સગીર બાળકીઓ પર અત્યાચાર કરનારાને તો પકડ્યો, પણ બાળકીઓના પરિવારજનો સામે પણ પોલીસે ફરિયાદ નોંધી એનો જોરદાર વિરોધ : પોલીસ-કમિશનરે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની ખાતરી આપી એ પછી આંદોલન સમેટ્યું
ઘાટકોપર પોલીસ-સ્ટેશનની બહાર અને અંદર આંદોલન પર બેઠેલા કિરીટ સોમૈયા (ઉપર), ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ઊંઘ કાઢતા કિરીટ સોમૈયા (નીચે)
ઘાટકોપર-વેસ્ટના નિત્યાનંદનગરમાં રહેતી ૪ અને ૭ વર્ષની બે માસૂમ બાળકીઓ પર થયેલા અત્યાચાર અને ત્યાર બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયા સોમવારે આશરે ૧૨ કલાક ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ધરણાં પર બેસી ગયા હતા. નિત્યાનંદનગરમાં બાળકીઓ પર જાતીય અત્યાચાર કરનાર ૩૮ વર્ષના ફિરોઝ શેખ ઉર્ફે સની નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચેલા પરિવારના સભ્યોને જ પોલીસે જેલમાં બેસાડી દીધા હોવાનો દાવો કરીને સોમવારે બપોરે ત્રણ વાગ્યે પોલીસને જવાબ પૂછવા પહોંચેલા કિરીટ સોમૈયા આંદોલન પર બેસી ગયા હતા. આ આંદોલનમાં સ્થાનિક વિધાનસભ્ય પરાગ શાહ તેમ જ મેયર રિતુ તાવડે પણ જોડાયાં હતાં. અંતે સોમવારે મોડી રાતે આ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતાં કિરીટ સોમૈયાએ આંદોલન પાછું ખેંચી લીધું હતું. જોકે આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી અને રાજકીય ગરમાટો જોવા મળ્યાં હતાં.
ક્યાંથી થઈ હતી શરૂઆત?
ADVERTISEMENT
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરના નિત્યાનંદનગરમાં શનિવારે સાંજે ૩૫ વર્ષના ફિરોઝ ઉર્ફે સની શેખે ઘર પાસે રમતી ચાર નાની છોકરીઓને તમારાં માતા-પિતા મારા ઘરે છે કહીને બે છોકરીઓને પોતાના ઘરમાં બોલાવી હતી. બન્ને છોકરીઓએ ઘરમાં પ્રવેશતાં જ તેણે દરવાજો અંદરથી બંધ કરીને નગ્ન થઈ અશ્લીલ વર્તન કરવા માંડ્યું હતું. સદ્નસીબે સ્થાનિક રહેવાસીઓને શંકા જતાં તેમણે તરત દરવાજો ખોલીને છોકરીઓને ઉગારી લીધી હતી. જોકે એ સમયે ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. એટલે માર પડવાના ડરથી ગભરાઈ ગયેલા નશાખોર આરોપીએ દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. એ પછી ઘટનાની જાણ પોલીસ-કન્ટ્રોલને કરવામાં આવી હતી.’
ટોળાનું તોફાન, ત્રણ પોલીસ ઘાયલ
ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘શનિવારે રાતે આઠ વાગ્યે બાળકીઓ સાથે અશ્લીલ હરકત કરનાર આરોપીને કસ્ટડીમાં લેવા પહોંચેલી અમારી ટીમ નિત્યાનંદનગરની હાજી મુલ્લા ચાલ નજીક પહોંચી એ વખતે અનેક લોકો ભેગા થઈ ગયા હતા. ઘરની બહાર ભેગા થયેલા ટોળાથી ડરીને આરોપીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો. ત્યાર બાદ અમે અનેક વાર ભેગી થયેલી ભીડને ત્યાંથી હટવાનું કહ્યું હતું, પણ ટોળાએ અમારા અધિકારીની વાત માની નહોતી. ત્યાર બાદ અમે આરોપીને ઘરની બહાર કાઢ્યો અને અમારી ગાડીમાં બેસાડવા જતા હતા ત્યારે આરોપીને મારવા માટે અનેક લોકો દોડી આવ્યા હતા. તેમણે પહેલાં આરોપીને માર માર્યો હતો અને આરોપીને બચાવવા ગયેલા અમારા ત્રણ અધિકારીઓ પર ૩૦-૪૦ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. એક પોલીસ-કર્મચારીને માથામાં હેલ્મેટ ફટકારતાં તેને ઈજા થઈ હતી, જ્યારે બીજા પોલીસ-કર્મચારીનો હાથ ફ્રૅક્ચર થયો છે. અમારી પોલીસ-વૅનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અંતે અમે એ વખતે પોલીસ પર હુમલો કરનાર ગોપાલ યાદવ, નિખિલ માજીરે સહિત અન્ય ૩૦ લોકો સામે રવિવારે સરકારી કામગીરીમાં દખલ કરવાનો અને હુમલો કરવાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.’
આંદોલન કરવા કેમ બેસવું પડ્યું?
કિરીટ સોમૈયાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘આ મામલે પોલીસે બે અલગ-અલગ ગુના નોંધ્યા હતા. પ્રથમ ગુનો આરોપી ફિરોઝ શેખ વિરુદ્ધ નોંધાયો હતો, જ્યારે બીજો ગુનો આરોપીને માર મારતી વખતે પોલીસ પર હુમલો કરવા બદલ નોંધવામાં આવ્યો હતો. આ બીજા ગુના હેઠળ પોલીસે પીડિત બાળકીઓના સંબંધીઓ અને અન્ય સ્થાનિક નાગરિકો સહિત ચાર જણની ધરપકડ કરી હતી. ચોંકાવનારી વાત એ હતી કે પીડિત બાળકીની મમ્મીના જવાબમાં એવું લખવામાં આવ્યું હતું કે લોકોએ પોલીસ પર હુમલો કર્યો છે જે બાબતે સ્થાનિક નાગરિકોએ મને જાણ કરી હતી. આ મામલે હું પીડિત પરિવારને મળ્યો હતો. પીડિત બાળકીની મમ્મીએ મને કહ્યું હતું કે મેં ક્યારેય પોતાના લોકો કે સંબંધીઓ વિરુદ્ધ આવો કોઈ જવાબ આપ્યો નથી. એનાથી સ્પષ્ટ થયું હતું કે ફરિયાદ નોંધનાર અધિકારીએ ખોટી રીતે જવાબ નોંધ્યો છે. અંતે હું ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-નિરીક્ષકને મળ્યો હતો, પરંતુ મને સંતોષકારક જવાબ ન મળતાં મેં પોલીસ-સ્ટેશનના પ્રવેશદ્વાર અને લોકઅપની બહાર જ પીડિત પરિવારના સભ્યો સાથે ધરણાં શરૂ કર્યાં હતાં.’
રાતે ત્રણ વાગ્યે આંદોલન સમેટાયું
રાતે ૩ વાગ્યે કિરીટ સોમૈયાએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘રાત્રે ત્રણ વાગ્યે મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ મને ખાતરી આપી હતી કે આ કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે એટલું જ નહીં, ગઈ કાલ સવારથી જ આ કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીડિત પરિવાર પર થયેલા અન્યાય ઉપરાંત ફરિયાદ નોંધનાર પોલીસ-અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવશે એવી મને ખાતરી છે. આ કેસમાં જો ફરિયાદ નોંધનાર અધિકારીની ભૂલ જણાશે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ મહત્ત્વના આશ્વાસન બાદ મેં આંદોલન સમેટી લીધું હતું.’
