દીકરીનાં લવ-મૅરેજ સ્વીકારી ન શકનારા પપ્પાએ ભર્યું ખોફનાક પગલું: હત્યા કરીને નાસી ગયેલા પિતાને પોલીસે ક્લ્યાણમાંથી ઝડપ્યો
પુત્રી ગાયત્રી, આરોપી વિનોદ
કલ્યાણ-વેસ્ટના દૂધનાકા વિસ્તારમાં આવેલા એક જાણીતા કૉમ્પ્લેક્સમાં પોતાની પચીસ વર્ષની પુત્રી ગાયત્રી શિંદેનાં લવ-મૅરેજની નારાજગીમાં બુધવારે બપોરે છરીના ઘા ઝીંકીને હત્યા કરવાના આરોપમાં પોલીસે ૫૦ વર્ષના પિતા વિનોદ વસઈકરની શુક્રવારે મોડી રાતે કલ્યાણમાંથી જ ધરપકડ કરી છે. ગાયત્રી પ્રેમલગ્ન કર્યા બાદ પહેલી વાર સોમવારે પોતાના પિયર રોકાવા આવી હતી. દરમ્યાન બુધવારે થયેલા વિવાદમાં પિતા આ ખોફનાક પગલું ભરીને નાસી છૂટ્યો હતો જે વિશે પોલીસે ઝીણવટભરી તપાસ કરીને આ સફળતા મેળવી છે.
બાઝારપેઠ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુરેશસિંગ ગૌડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પિતા અને પુત્રી બુધવારે બપોરે ઘરે એકલાં હતાં એ દરમ્યાન લવ-મૅરેજ અંગે પિતાએ પોતાની પુત્રીને ટોણા માર્યા હતા ત્યારે પુત્રીએ પણ દલીલો કરી હતી. એ દલીલ એટલી હદે વધી ગઈ હતી કે ઉશ્કેરાયેલા આરોપી પિતાએ પોતાની પુત્રીની કિચનની છરીથી ઘા મારી હત્યા કરી હતી ત્યાર બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બુધવાર સાંજે જ્યારે પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે હત્યા વિશે માહિતી પ્રકાશમાં આવી હતી. આ કેસની માહિતી અમને મળતાં અમે બે ટીમ તપાસ માટે લગાડી હતી. દરમ્યાન સોસાયટીના CCTVમાં તેના પિતાએ હત્યા કરી હોવાનું સ્પષ્ટ થતાં અમે પિતાની શોધ હાથ ધરી હતી. શુક્રવારે સાંજે અમે હત્યાના આરોપમાં પિતાની પણ ધરપકડ કરી લીધી છે. નવેમ્બર ૨૦૨૫માં આરોપીની પુત્રીએ ઘરેથી ભાગીને લગ્ન કર્યાં હતાં એનો રોષ આરોપીએ રાખ્યો હતો. આ જ રોષમાં હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.’
