લોકોને ભાડું કે ફ્લૅટનો કબજો ન આપતા SRA અને MHADAના ડેવલપર્સને હાઈ કોર્ટની ફટકાર
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) અને મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) દ્વારા હાથ ધરવામાં આવેલી રીડેવલપમેન્ટ સ્કીમ્સમાં જે લોકોને તેમના અધિકારના ફ્લૅટ નથી મળ્યા અને ડેવલપર્સ તરફથી ભાડું પણ નથી અપાઈ રહ્યું એવા લોકોના પક્ષમાં હાઈ કોર્ટે મહત્ત્વના નિર્દેશો આપ્યા હતા. બે વર્ષથી વધુ સમયથી ડેવલપર્સ દ્વારા ભાડું ચૂકવવામાં ન આવ્યું હોય એવી અનેક વ્યક્તિઓ દ્વારા ફાઇલ કરવામાં આવેલી લગભગ ૬૭ અરજીઓની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટમાં બુધવારે કરવામાં આવી હતી.
આ સુનાવણીમાં ભાડાની વસૂલાત માટે ડિફૉલ્ટર ડેવલપર્સના ફ્રી-સેલ માટે રહેલા યુનિટ્સમાંથી ૧૦-૨૦ ટકા જેટલા ફ્રીઝ કરી દેવાનો પણ કોર્ટે નિર્દેશ આપ્યો હતો. કોર્ટમાં હાજર રહેલા SRA અને MHADAના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ને હાઈ કોર્ટે ભાડાનું પેમેન્ટ ન કરવાની ફરિયાદોને હૅન્ડલ કરવા માટે એક કરતાં વધુ ઑફિસર નિયુક્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. પાત્ર લોકોના ફ્લૅટ્સમાં ગેરકાયદે કબજો જમાવીને બેસી ગયેલા લોકોને દૂર કરવા માટે કોર્ટે એક સ્પેશ્યલ સેલની રચના કરવાનો પણ આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
હાઈ કોર્ટની બેન્ચે SRA અને MHADAના અધિકારીઓ સામે એ વાતે પણ નારાજગી વ્યક્ત કરી હતી કે ‘આવો દરેક કેસ હાઈ કોર્ટ સુધી આવી રહ્યો છે એ ખોટું છે. તમારા લેવલ પર આવી સમસ્યાઓનું સમાધાન થઈ જવું જોઈએ. રેન્ટ-પેમેન્ટને લગતી ફરિયાદોના નિવારણ માટે અલગથી ઑફિસર્સની નિયુક્તિ કરો.’
SRAના ઍડ્વોકેટે કોર્ટને જણાવ્યું હતું કે ‘SRA દ્વારા છેલ્લાં બે વર્ષમાં ભાડાની બાકી રકમ વસૂલ કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે અને લગભગ ૮૦૦ કરોડ રૂપિયા જેટલું પેન્ડિંગ રેન્ટ વસૂલ કરવામાં આવ્યું છે. ડિફૉલ્ટ થનારા ડેવલપર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.’
કોર્ટે SRAને રેન્ટ પેમેન્ટ બાકી હોય એવા કેસોની યાદી આપવાનો પણ આદેશ આપ્યો હતો. SRAએ કોર્ટ સામે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે અન્ય અરજી દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને ૪ અઠવાડિયાંમાં ઉકેલી દેવામાં આવશે. હવે આ કેસની આગળની સુનાવણી ૨૩ ડિસેમ્બરે યોજાશે.


