સ્કૂલ, ફાયર-સ્ટેશન તથા વૉર્ડ-ઑફિસોમાં બોરવેલ ખોદી રેઇનવૉટરનો સંચય કરશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આ વર્ષે નબળા ચોમાસાના કારણે આખા મહારાષ્ટ્રમાં દુકાળ જેવી પરિસ્થિતિ છે અને મુંબઈગરાઓ પર જળસંકટ તોળાઈ રહ્યું છે ત્યારે ચોમાસું પતી ગયા પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ વરસાદના પાણીને સાચવી રાખવા માટેના ઉપાયો શરૂ કર્યા છે. વરસાદના પાણીને સાચવવા માટે તથા ભૂગર્ભ જળનું સ્તર વધારવા માટે BMC દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. હવામાન ખાતા દ્વારા પહેલાંથી જ આ વર્ષે ચોમાસું નબળું રહેવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ચોમાસું પતી ગયા પછી હવે આ કામગીરી હાથ ધરવામાં આવી છે
જે અંતર્ગત BMC વરસાદના પાણીને સાચવવા માટે રેઇનવૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બેસાડશે તથા બોરવેલ તૈયાર કરશે. મુંબઈમાં BMCની સ્કૂલો, ફાયર-સ્ટેશનો, વૉર્ડ-ઑફિસ સહિત પાંચ જગ્યાએ આ રેઇનવૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બેસાડવાનું અને બોરવેલ તૈયાર કરવાનું કામ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા જલ સંચય જન ભાગીદારી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના અંતર્ગત દરેક મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં ૧૦,૦૦૦ વૉટર રીચાર્જ સ્ટ્રક્ચર તૈયાર કરવાનું લક્ષ્ય છે. હાલ BMCની પ્રાથમિકતા પણ વધારાના જળસ્ત્રોત ઊભા કરવાની છે. જ્યારે પાણીની અછત નિર્માણ થાય ત્યારે ભૂગર્ભ જળ તથા વરસાદના પાણીનો ઉપયોગ કરી શકાય એ માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
પ્રસ્તાવિત સાઇટ્સ
ADVERTISEMENT
- મુલુંડ-વેસ્ટ ફાયર-સ્ટેશન
- મુલુંડ-ઈસ્ટ ફાયર-સ્ટેશન
- BMC T વૉર્ડ-ઑફિસ - મુલુંડ
- BMC S વૉર્ડ-ઑફિસ - ભાંડુપ
- BMC પબ્લિક સ્કૂલ - પંતનગર, ઘાટકોપર
પાણીનું ઘટતું સ્તર, મુંબઈગરાઓની વધતી ચિંતા
રવિવારે સવારે મુંબઈને પાણીપુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પાણીનું સ્તર કુલ ૭૯.૭૪ ટકા જ હતું. આ સમયગાળા દરમ્યાન ગયા વર્ષે આ સ્તર ૯૨.૭૪ ટકા જ્યારે ૨૦૨૪માં ૮૯.૨૬ ટકા હતું એટલે કે આ વર્ષે ગયાં બે વર્ષ કરતાં પાણીનું સ્તર આશરે ૨૦ ટકા જેટલું ઓછું છે. ઉલ્લેખનીય છે કે પાણીનો વ્યય ન થાય એ માટે મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ મૂકવામાં આવ્યો છે.
