બનાવટી ઈ-મેઇલ અરેસ્ટ નોટિસનો ભરોસો ન કરતા અને એને રિસ્પૉન્સ પણ નહીં આપતા, અમને જાણ કરો.
વિવેક ફણસળકર
સાઇબર ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવા અનેક પ્રકરાની યુક્તિઓ અજમાવાતી હોય છે, એમાં હવે એકનો વધારો થયો છે. લોકોને ઇંગ્લિશમાં ઈ-મેઇલ, ફોન-કૉલ અને વૉટ્સઍપ મેસેજ પર કોર્ટ ઑર્ડર અથવા મુંબઈ પોલીસ કમિશનર તરફથી અરેસ્ટ નોટિસ મોકલાઈ રહી છે. એ નોટિસમાં કહેવાયું હોય છે કે તમારા ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ પર પૉર્નોગ્રાફીને લગતી પ્રવૃત્તિ થઈ છે અને એ સંદર્ભે તમે પોલીસ કમિશનર ઑફિસમાં આવીને પોલીસ ઑફિસરને મળો. ઘણી વાર એમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નો ઉલ્લેખ કરાતો હોય છે. મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આ બાબતે મુંબઈ પોલીસના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર મેસેજ લખીને લોકોને સાવધ રહેવા કહ્યું છે અને કહ્યું છે કે ‘આવી બનાવટી ઈ-મેઇલ અરેસ્ટ નોટિસનો ભરોસો ન કરતા અને એને રિસ્પૉન્સ પણ નહીં આપતા, અમને જાણ કરો.’