ઘાટકોપરની ફેમસ પાનની દુકાન જમીનદોસ્ત : દુકાનમાંથી અને બહાર બે કારમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો પકડાયો એટલે પોલીસે અને મહાનગરપાલિકાએ કાર્યવાહી કરીને ડિમોલિશન કર્યું
ઈ-સિગારેટ અને ઇમ્પોર્ટેડ સિગારેટના ધંધામાં સંકળાયેલા ઘાટકોપરના ત્રિવેદી પાનહાઉસના ડિમોલિશનની મહાનગરપાલિકા તરફથી થયેલી કાર્યવાહી.
ઘાટકોપર-ઈસ્ટના તિલક રોડ પર આવેલા પ્રસિદ્ધ ત્રિવેદી પાનહાઉસમાંથી અને બહાર કારમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો મળ્યા પછી પંતનગર પોલીસ અને મુંબઈ મહાનગરપાલિકા ઍક્શનમાં આવી હતી. એણે ત્રિવેદી પાનહાઉસ અને એની જ જગ્યામાં ચાલી રહેલા ઢોસા સેન્ટરને પણ ડિમોલિશ કરી નાખ્યું છે. આ કેસમાં બે જણની ધરપકડ કરવામાં આવી છે. એ બનાવ પછી સ્થાનિક રહેવાસીઓ કહે છે કે ઘાટકોપરમાં અનેક સ્કૂલ-કૉલેજ પાસે પણ ડ્રગ્સ અને માદક પદાર્થોનું વેચાણ ચાલી રહ્યું છે, પોલીસે એના પર પણ કડક કાર્યવાહી કરીને યુવાવર્ગને બચાવવાની જરૂર છે.
છેલ્લાં થોડાં વર્ષોથી યુવાનોમાં ઈ-સિગારેટનું વ્યસન વધ્યું છે. મુંબઈ પોલીસ તરફથી ઈ-સિગારેટ અને એના છૂપી રીતે થતા વેચાણ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં વ્યસની અને વિક્રેતા બન્નેની ધરપકડ કરવામાં આવે છે. ઘાટકોપર પહેલાં મુંબઈના અનેક વિસ્તારોમાંથી પોલીસે ઈ-સિગારેટનો મોટો જથ્થો હસ્તગત કરવામાં સફળતા મેળવી છે. કેન્દ્ર સરકારે ૨૦૧૯થી પ્રોહિબિશન ઑફ ઇલેક્ટ્રૉનિક સિગારેટ્સ ઍક્ટ–૨૦૧૯ હેઠળ ઈ-સિગારેટના ઉત્પાદન અને આયાત-નિર્યાત તેમ જ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે છતાં મુંબઈમાં અનેક સ્થળોએ છૂપી રીતે ઈ-સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે.
ADVERTISEMENT

ઘાટકોપર-ઈસ્ટના તિલક રોડ પર ઈ-સિગારેટનો ધંધો કરનાર આરોપીઓ અને ભેગી થયેલી જનમેદની.
ગઈ કાલે અમને અમારા સોર્સમાંથી ત્રિવેદી પાનહાઉસ પાસે એક નૅનો કાર અને અન્ય કારમાં ઈ-સિગારેટ અને તમાકુજન્ય માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાના સમાચાર મળ્યા હતા એવું જણાવતાં પંતનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુતારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તરત જ ત્યાં પહોંચીને આ કારનું ચેકિંગ કર્યું હતું અને એમાંથી અમને ૯૦ ઈ-સિગારેટ અને ૧૩૫ ઇમ્પોર્ટેડ સિગારેટ મળી હતી. વધુ તપાસ કરતાં આનો ધંધો ત્રિવેદી પાનહાઉસનો માલિક કરી રહ્યો હોવાની માહિતી મળી હતી એથી અમે પાનહાઉસમાં પણ તપાસ શરૂ કરી હતી. ત્યાંથી અમને ૮ ઈ-સિગારેટ અને પાંચ ઇમ્પોર્ટેડ સિગારેટ મળી હતી. ત્યાર પછી અમે તરત જ બન્ને કાર જપ્ત કરી હતી. ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટી (BJP)નાં નગરસેવકો રાખી જાધવ અને ધર્મેશ ગિરિની હાજરીમાં ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા મહાનગરપાલિકાના N વૉર્ડે ત્રિવેદી પાનહાઉસને ડિમોલિશ કરી નાખ્યું હતું.’

જપ્ત થયેલી બે કાર.
યે તો શુરુઆત હૈ એમ જણાવતાં પંતનગરનાં નગરસેવિકા રાખી જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ઘણા સમયથી સ્થાનિક રહેવાસીઓ તરફથી ત્રિવેદી પાનહાઉસમાં ડ્રગ્સનો ધંધો ચાલતો હોવાની ફરિયાદ મળી હતી. જોકે ગઈ કાલે પોલીસે ઈ-સિગારેટ અને ઇમ્પોર્ટેડ સિગારેટનો જથ્થો પકડી પાડતાં અમે તરત જ પોલીસ અને મહાનગરપાલિકાના સહયોગથી ત્રિવેદી પાનહાઉસને તોડી પાડ્યું હતું. આ તો હજી શરૂઆત છે, જો ઘાટકોપરમાં કોઈ પણ જગ્યાએ અમને ડ્રગ્સનો ધંધો ચાલી રહ્યો હોવાની જાણ થશે તો સ્થાનિક રહેવાસીઓ અને યુવાવર્ગની સુરક્ષા માટે જે-તે લોકો પર આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.’
ગઈ કાલની પોલીસ અને મહાનગરપાલિકાની ઍક્શનને વધાવતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા ઘણા સમયથી ઘાટકોપરમાં અનેક વિસ્તારોમાં અને વિશેષ તો સ્કૂલ-કૉલેજની આસપાસ ડ્રગ્સનો ધંધો બેફામ રીતે ચાલી રહ્યો છે. આ બાબતે અનેક વાર ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પોલીસ ગુનેગારોને બદલે નાગરિકોને હેરાન કરતી હોવાથી હવે તેઓ ફરિયાદ કરતાં ગભરાય છે.’
