Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાલબાગના સૌથી જૂના દેરાસરનો શતાબ્દી મહોત્સવ: સમગ્ર મુંબઈમાં ૪૦,૦૦૦ કચ્છી ઘરોમાં મીઠાઈનું વિતરણ

લાલબાગના સૌથી જૂના દેરાસરનો શતાબ્દી મહોત્સવ: સમગ્ર મુંબઈમાં ૪૦,૦૦૦ કચ્છી ઘરોમાં મીઠાઈનું વિતરણ

Published : 29 April, 2026 11:49 AM | IST | Mumbai
Vasant Maru

અંદાજે એક લાખ સાત હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું લાલબાગ દેરાસર શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે

દેરાસરની ૧૦૦ વર્ષ જૂની બાંધણી અને દેરાસરની ભીંતો અને ગુંબજમાં રાજસ્થાની શૈલીનું ચિત્રકામ અલગ ભાત પાડે છે

દેરાસરની ૧૦૦ વર્ષ જૂની બાંધણી અને દેરાસરની ભીંતો અને ગુંબજમાં રાજસ્થાની શૈલીનું ચિત્રકામ અલગ ભાત પાડે છે


સવાસો વર્ષ પહેલાં લાલબાગ વિસ્તાર ગામડા જેવો હતો. લાલબાગમાં એક બાજુ અંગ્રેજ અમલદારોનાં ભવ્ય રહેઠાણો હતાં અને બીજી બાજુ મિલના કામદારોની વસ્તી હતી. એ સમયે નાના કચ્છી વેપારીઓ પણ સારા પ્રમાણમાં આ વિસ્તારમાં વ્યવસાય કરતા હતા. કચ્છથી મુંબઈ આવેલ આ જૈન શ્રાવકોને ધર્મભક્તિ માટે એક દેરાસર બનાવવાની તીવ્ર ભાવના હતી. આ ઇચ્છા પૂરી કરવા અંગ્રેજો પાસે રાવસાહેબનો ખિતાબ મેળવનાર શેઠ રવજી સોજપાલ અને તેમના સાથીદારોએ કમર કસી હતી.

અંદાજે એક લાખ સાત હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલું લાલબાગ દેરાસર શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. મુંબઈને ગામડામાંથી મહાનગર બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર શેઠ તેજુ કાયાએ આ દેરાસરના કન્સ્ટ્રક્શનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.



આશરે ૧૬૦ વર્ષ પહેલાં કે.ડી.ઓ. સમાજના શ્રેષ્ઠી શેઠ કેશવજી નાયકે પાલિતાણામાં અચલગચ્છના આચાર્ય રત્નસૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે એકસાથે ૭૦૦૦ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ જૈન સમાજનો એક રેકૉર્ડ છે. એ ૭૦૦૦ મૂર્તિમાંથી એક મૂર્તિ એટલે લાલબાગ દેરાસરમાં બિરાજમાન મૂળ નાયક સુવિધિનાથદાદા છે. સુવિધિનાથદાદાને શ્રાવકો અને શ્રાવિકાઓ ચમત્કારી માને છે એટલે દર શુક્રવારે ઘણા શ્રદ્ધાળુઓ લાલબાગ દેરાસરનાં દર્શને આવે છે. સુવિધાનાથદાદા ઉપરાંત શાંતિનાથદાદા, અજિતનાથદાદા ઇત્યાદિ ભગવાન લાલબાગ દેરાસરમાં બિરાજમાન છે.


ક.વી.ઓ. દેરાવાસી મહાજન સંચાલિત આ દેરાસર અનેક ઘટનાનું સાક્ષી બન્યું છે. ગાંધીજીએ આ દેરાસરમાં પધારી સુવિધિનાથદાદાનાં દર્શન કરીને એક નાનકડી સભા યોજી હતી અને જૈનોને આઝાદીની લડાઈમાં જોડાવાનું આહ‍્વાન કર્યું હતુંઅચલગચ્છાધિપતિ આચાર્ય ગુણસાગરસૂરિજીએ વર્ષો પહેલાં લાલબાગથી શિખરજી સુધી પગપાળા સંઘ કાઢ્યો હતો. સેંકડો યાત્રિકો ચાર-પાંચ રાજ્યોમાંથી પસાર થઈને ચાલતાં-ચાલતાં બિહારના શિખરજી તીર્થ સુધી પહોંચ્યા હતા. આખું આયોજન રામજી ધરોડ અને જતીન છેડા નામના બે યુવાનોએ પાર પાડીને લાલબાગ દેરાસરનું નામ રોશન કર્યું હતું.


વર્ષો પહેલાં કચ્છથી સેંકડો લોકો ખાલી હાથે મુંબઈ કામધંધા માટે આવતા. રોજ રાત્રે લાલબાગ દેરાસર પરિસરમાં આશરો લઈને તેમણે પોતાની કારકિર્દી ઘડી હતી. આવા તો અનેક કિસ્સાઓ દેરાસર સાથે જોડાયેલા છે. એમાં પણ દેરાસરની ૧૦૦ વર્ષ જૂની બાંધણી અને દેરાસરની ભીંતો અને ગુંબજમાં રાજસ્થાની શૈલીનું ચિત્રકામ અલગ ભાત પાડે છે.

દેરાવાસી મહાજનના ઉપપ્રમુખ ભાવેશ છેડાએ જણાવ્યું હતું કે ‘શતાબ્દી પ્રસંગે મુંબઈમાં વસતા ક.વી.ઓ. અને કે.ડી.ઓ.ના અંદાજે ૪૦,૦૦૦ ઘરોમાં મીઠાઈનું વિતરણ કરીને તમામ કચ્છી જૈનોને ઉત્સવમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુંબઈનાં ૪૦,૦૦૦ ઘરોમાં શતાબ્દીનાં તોરણ વહેંચાય છે જે તમામ ઘરોના દરવાજે લગાવવામાં આવશે.’

આ પ્રસંગે અચલગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભસૂરીશ્વરજી અને કવિન્દ્રસાગરસૂરીશ્વરજી તેમ જ સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં ધર્મઅનુષ્ઠાનો યોજાશે. ઉપરાંત આંગી, વરઘોડા, રાત્રિભાવના, મેંદી ઇત્યાદિના કાર્યક્રમો થશે. પ્રસિદ્ધ જૈનરત્ન નરેન્દ્ર નંદુના હસ્તે આ અનુષ્ઠાનો કરવામાં આવશે. પાંચ દિવસ માટે લાલબાગ વિસ્તારના તમામ કચ્છી જૈનોનાં રસોડાં બંધ રહેશે અને તેઓ સ્વામીવાત્સલ્યનો લાભ લેશે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 11:49 AM IST | Mumbai | Vasant Maru

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK