આવો દાવો એક શિષ્ય દ્વારા ગુરુવારે પાલખીયાત્રા દરમ્યાન અને પોલીસ સમક્ષ કરવામાં આવ્યો : ડ્રાઇવર સામે હત્યાનો ગુનો નોંધાયો હોવા છતાં પોલીસે તેને છોડી દીધો
જૈનાચાર્ય પુંડરીક સ્વામી મહારાજસાહેબનો અકસ્માત થયો હતો એ ઘટનાસ્થળ
રાજસ્થાનના પાલી જિલ્લામાં બુધવારે સવારે વિહાર દરમ્યાન જૈનાચાર્ય પુંડરીક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબનો રોડ-અકસ્માત એ કોઈ દુર્ઘટના નથી પણ હત્યા જ છે જેના અમે પ્રત્યક્ષ સાક્ષી છીએ એવો સ્પષ્ટ દાવો ગુરુવારે આચાર્ય મહારાજસાહેબની પાલખીયાત્રા પહેલાં તેમના એક શિષ્ય દ્વારા ત્યાં હાજર રહેલા જૈન સમાજની સમક્ષ કરવામાં આવ્યો હતો. આ પહેલાં આ શિષ્યએ અકસ્માત બાદ કરેલી તેમની પોલીસ-ફરિયાદમાં પણ આવો દાવો કરીને ગુનેગારને આકરામાં આકરી સજા કરવાની માગણી કરી હતી તેમ જ આ ગુનેગાર કોના કહેવાથી જૈન સાધુઓના અકસ્માત કરે છે એની CBI દ્વારા તપાસ કરવાની માગણી પણ તેમણે જનમેદની સમક્ષ કરી હતી.
અમારી નજર સમક્ષ જ કચડી નાખ્યા
ADVERTISEMENT
જૈનાચાર્ય પુંડરીક રત્ન સૂરીશ્વરજી મહારાજસાહેબની પાલખીયાત્રા પહેલાં તેમના ૩૯ વર્ષના શિષ્ય મુનિ મહાવિદેહ મહારાજસાહેબે જૈન સમાજને આ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે આ માહિતી ‘મિડ-ડે’ને આપતાં કહ્યું હતું કે ‘ગુરુ મહારાજ દુર્ઘટનામાં કાળધર્મ નથી પામ્યા, તેમની નિર્મમ હત્યા કરવામાં આવી છે જેના અમે સાક્ષી છીએ. વિહાર દરમ્યાન અમે બધાં જ સાધુ-સાધ્વી કાચા રસ્તા પર ચાલી રહ્યાં હતાં, આચાર્ય મહારાજસાહેબ વ્હીલચૅર પર હતા. અમે અન્ય સાધુઓ તેમનાથી ફક્ત ચાર-પાંચ ડગલાં જ દૂર હતા ત્યારે પાકા રોડ પરથી કાચા રસ્તા પર એક ધસમસતી આવેલી ટ્રકે આચાર્ય મહારાજસાહેબને કચડી નાખ્યા હતા. અમે અન્ય સાધુઓ સહેજ માટે બચી ગયા હતા. ટ્રક-ડ્રાઇવર જૈનાચાર્યને કચડીને પાછો હાઇવેથી પાલી તરફ ભાગી ગયો હતો.’
૧૫ વર્ષ પહેલાં ગુરુનો પણ અકસ્માત
મહાવિદેહ મહારાજસાહેબે વધુમાં કહ્યું હતું કે ‘આજથી ૧૫ વર્ષ પહેલાં અમારા ગુરુ ૮૭ વર્ષના મુનિ જંબુવિજયજી મહારાજસાહેબ અને નમસ્કાર વિજયજી મહારાજસાહેબ રાજસ્થાનના નાકોડા-જૈસલમેર રોડ પર જૈસલમર તરફ ફુટપાથ પર ચાલી રહ્યા હતા ત્યારે એક ફુલ સ્પીડે આવી રહેલી કારે તેમને કચડી નાખ્યા હતા. ત્યાર બાદ ડ્રાઇવરની ધરપકડ થઈ હતી, પણ એક જ મહિનામાં તે જામીન પર છૂટી ગયો હતો. બુધવારના કેસમાં પણ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.’
