Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વધતી જાય છે ગરમાગરમી

વધતી જાય છે ગરમાગરમી

Published : 25 April, 2026 08:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિક્ષા અને ટૅક્સીના ડ્રાઇવરો માટે મરાઠી ફરજિયાત કરવાના મામલે રોજેરોજ નવા કડાકાભડાકા

ગઈ કાલે દહિસરમાં બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવરોને સંબોધી રહેલા એકનાથ શિંદેની શિવસેનાના નેતા સંજય નિરુપમ અને તેમની કાર પર MNSના કાર્યકરોનો હુમલો.

ગઈ કાલે દહિસરમાં બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવરોને સંબોધી રહેલા એકનાથ શિંદેની શિવસેનાના નેતા સંજય નિરુપમ અને તેમની કાર પર MNSના કાર્યકરોનો હુમલો.


દહિસરમાં બિનમરાઠી રિક્ષા-ડ્રાઇવરોને સપોર્ટ કરવા પહોંચેલા શિંદેસેનાના સંજય નિરુપમની કાર પર MNSના કાર્યકરોનો પથ્થરમારો, સંજય નિરુપમે પોતાની જ પાર્ટીના મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને ફેરવિચાર કરવાનું કહ્યુંઃ MNSના થાણે-પાલઘરના પ્રેસિડન્ટે કહ્યું કે બિનમરાઠી રિક્ષા-ટૅક્સીવાળા હડતાળ પાડીને લોકોને બાનમાં લેશે તો અમે પણ રસ્તા પર ઊતરી આવીશું

રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એને કારણે મુંબઈમાં બિનમરાઠી રિક્ષા-ટૅક્સી ડ્રાઇવરો ચિંતામાં છે. ગઈ કાલે શિવસેનાના નેતા સંજય નિરુપમે દહિસર-વેસ્ટના લિન્ક રોડ પર આવેલા ગણપત પાટીલનગરમાં રિક્ષા-ડ્રાઇવરો સાથે મરાઠી ભાષાના કડક અમલ સંદર્ભે વાતચીત કરી હતી. એ સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા નયન કદમ તેમના કાર્યકરો સાથે પહોંચી ગયા હતા. તેમણે જોરદાર નારાબાજી કરી હતી અને કહ્યું હતું કે જો સંજય નિરુપમ મરાઠીનો વિરોધ કરશે તો તેમને પાઠ ભણાવવામાં આવશે. 
સંજય નિરુપમ ગણપત પાટીલનગર આવવાના છે એની જાણ થતાં બોરીવલીના MNSના નેતા નયન કદમ તેમના સમર્થકો અને પાર્ટીના કાર્યકરો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે સંજય નિરુપમની સામે જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને ‘સંજય નિરુપમ પરત જા’ના નારા લગાવ્યા હતા. સંજય નિરુપમ જ્યારે રિક્ષા-ડ્રાઇવરોને સંબોધ્યા બાદ તેમની કારમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર MNSના કાર્યકરોએ પથ્થરમારો કર્યો હતો. તેમની કારનાં ટાયરની હવા પણ કાઢી નાખવામાં આવી હતી. ત્યાર બાદ મામલો બીચકતાં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બાબતે બોરીવલીના MHB પોલીસ-સ્ટેશને  ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે અને MNSના કેટલાક કાર્યકોરોને તાબામાં લઈને તેમની સામે પોલીસે કાર્યવાહી કરી હતી.  



સંજય નિરુપમે દહિસરમાં કહ્યું હતું કે ‘અમારી પાર્ટી અને એકનાથ શિંદેનું શરૂઆતથી જ વલણ રહ્યું છે કે મહારાષ્ટ્રમાં રહેતા લોકોએ મરાઠીમાં બોલવું જોઈએ. એ વિશે કોઈને શંકા નથી. મહારાષ્ટ્રમાં મરાઠીનું સન્માન થવું જોઈએ એ વાત સામે કોઈને કશો વાંધો નથી; પણ મરાઠી ભાષાના નામે કોઈને દબાણ કરવું, ગુંડાગીરી કરવી, માર મારવો, બળજબરી કરવી કે ધમકી આપવી એ ખોટું છે અને અમે એની વિરુદ્ધ છીએ.’


સંજય નિરુપમે તેમની જ પાર્ટીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને પત્ર લખીને જાણ કરી હતી કે ‘મરાઠીનો આગ્રહ રાખવામાં આવે એની ના નથી, પણ જો ડ્રાઇવર મરાઠીની ટેસ્ટમાં ફેલ જશે તો પરમિટ કૅન્સલ થઈ જશે એ કહેવું ખોટું છે એથી આ નિર્ણય પર પુનર્વિચાર થવો જોઈએ.’

આ સંદર્ભનું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) આજનું નહીં પણ ૨૦૧૯ના વર્ષનું છે એમ જણાવતાં સંજય નિરુપમે કહ્યું હતું કે ‘એ સમયે એવું GR રજૂ કરવામાં આવ્યું હતું કે રિક્ષા-ટૅક્સી-ડ્રાઇવરોએ મરાઠીમાં જ બોલવું જોઈએ એવી માગણી કરવી એ ખોટું નથી, પરંતુ એ માટે આપણે રિક્ષા-ટૅક્સી-ડ્રાઇવરોને થોડો સમય આપવો પડશે, તેમને મરાઠી શીખવાની તક આપવી પડશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK