સ્વિમિંગનો શોખ હોવાથી છેલ્લાં ૪ વર્ષથી નૅશનલ ગેમ્સમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારા મુલુંડના આ ગુજરાતી ટીનેજરે નાની વયમાં અઢળક સિદ્ધિઓ હાંસલ કરી છે.
જશ રાય
સ્વિમિંગનો શોખ હોવાથી છેલ્લાં ૪ વર્ષથી નૅશનલ ગેમ્સમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારા મુલુંડના આ ગુજરાતી ટીનેજરે નાની વયમાં અઢળક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સ્પોર્ટ્સમાં અને ભણવામાં તો તે સારો છે જ, સ્વભાવે પણ આર્ટિસ્ટ હોવાથી પોતાની કળાને પ્રદર્શિત કરવાનો સમય કાઢી લે છે
સમયસર જમવાનું, સમયસર ઊંઘ અને નિયમિત તાલીમ... આ કોઈ સૈનિકની દિનચર્યા નથી, મુલુંડમાં રહેતા ૧૫ વર્ષના જશ રાયકુંડલિયા નામના સ્વિમરની લાઇફસ્ટાઇલ છે. ૨૦૧૯થી ૨૦૨૫ દરમ્યાન જશે પાણીમાં ડૂબકી મારીને માત્ર ગોતાખોરી જ નથી કરી, દેશભરની અઢળક સ્વિમિંગ ચૅમ્પિયનશિપ્સમાં ભાગ લઈને ૫૧ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૧૮ બ્રૉન્ઝ મેડલ્સ સાથે ૧૦૪ મેડલની સેન્ચુરી ફટકારી છે. લોકલ લેવલથી લઈને નૅશનલ સ્તરે પોતાનું નામ રોશન કરનાર જશની જર્ની રસપ્રદ છે.
ADVERTISEMENT
વૉટર-સ્પોર્ટ્સમાં રસ વધ્યો
જશની જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એની વાત કરતાં તેના પિતા મિતેશ રાયકુંડલિયા કહે છે, ‘જશ પહેલા ધોરણમાં હતો ત્યારે રનિંગ અને લૉન્ગ જમ્પિંગમાં સારું પર્ફોર્મ કરતો હતો, પણ જશની મોટી બહેન અને મારી દીકરી હેઝલને અમે સ્વિમિંગ-ક્લાસમાં ઍડ્્મિશન લેવડાવ્યું ત્યારથી જશનો રસ સ્વિમિંગ તરફ વધવા લાગ્યો. પહેલાં અમે તેને મુલુંડના કાલિદાસ ગ્રાઉન્ડના
સ્વિમિંગ-પૂલમાં પ્રૅક્ટિસ માટે લઈ જતા હતા, પણ જશની સ્કૂલ થાણેમાં હોવાથી અમે થાણેની એક ક્લબમાં તેની મેમ્બરશિપ લઈ લીધી હતી. આજની તારીખમાં પણ તે ટ્રેઇનિંગ માટે ત્યાં જ જાય છે. જશ આઠ-નવ વર્ષનો હશે ત્યારે તેણે પહેલી સ્વિમિંગ કૉમ્પિટિશનમાં ભાગ લીધો હતો. ઇન્ટરસ્કૂલ લેવલ પર યોજાયેલી સ્પર્ધા ભાયખલામાં હતી અને એ વખતે ઉપરાઉપરી થયેલી સ્પર્ધામાં ૪ ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. આ ગોલ્ડ મેડલે તેને આગળ વધવાનું મોટિવેશન આપ્યું અને અહીંથી તેની નૅશનલ્સ સુધી પહોંચવાની જર્ની શરૂ થઈ. સારી વાત એ છે કે ICSE બોર્ડની સ્કૂલો બાળકોને સ્પોર્ટ્સ માટે સારી સ્પેસ આપવાની સાથે સ્પોર્ટ્સમાં પોતાનું પોટેન્શ્યલ દર્શાવવાની તક પણ આપે છે. જશનું શેડ્યુલ એટલું ટાઇટ હોય છે કે ન પૂછો વાત. સવારે સાડાપાંચ વાગ્યે ઊઠીને છ વાગ્યે સ્વિમિંગની ટ્રેઇનિંગ માટે ઘરેથી નીકળી જવું પડે. ટ્રેઇનિંગ પતાવ્યા બાદ ત્યાં જ જમીને સ્કૂલ માટે નીકળવાનું હોય. ૩ વાગ્યે સ્કૂલ પત્યા પછી પણ સ્ટ્રેચિંગ અને ફિઝિયોનાં સેશન્સ હોય. આ રીતે શેડ્યુલ એકદમ પૅક્ડ હોય છે. સ્કૂલ સારી હોવાથી જશને થોડા બેનિફિટ્સ પણ મળે છે. સ્કૂલમાં થોડો મોડો પહોંચે તો ચાલી જાય છે અને ૩ વાગ્યાને બદલે સવાબે વાગ્યા સુધીમાં તેને છૂટો કરી દેવાય છે જેથી થોડો રેસ્ટ લઈ શકે. ચૅમ્પિયન્સ રાતોરાત નથી બની જતા. એના માટે બાળકોની પાછળ માતા-પિતાને પણ ભોગ આપવો પડે છે. જો પેરન્ટ્સ જ શિસ્તમાં નહીં રહે તો બાળકોમાં ધગશ નહીં આવે. હું અને મારી પત્ની પૂનમ દિવસ દરમ્યાન રેસ જ રમીએ. સવારે હું કારથી જશને મૂકવા જાઉં. પછી તૈયાર થઈને કામે ચડી જાઉં. પછી પૂનમનો રોલ શરૂ થાય. તે જશને સ્કૂલમાં મૂકવા અને લેવા જાય. સ્પર્ધાનું આયોજન હોય ત્યાં જશને લઈ જવો પડે, તેનું ધ્યાન રાખવું પડે. ટૂંકમાં, સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ ધરાવતાં બાળકોને આગળ વધવા જેટલી મહેનત કરવી પડે છે એટલી જ મહેનત બાળકોના પેરન્ટ્સની પણ હોય છે.’
જશનો જશ
જશની સિદ્ધિઓ જણાવતાં મિતેશભાઈ કહે છે, ‘જશ છેલ્લાં ૪ વર્ષથી સ્કૂલ દ્વારા આયોજિત થતી નૅશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને આવે છે. તેણે ઑગસ્ટમાં યોજાયેલી અન્ડર-૧૭ કૅટેગરીની નૅશનલ ગેમ્સમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે તે SGFI એટલે કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા યોજાનારી ૬૯મી નૅશનલ સ્કૂલ ગેમ્સમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. આ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે જે સમગ્ર ભારતની સ્કૂલ સ્પોર્ટ્સ કૉમ્પિટિશનનું સંચાલન કરે છે. રાજધાની દિલ્હીમાં આયોજિત થનારી આ ગેમ ૩૦ નવેમ્બરથી પાંચમી ડિસેમ્બર સુધી ચાલશે. છેલ્લાં ૬ વર્ષમાં સતત મહેનત કરીને જશ ૫૧ ગોલ્ડ, ૩૫ સિલ્વર અને ૧૮ બ્રૉન્ઝ મેડલ જીતીને નૅશનલ લેવલનો સ્વિમિંગ ચૅમ્પિયન બન્યો છે. સ્પર્ધા ઉપરાંત તેણે એક-બે કિલોમીટર લાંબું તરવા માટેની ઇવેન્ટ્સમાં પણ ભાગ લીધો છે. મારી દીકરીએ દરિયો સાફ રાખવાની ઝુંબેશ હેઠળ અલીબાગથી મુંબઈ સુધી સ્વિમ કરીને સંદેશ આપ્યો હતો ત્યારે જશ પણ વૉલન્ટિયર તરીકે ત્યાં જ હતો. તે હેઝલ પાસેથી ઘણું શીખે છે અને સાથે તેના કોચ ઉમેશ ઉત્તેકર પણ તેને સારી ટ્રેઇનિંગ આપે છે. કોચ નૅશનલ લેવલના સ્વિમર હોય તો તેના શિષ્યમાં ડિસિપ્લિન આવી જ જાય, ન આવે તો તેઓ લાવી આપે. જોકે જશને સ્વિમિંગ બહુ ગમતું હોવાથી એમાં આગળ વધવા માટે આપમેળે તેની અંદર ધગશ આવી જાય છે. કોઈ પણ પર્સનલ ફૅમિલી-ફંક્શન હોય તો પણ કોચ ટ્રેઇનિંગ માટે સમય કાઢી જ લેશે. સ્વિમિંગ ભલે લાઇફસ્કિલ છે, પણ જો એક દિવસ પણ ટ્રેઇનિંગ ચૂકી જાઓ એટલે સમજી લો તમે ૧૦ દિવસ પાછળ આવી ગયા. એટલે કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ ટ્રેઇનિંગ તો લેવી જ પડે, નહીં તો પ્રૉબ્લેમ થાય.’
