છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુસંગ્રહાલયને બહારથી જોઈને તો આપણે સૌ વાહ-વાહ કહીએ જ છીએ. ગેટવે ઑફ ઇન્ડિયાની ડિઝાઇન બનાવનારા જ્યૉર્જ વિટીટે જ્યારે આ ઇમારત કંડારી હોય ત્યારે એની ભવ્યતામાં કોઈ શંકા ન હોય.
બહારથી તો ભવ્ય છે જ, અંદર પણ છુપાયેલો છે અદ્ભુત ખજાનો
છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુસંગ્રહાલયને બહારથી જોઈને તો આપણે સૌ વાહ-વાહ કહીએ જ છીએ. ગેટવે ઑફ ઇન્ડિયાની ડિઝાઇન બનાવનારા જ્યૉર્જ વિટીટે જ્યારે આ ઇમારત કંડારી હોય ત્યારે એની ભવ્યતામાં કોઈ શંકા ન હોય. જોકે આ મ્યુઝિયમની અસલી જાદુઈ દુનિયા તો એની અંદર છુપાયેલી છે. જો તમે અત્યાર સુધી માત્ર બહારથી જ આ ઇમારતનો સેલ્ફી લઈને સંતોષ માન્યો હોય તો તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો...
ઇન્ડિયન સ્કલ્પ્ચર્સ ગૅલરી
આ ગૅલરીમાં રહેલી મૂર્તિઓ અને શિલ્પો મુખ્યત્વે ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈને ઈસવીસન અઢારમી સદી સુધીના સમયગાળાનાં છે. એમાં મૌર્યકાળ, કુષાણકાળ, ગુપ્તકાળ, ચાલુક્ય વંશ, પલ્લવ વંશ અને રાષ્ટ્રકૂટ વંશના સમયની મૂર્તિઓનો સમાવેશ થાય છે. ભારતીય મૂર્તિકળાની વિવિધતાને ધ્યાનમાં રાખીને અહીં ત્રણ મુખ્ય ધર્મોનાં શિલ્પો જોવા મળે છે. એમાં શિવ, વિષ્ણુ, શક્તિ અને ગણેશજીનાં વિવિધ સ્વરૂપો; ભગવાન બુદ્ધના જીવનપ્રસંગો અને બોધિસત્ત્વની મૂર્તિઓ તેમ જ તીર્થંકરો અને જૈન દેવી-દેવતાઓનાં શિલ્પો છે. આ ગૅલરીમાં ભારતના વિવિધ પ્રદેશોમાંથી આવેલાં શિલ્પોનો સમાવેશ છે. એમાં આજના મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કાશ્મીર તેમ જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિસ્તારનાં શિલ્પોનો સમાવેશ છે. અહીં તમે દ્વારપાલ યક્ષની બીજી સદીની બેસાલ્ટની મૂર્તિ, શિવગણની પાંચમી સદીની લાલ રેતાળ પથ્થરની મૂર્તિ, મહિષાસુર મર્દિનીની છઠ્ઠી સદીની બેસાલ્ટની મૂર્તિ જેવી અનેક મૂર્તિઓ જોઈ શકો છો.
છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુસંગ્રહાલય (CSMVS) માત્ર મુંબઈનું જ નહીં, ભારતનું અગ્રણી મ્યુઝિયમ છે. એનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. વીસમી સદીની શરૂઆતમાં મુંબઈના પ્રતિષ્ઠિત નાગરિકોએ નક્કી કર્યું કે પ્રિન્સ ઑફ વેલ્સ (જે પાછળથી કિંગ જ્યૉર્જ પંચમ બન્યા)ના ભારત-આગમનની યાદમાં એક સ્મારક બનાવવું જોઈએ. શરૂઆતમાં એનું નામ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા રાખવામાં આવ્યું હતું. ૧૯૦૫ની ૧૧ નવેમ્બરે પ્રિન્સ ઑફ વેલ્સના હસ્તે જ આ મ્યુઝિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય ઇમારતની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ટ જ્યૉર્જ વિટીટે તૈયાર કરી હતી જેમણે ગેટવે ઑફ ઇન્ડિયાની ડિઝાઇન પણ બનાવી હતી. આ ઇમારત ઇન્ડો-ગોથિક શૈલીમાં બનેલી છે જેમાં હિન્દુ, મુસ્લિમ (મોગલ) અને પશ્ચિમી સ્થાપત્યકળાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. એનો વિશાળ ગુંબજ બીજાપુરના ગોળ ગુંબજ પરથી પ્રેરિત છે. મ્યુઝિયમની અંદર લાકડાનું કોતરણીકામ છે જે નાશિકના એક જૂના વાડા (મરાઠા હવેલી)માંથી લેવામાં આવ્યું છે. ભલે ઇમારત ૧૯૧૪માં તૈયાર થઈ ગઈ હતી, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે એને મ્યુઝિયમ તરીકે ખોલી શકાઈ નહીં. ૧૯૧૪થી ૧૯૨૦ દરમ્યાન આ ઇમારતનો ઉપયોગ મિલિટરી હૉસ્પિટલ અને ચિલ્ડ્રન વેલ્ફેર સેન્ટર તરીકે કરવામાં આવ્યો હતો. ૧૯૨૨ની ૧૦ જાન્યુઆરીએ એ સત્તાવાર રીતે સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યું. ૧૯૯૮માં આ મ્યુઝિયમનું નામ બદલીને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના માનમાં છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુસંગ્રહાલય કરવામાં આવ્યું.
