કારચોરીના બે ગુના ઉકેલવા ગયેલી પોલીસે બીજા બે કેસ પણ ઉકેલ્યા
પ્રતીકાત્મક તસવીર
કાશીમીરાના કાશીગાંવ પોલીસ-સ્ટેશનની પોલીસે કારચોરીના બે કેસની ફરિયાદ મળતાં ગુનો નોંધી તપાસ ચલાવીને આખરે આરોપીને ઝડપી લીધો હતો. જોકે તેની પૂછપરછમાં તેણે બીજી બે કાર ચોરી હોવાનું પણ કબૂલ કરતાં કારચોરીના અન્ય બે કેસ પણ ઉકેલાઈ ગયા હતા.
મીરા રોડના હાટકેશ વિસ્તારમાં રહેતા વિષ્ણુ ફડે ૨૬ જૂને તેમના ઘર નીચે જ તેમની વૅગન-આર કાર પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે કાર ન દેખાતાં આજુબાજુ તપાસ કરી હતી અને ત્યાર બાદ આખરે ૩૦ જૂને કાર ચોરી થઈ હોવાની ફરિયાદ કાશીગાંવ પોલીસ-સ્ટેશનમાં કરી હતી. એ કેસની તપાસ ચાલી રહી હતી ત્યારે જૂનો રેકૉર્ડ તપાસતાં જણાયું કે ન્યુ ગ્રીનવુડ કૉમ્પ્લેક્સમાં રહેતા ચંદ્રકાન્ત ધાંગડે પણ તેની વૅગન-આર કાર ચોરાઈ હોવાની ફરિયાદ એપ્રિલ મહિનામાં કાશીગાંવ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. એ બન્ને ચોરીમાં સામ્ય જણાતાં કાશીગાંવ પોલીસ-સ્ટેશનની ક્રાઇમ યુનિટની ટીમે એની તપાસ કરવા કમર કસી હતી. તેમણે બન્ને ચોરીના સ્પૉટથી લઈને આજુબાજુના વિસ્તારના ૧૦૦ જેટલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. ૨૦ દિવસ સુધી એ ફુટેજ ચેક કર્યા બાદ આખરે આરોપીની ઓળખ થઈ શકી હતી. એ પછી ૧૦ દિવસ સુધી આરોપીના સગડ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને તેને ઘાટકોપર, ટ્રૉમ્બે, ગોવંડીમાં શોધવામાં આવી રહ્યો હતો. આખરે શનિવારે, ત્રીજી ઑગસ્ટે તેને ગોવંડીના શિવાજીનગરમાંથી ઝડપી લેવાયો હતો.
ADVERTISEMENT
પકડાયેલા આરોપી અહમદ અલી શેખની પૂછપરછ કરતાં તેણે બન્ને કાર ચોરી હોવાનું કબૂલ્યું હતું એટલું જ નહીં, બીજી બે કાર ચોરી હોવાની માહિતી પણ આપી હતી. આમ કુલ ચાર કારચોરીના કેસ ઉકેલાઈ ગયા હતા. એમાં બે તો કાશીગાંવના જ હતા, જ્યારે એક મીરા રોડ પોલીસ-સ્ટેશનનો અને એક વિલે પાર્લે પોલીસ-સ્ટેશનનો હતો. તેની પાસેથી કુલ ત્રણ વૅગન-આર અને એક મારુતિ સુઝુકી સિલેરિયો કાર જપ્ત કરવામાં આવી હતી. તેને આ કાર ચોરી કરવામાં મદદ કરનાર તેના સાગરીત બબલુ શેખની શોધ ચાલી રહી છે.