કૉમ્પિટિશનમાં દર વખતે જીત શક્ય નથી, ક્યારેક હારનો સામનો પણ કરવો પડે છે અને જશ જ્યારે આ સ્થિતિમાં મુકાય ત્યારે તેને કઈ રીતે સંભાળો છો? આ પ્રશ્નનો જવાબ આપતાં મિતેશભાઈ કહે છે, ‘જશનો નેચર બહુ અડૅપ્ટિવ છે. તે દરેક પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધી જાય છે. જોકે આગળ વધવાની સાથે તે એ પરિસ્થિતિ પાસેથી શીખે પણ છે. આમ તો કોઈ પણ સ્પર્ધક ગેમમાં જીતવાના આશયથી જ રમતો હોય છે, પણ જીત બધાના નસીબમાં નથી હોતી. એવી જ રીતે જ્યારે જશને હારનો સામનો કરવો પડે ત્યારે નિરાશ થવાને બદલે પોતે કરેલી ભૂલોને યાદ કરે, સમજે અને એમાંથી શીખે છે; કોચ સાથે બેસીને ડિસ્કશન કરે છે અને એને સ્વીકારીને આવનારી ગેમ્સમાં આવું ન થાય એનું ધ્યાન રાખે છે.’
આર્ટિસ્ટ અને ઑથર પણ છે
સ્વિમિંગ સિવાય જશના શોખ અને ઍકૅડેમિક્સ વિશે વાત કરતાં મિતેશભાઈ કહે છે, ‘નો ડાઉટ જશનું ફોકસ સ્વિમિંગ છે અને તેને એમાં જ આગળ વધવું છે, પણ એની સાથે ભણતર પણ સારી રીતે મૅનેજ કરી લે છે. આ વખતે ડિસેમ્બરમાં સ્પર્ધા છે અને સાથે તેનું દસમું હોવાથી બોર્ડ-એક્ઝામ પણ છે. જોકે તે બન્ને ચીજોને સારી રીતે મૅનેજ કરી રહ્યો છે. તે મલ્ટિટૅલન્ટેડ છે. તે સ્પોર્ટ્સ ઉપરાંત સ્વભાવે ક્રીએટિવ પણ છે. તેણે સ્કૂલના એક પ્રોજેક્ટ અંતર્ગત ‘ટેસ્ટ ઑધ રેઇનબો’ બનાવ્યો હતો. એમાં તેણે ઘરની સામગ્રી વાપરીને સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન પાઉડર બનાવ્યો હતો. તેનો આઇડિયા બધાને એટલો ગમ્યો હતો કે નૅશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કૉન્ગ્રેસ જેવા રાષ્ટ્રીય સ્તરના સાયન્સ એક્ઝિબિશનમાં તેણે ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે જે રીતે ચાના સૅશે આવે એમ એની ટી ટૅબ્લેટ્સ બનાવી હતી. આ ઉપરાંત એપીજે અબ્દુલ કલામ ઇન્ટરનૅશનલ ડ્રૉઇંગ કૉમ્પિટિશનમાં તેને સિલ્વર મેડલ મળ્યો હતો. જશની સિદ્ધિમાં વધુ એક મોટું પીંછું ઉમેરાયું છે. તેણે સ્કૂલના જ એક પ્રોજેક્ટ માટે ‘જશ - ધ વિક્ટરી ઇન વૉટર’ નામનું પહેલું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં જશે ઍથ્લીટ તરીકેની તેની પ્રેરણાદાયી સફર, ટ્રેઇનિંગ દરમ્યાન આવનારા પડકારો અને જીત સુધી પહોંચવાની જર્ની વિશે લખ્યું છે. તેની બુક સારી હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થઈ હતી અને આજની તારીખમાં પણ આ પુસ્તક ઍમૅઝૉન પર ઉપલબ્ધ છે.’