ગૅલરી ઑફ કૃષ્ણ આર્ટ અને ઇન્ડિયન મિનિએચર પેઇન્ટિંગ્સ ગૅલરી
આ બન્ને ગૅલરીઓમાં ભગવાન કૃષ્ણના જીવન, તેમની લીલાઓ અને વિવિધ સ્વરૂપોને દર્શાવતી કલાનો અદ્ભુત સંગ્રહ જોવા મળે છે. અહીંનાં નાજુક અને ઝીણવટભર્યાં લઘુચિત્રો મોગલ, રાજસ્થાની, પહાડી અને દખ્ખણી શૈલીઓની ઝલક આપે છે. રાજસ્થાનના નાથદ્વારાની પ્રખ્યાત પિછવાઈ કલા તેમ જ દક્ષિણ ભારતની તાંજાવર શૈલીનાં સોનાના વરખથી સજ્જ ચિત્રો પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે. આ ગૅલરીઓમાં મુખ્યત્વે મધ્યયુગથી લઈને આધુનિક પૂર્વકાળ (સોળમીથી ઓગણીસમી સદી) દરમ્યાન સર્જાયેલી કૃતિઓનો સમાવેશ થાય છે. ચિત્રો ઉપરાંત કેટલીક સુંદર મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે. આ કળાકૃતિઓ દ્વારા એ સમયની હસ્તપ્રત પરંપરા, કુદરતી રંગો બનાવવાની પદ્ધતિ અને ખિસકોલી તથા ઊંટના વાળથી બનેલા બ્રશનો ઉપયોગ જેવી રસપ્રદ માહિતી મળે છે. મોગલ શૈલીનાં ચિત્રોમાં દરબારી જીવન, શિકારનાં દૃશ્યો, પહેરવેશ અને આભૂષણોની ઝાંખી મળે છે જે એ સમયની સંસ્કૃતિને જીવંત બનાવે છે.
ધ પ્રિન્ટ્સ ઍન્ડ ડ્રૉઇંગ્સ ગૅલરી
આ ગૅલરી બૉમ્બેથી મુંબઈની સફર દર્શાવે છે. અહીં રાખવામાં આવેલાં હાથે દોરેલાં ચિત્રો અને પિક્ચર પોસ્ટકાર્ડ્સ મુંબઈના બદલાતા ચહેરાની કહાની કહે છે. અહીં ૧૮૩૩ના સમયના કોલાબા અને અપોલો બંદરનું એવું દૃશ્ય જોવા મળે છે જ્યારે મુંબઈમાં કૅમેરા પણ નહોતો આવ્યો. પ્રદર્શનમાં રહેલાં વીસમી સદીના પ્રારંભિક ગાળાનાં દુર્લભ પિક્ચર પોસ્ટકાર્ડ્સમાં એ સમયના ધોબી, ફળવિક્રેતાના ફોટો જોઈ શકાય છે જે શ્રમજીવી વર્ગના રોજિંદા કામકાજનો ચિતાર આપે છે. એવી જ રીતે મુંબઈના ગુજરાતી, પારસી, મારવાડી, મુસ્લિમ અને કાઠિયાવાડી પરિવારોના ફોટો આપણને એ સમયના પહેરવેશ અને રહેણીકરણીની યાદ અપાવે છે.
