૧૫ દિવસ રાહ જોઈશું, એ પછીયે સરકાર કોઈ સુધારા નહીં કરે તો મોટું આંદોલન કરીશું
દાદરમાં પગડી એકતા સંગઠન દ્વારા યોજાયેલી મહાસભા.
દાદર-વેસ્ટના એન. સી. કેળકર રોડ પર સોમવારે સાંજે પગડી એકતા સંગઠન દ્વારા યોજાયેલી મહાસભામાં મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી પાઘડીની પ્રૉપર્ટી ધરાવતા ૨૦૦થી વધુ દુકાનદારો અને રહેવાસીઓએ ભાગ લીધો હતો. આ મહાસભા પાઘડી સિસ્ટમ હેઠળ વર્ષોથી રહેણાક અને વ્યવસાય કરતા લોકો માટે એક મહત્ત્વનો મંચ સાબિત થયો હતો જ્યાં તેમણે પોતાના પ્રશ્નો અને ચિંતાઓ ખુલ્લેઆમ રજૂ કર્યા હતા. સભામાં ઉપસ્થિત લોકોમાં એકતા અને પોતાના અધિકાર માટે લડવાની મજબૂત ભાવના જોવા મળી હતી. રાજ્ય સરકાર પાસે પાઘડીની જગ્યા વિશે વર્ષોથી માગણી કર્યા બાદ પણ માગણીઓ પૂરી કરવામાં ન આવે તો હવે પછી મોટું આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
ઉગ્ર ચર્ચા
ADVERTISEMENT
પગડી એકતા સંગઠનના અધ્યક્ષ મુકેશ પેન્ડસેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માલિકો અને ડેવલપરોની મિલીભગતને કારણે હજારોની સંખ્યામાં પાઘડી સિસ્ટમમાં રહેતા લોકોને મુંબઈ છોડી જવાનો વારો આવ્યો છે. તાજેતરમાં મુંબઈના અનેક વિસ્તારોમાં આવી જ ટેક્ટિક ચાલુ છે એથી ભવિષ્યમાં આવી નોબત ન આવે એ માટે અમે સંગઠન તૈયાર કર્યું છે. સોમવારે સાંજે મહાસભામાં હાજર રહેલા સભ્યોએ માલિકો અને બિલ્ડરો તરફથી થતી મુશ્કેલીઓ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સતત દબાણ, ભાડૂત તરીકે ભવિષ્યની શંકા અને બળજબરીપૂર્વક ખાલી કરાવવાના ભય જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા. ઘણા સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ દાયકાઓથી પાઘડી સિસ્ટમ હેઠળ રહેતા અને વ્યવસાય કરતા આવ્યા છે છતાં અત્યારની પરિસ્થિતિમાં તેમના અધિકાર જોખમમાં છે. આ ચર્ચાએ લાંબા સમયથી વસવાટ કરતા લોકોમાં વધતી જતી ચિંતાને સ્પષ્ટ રીતે પ્રગટ કરી હતી.’
આંદોલનની ચેતવણી
મુકેશ પેન્ડસેએ વધુમાં કહ્યું હતું કે ‘આવતા વખતમાં તમામ પ્રશ્નોને સરકાર સમક્ષ ગંભીરતાથી રજૂ કરવામાં આવશે. જો સરકાર પાઘડીધારકોની યોગ્ય માગણીઓ પર સકારાત્મક પ્રતિસાદ નહીં આપે તો સંગઠન શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે આંદોલન શરૂ કરશે. સોમવારે યોજાયેલી મહાસભામાં પાઘડીધારકોને કાનૂની સુરક્ષા સાથે પાઘડી પ્રોટેક્શન કાર્ડ આપવાની માગણી અને જૂની પાઘડીપદ્ધતિમાં સુધારો કરીને પારદર્શક પુનર્વિકાસ સુનિશ્ચિત કરવાની માગણી અમે કરી છે. એ ઉપરાંત મુંબઈમાં કોઈ પણ પાઘડીની જગ્યાના ધારકને તાત્કાલિક ખાલી ન કરાવાય એવી અમારી માગણી છે. એ માટે અમે ૧૫ દિવસ રાહ જોઈશું. જો સરકાર કોઈ સુધારા નહીં કરે તો ૧૫ દિવસમાં અમે આંદોલન ડિક્લેર કરીને મોટા પ્રમાણમાં આંદોલન કરીશું જેમાં મુંબઈભરના પાઘડીધારકો જોડાશે.’
એકતાનો સંદેશ અને સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ
મહાસભાના અંતે તમામ સભ્યોએ મુંબઈભરના પાઘડીધારકો વચ્ચે એકતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. સંગઠને પોતાના અધિકાર, ઘર અને રોજગારને બચાવવા માટે સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સંગઠિત પ્રયાસો દ્વારા જ પાઘડીધારકોને ન્યાય મળી શકે છે અને તેઓએ પોતાના હક માટે અંત સુધી લડવાની તૈયારી દર્શાવી હતી.
