મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સમારકામ પણ ચાલતું હોવાને કારણે મોટા ભાગના યુઝર્સે વીક-એન્ડમાં આ રસ્તાનો ઉપયોગ ટાળવાની સલાહ આપી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર વીક-એન્ડનો જબરદસ્ત ટ્રાફિક-જૅમ થયો હતો. અનેક મુસાફરોએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને ટ્રાફિક-જૅમનું અપડેટ આપ્યું હતું. ગૂગલ મૅપ્સ પર ઘાટનો આખો રસ્તો લાલ રંગનો દેખાતો હતો એટલે કે ટ્રાફિક-જૅમ દર્શાવતો હોય એવા સ્ક્રીનશૉટ્સ યુઝર્સે શૅર કર્યા હતા. શુક્રવારે મોડી રાતે એક વાગ્યે એક્સપ્રેસવે પર વાહનોની લાંબી કતાર લાગી હતી. એક યુઝરે એક્સપ્રેસવેને ફુલ ટ્રાફિક ફેસ્ટિવલ ગણાવ્યો હતો. શનિવારે સવારે ૧૧ વાગ્યે પણ એક્સપ્રેસવે પર ટ્રાફિકના હાલ રાત જેવા જ હતા. જૂના અને નવા મુંબઈ-પુણે હાઇવે પર ઘાટ વિસ્તારોમાં ટ્રાફિક ચક્કાજૅમ હતો. ઘાટનો રસ્તો સામાન્ય રીતે વીક-એન્ડમાં ભરચક હોય છે, પણ આ વીક-એન્ડમાં સાતથી આઠ કલાક સુધી ટ્રાફિક ખસે નહીં એવી પરિસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને ઢાળવાળા ઘાટના રસ્તાઓ પર એન્જિનના તાપમાન અને ક્લચ પ્લેટનું નિરીક્ષણ કરવાની ટિપ્સ પણ અમુક યુઝર્સે આપી હતી. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સમારકામ પણ ચાલતું હોવાને કારણે મોટા ભાગના યુઝર્સે વીક-એન્ડમાં આ રસ્તાનો ઉપયોગ ટાળવાની સલાહ આપી હતી.


