એશિવરામાં બનેલી આ ઘટના CCTV કૅમેરામાં ઝડપાઈ, ૪ જણ સામે ફરિયાદ
વૅગનઆર કાર સાથે ઘસડાઈ રહેલો પાનની દુકાનનો માલિક.
ઓશિવરાના ન્યુ લિન્ક રોડ પર લકી બિરયાની હોટેલ નજીક મંગળવારે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એમાં સિગારેટના ૮૭૦ રૂપિયા માટે પાનની દુકાન ચલાવતી ૩૨ વર્ષની વ્યક્તિને કાર સાથે આશરે ૧૫૦ મીટર સુધી ઘસડવામાં આવી હતી. આ મામલે ઓશિવરા પોલીસે વૅગન આર કાર ચલાવનાર અને તેના સાથીઓ મળીને કુલ ૪ લોકો સામે પાનની દુકાનના માલિકને ઘસડવાના આરોપમાં ફરિયાદ નોંધી છે. આ ઘટનાનો વિડિયો નજીકના વિસ્તારમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગયો હતો જે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
ઓશિવરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યે લકી બિરયાની હોટેલના ખૂણે આ ઘટના બની હતી. પાનની દુકાનવાળો સવારના સમયે રસ્તા પર સિગારેટ વેચી રહ્યો હતો ત્યારે સફેદ રંગની વૅગનઆર કારમાં ૪ લોકો આવ્યા હતા. તેમણે ૮૭૦ રૂપિયાની સિગારેટ લીધી હતી, પરંતુ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો જેને કારણે બન્ને વચ્ચે વાદવિવાદ શરૂ થયો હતો. આ દરમ્યાન કારમાં બેસેલી મહિલાએ ફરિયાદીનો કૉલર પકડી લીધો હતો, જ્યારે પાછળની સીટ પર શર્ટ વગર બેસેલી એક વ્યક્તિએ કારની બારીમાંથી હાથ બહાર કાઢીને ફરિયાદીના મોઢા પર મારવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિ વધુ ગંભીર ત્યારે બની જ્યારે ડ્રાઇવરે બેદરકારીપૂર્વક અને જાણીજોઈને કાર આગળ દોડાવી હતી જેને કારણે ફરિયાદી કાર સાથે આશરે ૧૫૦ મીટર સુધી ઘસડાયો હતો. આ ઘટનામાં ફરિયાદીના જીવને ગંભીર જોખમ ઊભું થયું હતું જે CCTV કૅમેરાના ફુટેજમાં જોવા મળ્યું હતું. આરોપીઓ ઘટનાસ્થળ પરથી નાસી ગયા છે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’
