આજે પણ મુંબઈમાં ગરમી અને બફારો રહેશે, યલો અલર્ટ તો ખરી જ
ફાઇલ તસવીર
મુંબઈમાં સતત બીજા દિવસે પણ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીની ઉપર રહ્યો હતો તો કલ્યાણમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું હતું. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ દબાણનો પટ્ટો સર્જાયો છે જેને કારણે ગરમ પવનોનું જોર વધ્યું છે. એને કારણે હજી પણ ગરમીનું પ્રમાણ યથાવત્ રહે એવી શક્યતા છે. ગરમીમાં થયેલો અચાનક વધારો લોકોને અકળાવી મૂકનારો રહ્યો હતો.
મુંબઈમાં માર્ચ મહિનાની શરૂઆત સારીએવી ગરમી સાથે થઈ છે. છેલ્લા દાયકાના માર્ચ મહિનામાં મુંબઈનું તાપમાન ૪ વાર ૪૦ ડિગ્રીએ પહોંચ્યું છે. ગયા વર્ષે પણ માર્ચ મહિનામાં પારો ૩૯.૨ ડિગ્રીએ પહોંચ્યો હતો. ગઈ કાલે મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી નોંધાયું હતું. એટલે માર્ચ મહિનો પૂરો થતાંમાં ગરમીનો રેકૉર્ડ તૂટવાની સંભાવના નકારી શકાય નહીં. આજે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી છે. આજે પણ મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી તડકામાં બહાર નીકળતી વખતે વધુ કાળજી રાખવી.
