Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક શીખતો આ ટાબરિયો ટૅલન્ટનો ખજાનો છે

ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક શીખતો આ ટાબરિયો ટૅલન્ટનો ખજાનો છે

Published : 22 April, 2026 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલાડના ૧૦ વર્ષના રિશાન પારેખને શાસ્ત્રીય ગાયક બનવું છે. જુદા-જુદા રાગ શીખવાની સાથે તે હાર્મોનિયમ અને ગિટાર વગાડતાં પણ શીખી રહ્યો છે. હસ્તકલા, બાગકામ, કુકિંગ, ચિત્રકળામાં પણ તેની રુચિ છે...

ગિટાર વગાડતો, હાર્મોનિયમ પર ગીત ગાતો, વાનગીને મૅરિનેટ કરતો

ગિટાર વગાડતો, હાર્મોનિયમ પર ગીત ગાતો, વાનગીને મૅરિનેટ કરતો


આજે મલ્ટિ-ટૅલન્ટેડ લોકોનો જમાનો છે અને બાળકો પણ એમાંથી બાકાત નથી. માત્ર સ્કૂલનો અભ્યાસ કરવાથી નથી ચાલવાનું, એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટી ઇઝ મસ્ટ એવું તમામ પેરન્ટ્સ માને છે. અન્ય પ્રવૃત્તિ તરફ બાળકનું આકર્ષણ બરકરાર રહે તેમ જ તેની છૂપી ટૅલન્ટને ઓળખી શકાય એવા હેતુથી પેરન્ટ્સ બાળકોને જુદા-જુદા ક્લાસિસ કરાવે છે. મલાડનાં શાંભવી પારેખને પણ દીકરાની ખૂબી ઓળખવામાં આવા ક્લાસિસ કામ લાગ્યા. ૧૦ વર્ષનો રિશાન ક્લાસિકલ મ્યુઝિકમાં આગળ વધી રહ્યો છે. નાનાજી પાસેથી તે હાર્મોનિયમ શીખે છે. કુકિંગ, ક્રાફ્ટ ઍન્ડ આર્ટ, ગાર્ડનિંગ અને સીવણકામમાં પણ તેની રુચિ છે.

રાગની સમજણ
દીકરાની ટૅલન્ટ કઈ રીતે બહાર આવી એ વિશે વાત કરતાં રિશાનનાં મમ્મી શાંભવીબહેન કહે છે, ‘અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવની સાથે સ્કૂલની ઇતર પ્રવૃત્તિમાં રિશાન ઉત્સાહથી ભાગ લેતો. ખૂબ જ નાની વયથી તે ગીતો ગણગણતો. સુગમ સંગીત વાગતું હોય ત્યારે તેના ચહેરાના હાવભાવ બદલાતા અને હાથની મૂવમેન્ટ ચેન્જ થતી. મ્યુઝિક ગમે છે એવું નિરીક્ષણ કર્યા પછી અમે તેને શાસ્ત્રીય સંગીતના ક્લાસમાં મોકલ્યો. થોડા મહિના મોકલ્યા બાદ જોયું કે તેને ગીતો ગાવાની મજા આવે છે એટલે એ કન્ટિન્યુ કર્યા. ૩ વર્ષમાં સંગીત-પ્રશિક્ષક કિશોર સુખલે અને દિનેશ જાધવના માર્ગદર્શનમાં રિશાન ખમાજ, ભૂપ, બાગેશ્રી, બિહાગ, કાફી, દુર્ગા વગેરે ઘણા રાગ શીખ્યો છે. શાસ્ત્રીય સંગીત ઉપરાંત તે ગરબા અને ભક્તિગીતો પણ ગાય છે. શિક્ષકોનું કહેવું છે કે રિશાન સારો શાસ્ત્રીય ગાયક બની શકે છે. તેનું ગાયન હૃદયસ્પર્શી અને કાનને ગમે એવું છે. શાસ્ત્રીય ગાયક બનવા સંગીતવાદ્ય વગાડતાં આવડવું જોઈએ. મારા પપ્પા હાર્મોનિયમ વગાડે છે. રિશાન નાનાજી પાસેથી હાર્મોનિયમની તાલીમ લઈ રહ્યો છે. તેને ગિટાર વગાડતાં પણ આવડે છે.’

મલાડની ચિલ્ડ્રન્સ ઍકૅડેમી સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો રિશાન કહે છે, ‘ભારતીય શાસ્ત્રીય સંગીતની જુદી જ ભાષા છે. એમાં કર્વ્સ અને વરાઇટી છે. બંદિશમાં હિન્દી, ફારસી અને વ્રજ ભાષાનું મિશ્રણ હોય છે. સૂર, તાલ, લય, ભાવ અને નાદ સાથે હાઈ પીકમાં ગાયનો ગાવાની અલગ જ મજા છે. ‘કોયલિયા બોલે અંબુવા કે ડાર પર’ રાગ બાગેશ્રી બંદિશ છે. હમણાં એ શીખી રહ્યો છું. અત્યાર સુધીમાં ૧૨ ગીતો શીખ્યો છું. ગુજરાતી ગરબા અને ગીતો પણ ગાઉં છું. જોકે મારો ઝુકાવ ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યે વધુ છે અને એમાં જ આગળ વધવાની ઇચ્છા છે. અઠવાડિયે એક વાર સંગીતના ક્લાસમાં જાઉં છું અને બે દિવસ ઘરમાં રિયાઝ કરું છું. માહિમમાં રહેતા નાનાજી પાસે ઍન્ટિક હાર્મોનિયમ છે. તેમની પાસેથી હાર્મોનિયમ વગાડતાં અને મામા પાસેથી ગિટાર વગાડતાં શીખું છું. ગિટાર શીખવા ક્લાસમાં જતો હતો, પણ હમણાં પરીક્ષાને કારણે બ્રેક લીધો છે.’