હિમાલયન આર્ટ ગૅલરી
આ ગૅલરીમાં પ્રવેશતાં જ ૬ ફુટ ઊંચી મૈત્રેય બુદ્ધની માટીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે. આ મૂર્તિને એ રીતે ગોઠવવામાં આવી છે કે જાણે તમે ખરેખર કોઈ તિબેટિયન મઠમાં ઊભા હો. તેમની સામે ‘તોરમા’ (લોટ અને માખણમાંથી બનાવેલો ખાસ પ્રસાદ) અને માખણના દીવા જેવી પરંપરાગત વસ્તુઓ રાખવામાં આવી છે. અહીં નેપાલ અને તિબેટ વચ્ચેના સાંસ્કૃતિક આદાનપ્રદાનની ઝલક જોવા મળે છે. તિબેટિયન બૌદ્ધ ધર્મમાં તાંત્રિક વિદ્યાનું ખૂબ મહત્ત્વ છે. આ ગૅલરીમાં માનવીય અસ્થિઓ (હાડકાં)માંથી બનાવેલાં ખાસ વસ્ત્રો અને ટોપી છે જે સાધુઓ વિશિષ્ટ નૃત્ય અને વિધિઓ દરમ્યાન પહેરતાં હતાં. સોળમી સદીના તિબેટિયન રાજા સોંગત્સેન ગામ્પોની સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિ અને ‘થંકા’ (કાપડ પરનાં બારીક ચિત્રો) અહીંની શોભા વધારે છે. એ સિવાય તમે અહીં હિમાયલની પહાડીઓમાં જોવા મળતા પ્રેયર ફ્લૅગ્સ, પ્રેયર વ્હીલ્સ, લાકડામાંથી બનાવેલું મહાભૈરવનું વિશાળ મુખ, ધાર્મિક વિધિમાં વપરાતાં વિશેષ વાદ્યોનો સંગ્રહ અહીં જોઈ શકો છો. આ કલાકૃતિઓ દ્વારા હિમાલયના લોકોના જીવનમાં વણાયેલી ધાર્મિક વિધિઓ અને તેમની આધ્યાત્મિક પરંપરાઓને ખૂબ જ નજીકથી સમજી શકાય છે.
ઇન્ડિયન મેટલ ઍન્ડ ડેકોરેટિવ આર્ટ ગૅલરી
આ ગૅલરીમાં તમને અઢારમી સદીની કાંસાની નટરાજની મૂર્તિ, ઓગણીસમી સદીની લાકડાની અંબાડીવાળા હાથીની ડિઝાઇનવાળી કૅબિનેટ, અઢારમી સદીનું હાથીદાંતનું બનેલું આસન (જે ઊંટ કે હાથી પર સવારી કરતી વખતે બેસવા માટે હોય છે), હાથીદાંતમાંથી બનેલો નક્કાશીકામવાળો જ્વેલરીનો ડબ્બો, સત્તરમી સદીની જેડ (કીમતી પથ્થર)માંથી બનેલી ચમચી, મદિરાનો પ્યાલો, બાઉલ તેમ જ કાચ પર સોનાની સજાવટ કરીને બનાવેલો અઢારમી સદીનો ગોળાકાર હુક્કો, અઢારમી સદીની બિદરીકામ ધરાવતી પાનદાન જેવી અનેક વસ્તુઓ અહીં તમને જોવા મળશે. આ સંગ્રહ ભારતમાં ધાતુ ગાળીને એમાંથી વસ્તુઓ બનાવવાની કળા અને ભારતીય કારીગરોની કુશળતા દર્શાવે છે. 
આર્મ્સ ઍન્ડ આર્મર ગૅલરી
આ ગૅલરીમાં મોગલ અને મરાઠા સમયગાળાનાં એવાં શસ્ત્રો છે જે એ સમયની યુદ્ધનીતિ અને કારીગરીનો પરિચય કરાવે છે. મહારાષ્ટ્રના ગૌરવશાળી ઇતિહાસને જીવંત રાખતાં અહીં શિવકાલીન શસ્ત્રો પ્રદર્શિત છે જેમાં વાઘનખ, બિછવા, કટાર, અંકુશ, ચિલાનમ જેવાં હથિયારોનો સમાવેશ થાય છે. આ સંગ્રહમાં અત્યંત સુંદર રીતે સજાવેલું સ્ટીલનું બખ્તર અને ઢાલ છે જે સમ્રાટ અકબરનું હોવાનું મનાય છે. ૧૪મી સદીની શરૂઆતની ખાંડા તલવાર જે દિલ્હી સલ્તનતના શાસક અલ્લાઉદ્દીન ખિલજીની હતી એ પણ આ સંગ્રહમાં છે. અહીં ખૂબ જ ચોકસાઈથી તૈયાર કરેલી તલવારો, ઢાલ અને ખંજર પ્રદર્શિત છે. અહીંનાં મોટા ભાગનાં શસ્ત્રો પર સોના-ચાંદીની મીનાકારી અને જટિલ કોતરણી કરવામાં આવી છે જે એ સમયના કલાકારોની અદ્ભુત ધાતુકળા અને કૌશલ્ય દર્શાવે છે. ગૅલરીમાં યુરોપિયન શસ્ત્રો અને બખ્તરોના નમૂનાઓ પણ છે.
ચાઇનીઝ ઍન્ડ જૅપનીઝ આર્ટ ગૅલરી
આ ગૅલરીમાં લગભગ ૧૦૦૦ જેટલી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ ભારતનાં એવાં જૂજ મ્યુઝિયમોમાંનું એક છે જ્યાં પૂર્વ એશિયા (ચીન અને જપાન)ની કળાનો આટલો મોટો સંગ્રહ છે. ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં દુનિયાભરમાં ચીની અને જપાની આર્ટ કલેક્ટ કરવાનો એક અલગ જ ક્રેઝ હતો. એ સમયે કોઈ પણ પ્રતિષ્ઠિત મધ્યમ કે ઉચ્ચ વર્ગના પરિવારમાં આવી કળાની હાજરી હોવી એ ગૌરવની વાત ગણાતી. ચીની આર્ટ સેક્શનમાં ખાસ કરીને ચીની માટીનાં નાજુક વાસણો (સિરૅમિક્સ), હાથીદાંત (આઇવરી) અને કીમતી જેડ પથ્થરમાંથી બનાવેલી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર છે. એમાં છીંકણી ભરવા માટેની નાની અને કલાત્મક ‘સ્નફ બૉટલ્સ’ ખરેખર જોવા જેવી છે. જપાનના પ્રખ્યાત ‘ઇમારી’ અને ‘સાત્સુમા’ પ્રકારનાં પોર્સલિનનાં વાસણો, જપાની કલાકારો દ્વારા હાથીદાંત પર કરવામાં આવેલી અત્યંત બારીક કોતરણીવાળી વસ્તુઓ, જપાનના પરંપરાગત ધાતુકામના નમૂનાઓ, જપાનના રેશમી કાપડ પર કરવામાં આવેલું સુંદર ભરતકામ વગેરેનો સમાવેશ છે.
યુરોપિયન પેઇન્ટિંગ્સ ગૅલરી
અહીં આવેલી આ ગૅલરી ભારતમાં યુરોપિયન કળાનો સૌથી મોટો સંગ્રહ ધરાવે છે. આ સંગ્રહાલયમાં સોળમીથી વીસમી સદી સુધીનાં યુરોપિયન ચિત્રોનો સંગ્રહ છે. અહીં તમને રેનેસાં (યુરોપનો એ કાળ જ્યારે કળા અને જ્ઞાનનો નવો ઉદય થયો) અને નીઓક્લાસિકલ (પ્રાચીન ગ્રીક-રોમન શૈલીથી પ્રેરિત સાદગી અને તર્ક પર આધારિત કળા) કાળનાં ઉત્કૃષ્ટ ચિત્રો જોવા મળશે. આ ચિત્રોમાં નિસર્ગચિત્રો, વ્યક્તિચિત્રો અને પૌરાણિક કથાઓ, યુદ્ધ, દૈનિક જીવન અને ગ્રામીણ જીવન જેવા વિવિધ વિષયોનો સમાવેશ છે. એમાં ઇટલી, ફ્લાન્ડર્સ (બેલ્જિયમનો એ પ્રદેશ જે સત્તરમી સદીમાં યુરોપિયન કળાનું કેન્દ્ર હતો અને ઑઇલ પેઇન્ટિંગની ટેક્નિક માટે મશહૂર હતો), નેધરલૅન્ડ્સ અને બ્રિટનની વિવિધ કળાની પરંપરાની ઝલક દેખાય છે. આ ગૅલરી માત્ર ઑઇલ પેઇન્ટિંગ્સ પૂરતી મર્યાદિત નથી. અહીં યુરોપિયન ડેકોરેટિવ આર્ટ ઑબ્જેક્ટ્સ (સુશોભનની વસ્તુઓ) પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે જે એ સમયની યુરોપિયન જીવનશૈલી અને લક્ઝરીનો ખ્યાલ આપે છે.
