દહિસરથી મીરા-ભાઈંદર સુધીની મેટ્રો લાઇન ૯ની ટ્રાયલ રન વખતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે ગઈ કાલે કાશીગાવમાં મેટ્રો લાઇન ૯ના પહેલા તબક્કાની ટ્રેનની ટ્રાયલ રનને લીલી ઝંડી બતાવી હતી. (તસવીર : સતેજ શિંદે)
દહિસરથી મીરા-ભાઈંદર સુધીની મેટ્રો લાઇન ૯ના પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે એટલે ગઈ કાલે દહિસર-ઈસ્ટથી મીરા રોડના કાશીગાવ સુધી મેટ્રોની ટ્રાયલ રન કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા બન્ને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારે ટ્રાયલ રનને લીલી ઝંડી દેખાડી હતી અને ત્રણેય નેતાઓએ મેટ્રોમાં પ્રવાસ પણ કર્યો હતો.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ સમયે કહ્યું હતું કે ‘મેટ્રો લાઇન ૯ના પહેલા તબક્કામાં દહિસર-ઈસ્ટથી કાશીગાવ સુધી ટ્રાયલ રન થઈ ગઈ છે. ટેક્નિકલ ટેસ્ટિંગ બાદ આ મેટ્રો લાઇન પ્રવાસીઓ માટે શરૂ થઈ જશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને સ્થાનિક રાહદારીઓથી મુક્ત કરીને મુંબઈકરોનો પ્રવાસ વધુ સુખદ કરવા માટે મેટ્રો રેલ સારું માધ્યમ છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભાઈંદર-વેસ્ટમાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાનથી બાંદરા સુધી સીમલેસ કનેક્ટિવિટી કરવાનો સરકારનો ઉદ્દેશ છે. આ ઉદ્દેશ પૂરો કરવા માટે અત્યારે વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે. આ તબક્કામાં મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રમાં પહેલી વાર મીરા-ભાઈંદરમાં ડબલ ડેકર બ્રિજ બનાવવામાં આવ્યો છે જેમાં ફ્લાયઓવર અને મેટ્રો એકસાથે દોડશે. ટૂંક સમયમાં વિરાર સુધી મેટ્રોમાં પ્રવાસ શક્ય બનશે. વિવિધ મેટ્રો લાઇન એકબીજા સાથે જોડવાથી પ્રવાસીઓને ઍન્ડ ટુ ઍન્ડ સૉલ્યુશન મળશે. ઉપરાંત પાલઘરના વાઢવણ ખાતે બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશન સાથે મેટ્રોનું ઇન્ટિગ્રેશન કરવાનું આયોજન છે.’
ADVERTISEMENT
ડેવલપમેન્ટ એક્સપ્રેસને કોઈ પણ સ્પીડબ્રેકર રોકી નહીં શકે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મેટ્રો લાઇન ૯ની ટ્રાયલ રન વખતે વિરોધીઓને નિશાન બનાવ્યા હતા. તેમણે પત્રકારોને કહ્યું હતું કે ‘મહાયુતિમાં ત્રણેય પાર્ટી સાથે છે. અમે રાજ્યની ડેવલપમેન્ટ એક્સપ્રેસને ઝડપથી ચલાવી રહ્યા છીએ. કોઈ આ એક્સપ્રેસમાં સ્પીડબ્રેકર નહીં મૂકી શકે.’

