મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ઑફિસરે ગેરકાયદે બાંધકામ કરવા સંબંધી માહિતી છુપાવી હોવાનો આરોપ
પ્રતીકાત્મક તસવીર
રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ (માહિતી અધિકાર કાયદા) હેઠળ કોઈએ માહિતી માગી હોય તો સરકારી અધિકારીએ એનો સમયસર જવાબ આપવો પડે છે, જવાબમાં કોઈ માહિતી છુપાવી ન શકે કે અધૂરી માહિતી ન આપી શકે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં ભૂતપૂર્વ માહિતી અધિકારી કંચન ગાયકવાડે જવાબ ન આપવાની સાથે ઉપરી અધિકારીને ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાતાં કોકણ વિભાગના રાઇટ ટુ ઇન્ફર્મેશન કમિશનર શેખર ચન્નેએ તેમને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, આ મામલે ભૂતપૂર્વ અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કંચન ગાયકવાડની પ્રશાસકીય તપાસ કરીને છ મહિનામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મીરા રોડમાં રહેતા સામાજિક કાર્યકર સંતોષ તિવારીએ ૨૦૨૧ના નવેમ્બરમાં હાઉસિંગ સોસાયટીના નિયમોનો ભંગ કરીને રેસિડેન્સિયલ બિલ્ડિંગ બાંધવામાં આવ્યું હતું એ સંબંધે ચાર અરજી કરીને માહિતી માગી હતી. એ સમયે મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં કંચન ગાયકવાડ પબ્લિક ઇન્ફર્મેશન અધિકારી હતાં. કંચન ગાયકવાડે માગવામાં આવેલી માહિતી આપી નહોતી એટલું જ નહીં, તેમણે ૨૦૨૧ના ડિસેમ્બર મહિનામાં પહેલા અપીલ અધિકારીએ આપેલા આદેશને પણ અવગણ્યો હતો. આથી સંતોષ તિવારીએ રાઇટ ટુ ઇન્ફર્મેશન કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી એટલે કમિશનરે કંચન ગાયકવાડને સુનાવણી માટે બોલાવ્યાં હતાં. સુનાવણી વખતે કંચન ગાયકવાડે કહ્યું હતું કે તેમણે માહિતીનો જવાબ તૈયાર કર્યો હતો, પણ માહિતી માગનારાને જવાબ મોકલવાનું ભૂલી ગઈ હતી. જવાબ ૨૦૨૧માં નહીં, પણ ૨૦૨૨માં તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવતાં વિભાગના રાઇટ ટુ ઇન્ફર્મેશન કમિશનર શેખર ચન્નેએ કંચન ગાયકવાડને એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો અને તેમની સામેની તપાસ કરવાનો આદેશ તાજેતરમાં આપ્યો હતો.

