીમાર પણ પડે છે. વર્ષોથી એનો કોઈ જ ઉકેલ લાવવામાં આવતો નથી. પહેલાં તળ મુંબઈ હરિયાળું હતું, હવે એ કૉન્ક્રીટ-જંગલ બનતું જાય છે. ૫૦-૬૦ માળ કરતાં ઊંચા ટાવર બની રહ્યા છે. એ માટે ૧૦૦ વર્ષ કરતાં પણ જૂના ઝાડ કાપવામાં આવી રહ્યાં છે. ઍર-પૉલ્યુશન પણ પુષ્કળ છે. સદ્નસીબે દરિયો બાજુમાં હોવાથી ઍર-પૉલ્યુશનની અસર એટલી જણાતી નથી, નહીં તો દિલ્હી અને મુંબઈની હાલતમાં ખાસ કોઈ ફરક ન હોત. BMCના A, B, અને C વૉર્ડ તો દરિયો પૂરીને મેળવાયા છે એટલે એના પર સખત દબાણ છે અને આ બધા જ વૉર્ડ હાલ હાઈ રિસ્ક ઝોનમાં છે. આપણે આપણી ભવિષ્યની પેઢીને, કમ્યુનિટીને શું આપી જઈશું એના પર પણ વિચાર કરવા જેવો છે.’
ADVERTISEMENT
વિદેશમાં સરકાર કે પ્રશાસન સમસ્યાઓનો ઉકેલ ટેક્નૉલૉજી વાપરીને લાવે છે. આપણે ત્યાં પણ એ થઈ શકે. હવે એ ચેન્જ લાવવા માટે આપણે આગળ આવવું પડશે, સત્તામાં જોડાવું પડશે. યંગ જનરેશન ઓપન માઇન્ડ સાથે અને પ્રોગ્રેસ માટે વિચારતી થઈ ગઈ છે. એને રાજકારણમાં નહીં પણ વિકાસમાં રસ છે. એથી હવે ચેન્જ લાવવા આપણે પાવરમાં આવવું જ પડશે. - સ્નેહા વિસરિયા