જૈન સાધુઓની પાછળ કોણ છે?
આ ડ્રાઇવરની કડકમાં કડક પૂછપરછ કરવામાં આવે અને તેણે કોના કહેવાથી આચાર્ય મહારાજસાહેબને કચડી નાખ્યા છે એની પાકી જાણકારી લેવામાં આવે એમ જણાવતાં મહાવિદેહ મહારાજસાહેબે કહ્યું હતું કે ‘અમને ભારતના ન્યાયતંત્ર અને સંવિધાન પર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ અત્યાર સુધી ગુજરાત અને રાજસ્થાનમાં અનેક જૈન સાધુઓને વિહાર દરમ્યાન રોડ પર મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, પણ એમાંથી કોઈને પણ કડક સજા કરવામાં આવી નથી જેને કારણે અમુક જૈન સાધુઓના હિતશત્રુઓ જૈન સાધુની હત્યા કરવામાં સફળ થઈ રહ્યા છે.’
હત્યાના ગુના છતાં ડ્રાઇવર મુક્ત
જૈનાચાર્ય વતી કેસ લડી રહેલા ઍડ્વોકેટ અભિનવ ચાંદલિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈનાચાર્યને ટક્કર મારીને તેમના મૃત્યુ માટે જવાબદાર ટ્રક-ડ્રાઇવર ઉત્તર પ્રદેશના અનિલ જાટ સામે શિવપુર પોલીસ-સ્ટેશને હત્યાનો ગુનો (ભારતીય ન્યાય સંહિતા ૧૦૩/૧) નોંધ્યો હોવા છતાં તેને છોડી દીધો છે. પોલીસ ડ્રાઇવરનો બચાવ કરતાં કહી રહી છે કે આ અકસ્માત તેને ઝોકું આવી જવાથી થયો હતો. અમે ઘટનાસ્થળે જઈને પુરાવા એકઠા કરી રહ્યા છીએ.’
આટલી મોટી સજા?
બે દિવસમાં બે જૈન સાધુઓના રોડ-અકસ્માતના સંદર્ભમાં એક યુવાન જૈન સાધુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અનેક જૈન સાધુ-સાધ્વીની જૈનવિરોધી એક સંગઠન દ્વારા રોડ-અકસ્માત કરીને હત્યા કરવામાં આવી છે. આ સંગઠન ટ્રક અને કાર-ડ્રાઇવરોને લાખો રૂપિયા આપીને તેમની પાસે રોડ-અકસ્માત કરાવે છે. આ ડ્રાઇવરો સામે જૈન સમાજ અને જૈન મહાસંઘો કેસ લડવામાં નબળા ઠરતા હોવાથી ડ્રાઇવરો જામીન પર કે નિર્દોષ છૂટી જાય છે. જૈન સાધુઓ કેસ લડી શકતા નથી અને જૈન સંઘના પદાધિકારીઓ પાસે સમય નથી. એને કારણે વર્ષોથી થઈ રહેલા જૈન સાધુઓના રોડ-અકસ્માતનો અંત આવતો નથી. સાધુઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એમાં શંકા નથી કે ઠેર-ઠેર વિહાર ગ્રુપની રચના કરવામાં આવી છે. આ ગ્રુપના સ્વયંસેવકો સાધુસંતો સાથે વિહારમાં જોડાય છે, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં જૈન સંતોની સાથે આ સ્વયંસેવકો પણ રોડ-અકસ્માતમાં મોતને ભેટ્યા હોય એવાં અનેક ઉદાહરણો છે. શું જૈન સાધુઓને શ્રમણ સંઘની ધર્મધજા લહેરાવવાની, પગે ચાલીને વિહાર કરીને ભગવાન મહાવીર સ્વામીનો સંદેશ ઘર-ઘર ફેલાવવાની, દરેક પ્રાણીમાત્ર પર પ્રેમભાવ રાખવાની આટલી મોટી સજા હોઈ શકે?’
સ્વવિવેક-સેલ્ફ-ડિસિપ્લિન એક જ માર્ગ : મુનિ ભુવનહર્ષ વિજયજી મહારાજસાહેબ
પદયાત્રીઓ અને સાધુસંતો માટે બનાવેલી પગદંડીઓના સંદર્ભમાં નેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના અને ગોધરાના નવગ્રહ આરાધનાધામના પ્રણેતા મુનિ ભુવનહર્ષ વિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને અમારી સુરક્ષા માટે અમારે જ સાવચેતી રાખવા સિવાય કોઈ જ ઉપાય દેખાતો નથી. પગદંડીઓ બનાવવામાં આવી છે ત્યાં મોટે ભાગે આસપાસમાં રહેનારાઓ કબજો કરી લેતા હોવાથી ચાલવાની જગ્યા બચતી નથી. જે શહેરમાં સાઇકલ-ટ્રૅક બનાવવામાં આવ્યા છે ત્યાં પણ બાઇકો દોડતી નજરે પડે છે. હાઇવેના સર્વિસ રોડ પર બન્ને બાજુથી ગાડીઓની અવરજવર રહે છે. અજવાળું થયા પછી જ વિહાર પ્રારંભ કરવા બહુ દુષ્કર છે, કદાચ પ્રૅક્ટિકલ નથી. એમાં વિહારસેવકો પણ જોડાય કે નહીં એ પ્રશ્ન રહેશે. હાઇવે-ટ્રૅક વધ્યા છે, વેહિકલ પણ વધ્યાં છે, સ્પીડ વધી છે. ટ્રક કે બસવાળાને તો વ્હીલચૅર દેખાય ત્યારે બ્રેક મારવાનો પણ સમય રહેતો હશે કે કેમ એ સવાલ છે. તેઓ સખત સ્ટ્રેસમાં હોય, રાતના ઉજાગરા હોય, વ્યસનના કેફમાં હોય; આ બધાં ફૅક્ટર પણ જોવાં જોઈએ. દર વખતે જાણીજોઈને જૈન સાધુઓને મારી નાખવાના ઇરાદાપૂર્વક ઍક્સિડન્ટ થાય છે એવો હોબાળો મચાવવો હિતાવહ નથી. સ્વવિવેક-સેલ્ફ-ડિસિપ્લિન સિવાય કોઈ રસ્તો નથી.’
અમદાવાદ મહાસંઘની વિહાર માટે સૂચના
રાજસ્થાન અને ગુજરાતમાં બે સાધુઓના રોડ-અકસ્માત પછી સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ-અમદાવાદે જૈન સંઘોને અકસ્માતથી સાધુ-સાધ્વીઓની રક્ષા માટે શું કાળજી રાખવી એના માટે સૂચનો મોકલ્યાં હતાં જેમાં પૂજ્યશ્રીઓ સાથે સંઘના યુવાનો એક સ્થાનેથી બીજા સ્થાન સુધી વિહાર કરે એવો પ્રયત્ન કરવો અને વ્યવસ્થા ગોઠવવી તથા એના માટે વિહાર ગ્રુપ કાર્યરત છે એનો ઉપયોગ કરવો, સલામતીપૂર્વક વિહાર કરાવવો, થોડુંક અજવાળું થાય ત્યારે વિહાર કરાવવો, લાંબા-લાંબા વિહાર ન કરવા, પૂજ્યોને વિનંતી કરવી કે રોડની સાઇડ પર એક લાઇનમાં ચાલે એ માટેનો પ્રયત્ન કરવો, યુવાનોએ ખાસ બૅટરીનો ઉપયોગ કરવો, પૂજ્ય સાધુ-સાધ્વીઓના દાંડા પર રેડિયમ સ્ટિકર લગાવડાવવું, પોલીસ-સંરક્ષણ ફરજિયાત લેવડાવવું વગેરેનો સમાવેશ થાય છે.