લિટલ માસ્ટર શેફ 
રિશાનના પેરન્ટ્સ પહેલેથી ક્લિયર હતા કે દીકરાને પૅમ્પર્ડ ચાઇલ્ડ નથી બનાવવો. તેમણે બાળપણથી જ તેને વિવિધ કૌશલ્યમાં આગળ વધારવાની સાથે રોજબરોજનાં કામ શીખવા પર પણ ભાર મૂક્યો. વર્તમાન સમયમાં ગર્લ હોય કે બૉય, બધાં કામ આવડવાં જોઈએ. કુકિંગ અને ડસ્ટિંગ તો લાઇફ-સ્કિલ છે. રિશાનને નવી-નવી રેસિપી ટ્રાય કરીને બધાને ખવડાવવાનો શોખ છે. બાળકમાં મલ્ટિ-ટાસ્કિંગ સમયની જરૂરિયાત છે એમ જણાવતાં શાંભવીબહેન કહે છે, ‘સ્કૂલના અભ્યાસક્રમને પ્રાથમિકતા આપ્યા પછી પણ તેની પાસે ઘણો સમય હોય છે. જુદી-જુદી પ્રવૃત્તિઓ થોપવાની નથી પણ શીખવવાની છે. વ્યસ્ત રાખવાથી સ્ક્રીન-ટાઇમ ઘટે. વર્કિંગ પેરન્ટ્સ હોવાથી રિશાન માટે લાઇફ-સ્કિલ શીખવી જરૂરી પણ છે. તે અમારા ઘરનો લિટલ માસ્ટર શેફ છે.’

આખો દિવસ દાદી સાથે રહેતા રિશાને ગૅસ વગર બનાવી શકાય એવી ડિશ ટ્રાય કરવાથી શરૂઆત કરી હતી. તેણે ઓરિયો​ બિસ્કિટ કેક, સૅન્ડવિચ રોલ, બિસ્કિટ કેક ઇન અ જાર, ચૉકલેટ કેક, એનર્જી રોલ બનાવ્યા. ધીમે-ધીમે ગૅસ પર રસોઈ બનાવતાં શીખ્યો. જોકે મમ્મી અથવા દાદીની હાજરીમાં જ ગૅસ વાપરવાની પરવાનગી છે. રોટી પાસ્તા, સ્વિસ રોલ, પટેટો ટ્વિસ્ટર્સ, ચૉકલેટ ઇડલી, ફ્રાઇઝ, સ્વીટ કૉર્ન ફ્રિટર્સ જેવી અનેક વાનગીઓ બનાવતાં તેમ જ ગોળ મજાની પૂરી વણતાં પણ તેને આવડે છે. તેને સ્વાદની સારી સમજણ છે એટલે ઇન્ટરનેટ પરથી વેજિટેબલને મૅરિનેટ કરવાની નવી રીતો શોધી કાઢે છે.

મલ્ટિ-ટૅલન્ટેડ
રિશાન પ્રતિભાશાળી છે. બધા પાસેથી નવું શીખતો રહે છે. દાદીએ તેને શિષ્ટાચારના પાઠ શીખવ્યા છે. સંગીતની જેમ પ્રકૃતિપ્રેમ પણ તેને વારસામાં મળ્યો છે. રિશાનનાં દાદીએ ઘરમાં જાતજાતના છોડ વાવ્યા છે. એ જોઈને તેને બાગકામમાં પણ રસ પડ્યો હતો. કયા છોડને પાણીની કેટલી માત્રા જોઈએ, પ્રકાશ કેટલો જોઈએ, ખાતર ક્યારે નાખવું વગેરે જાણકારી મેળવવા તે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પોતાની સમજણથી તુલસી, ફ્રાંગીપાની, કેપ જૅસ્મિન છોડ ઉછેર્યા છે. દાદી પાસેથી હસ્તકળા અને સીવણકામ પણ શીખ્યો છે. ડ્રોનની મદદથી વિડિયોગ્રાફી પણ કરે છે. રિશાનનું ડ્રૉઇંગ પણ સારું છે. તે કુદરતી સૌંદર્યનાં અને ભગવાનનાં ચિત્રો દોરે છે. આજકાલ તે ચારકોલ પેઇન્ટિંગ પર હાથ અજમાવે છે. ચૈત્રી નવરાત્રિમાં તેણે કાલીમાતાનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. સ્કૂલનાં નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તે ભાગ લે છે. કોઈ પણ ક્ષેત્રમાં ઇનામ લઈ આવવાનો તેનો વણલખ્યો નિયમ છે. વિવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા રિશાનની અત્યાર સુધી બપોરની સ્કૂલ હતી એટલે બહાર રમવાનો સમય નહોતો મળતો. હવે સવારની સ્કૂલ થઈ જતાં તે રમતગમતમાં રસ લઈ રહ્યો છે. તેનાં મમ્મી શાંભવી અને પપ્પા નિર્મલ પારેખ બન્ને બૅન્કર છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK