મુંબ્રામાં યુવાને બેમુદત લૉકડાઉનનો મેસેજ પોસ્ટ કરીને વાઇરલ કર્યો એને પગલે અંધાધૂંધીઃ લોકોએ જીવનજરૂરિયાતની વસ્તુઓ લેવા માટે ધસારો કર્યો : પોલીસે તરત તેને પકડીને માફી માગતો વિડિયો બનાવડાવ્યો અને વાઇરલ કર્યો
ખોટો મેસેજ પોસ્ટ કરીને પૅનિક ફેલાવવા બદલ મુંબ્રા પોલીસે યુવકને ઝડપીને માફી મગાવી હતી
મુંબ્રા વિસ્તારમાં એક યુવકે લૉકડાઉનનો દાવો કરી મીડિયા પર એક વિડિયો રેકૉર્ડ કરીને ફેલાવ્યો હતો જેમાં ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે મધ્યરાત્રિથી આ વિસ્તારમાં બેમુદત કડક લૉકડાઉન લાગુ કરવામાં આવશે. આ ક્લિપ ઝડપથી વાઇરલ થઈ ગઈ, જેના કારણે સ્થાનિકોમાં ભય અને મૂંઝવણ ફેલાઈ ગયાં અને લોકોએ એ વિડિયોને સાચો માની જીવનજરૂરિયાતની વસ્તુઓ તથા શાકભાજી–દૂધ-દવાઓ, અનાજ ભરવા દુકાનોમાં ભીડ કરી મૂકી હતી. જોકે એ વિડિયો ખોટો હોવાનું જણાઈ આવતાં પોલીસે યુવાનની ધરપકડ કરી તેની પાસે એની સ્પષ્ટતાનો વિડિયો રેકૉર્ડ કરાવી વાઇરલ કરાવ્યો હતો.
વાઇરલ વિડિયોમાં યુવક કહેતો જોઈ શકાય છે કે ‘એક ખબર આયી હૈ અભી, ૧૨ બજે સે લૉકડાઉન હૈ’. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ચાલુ પરિસ્થિતિને કારણે કથિત લૉકડાઉન અનિશ્ચિત સમય માટે લાદવામાં આવશે. તેણે લોકોને મુશ્કેલીથી બચવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને દવાઓનો સ્ટૉક રાખવાનું સૂચન કર્યું.
ADVERTISEMENT
અફવા ફેલાતાં ઘણા રહેવાસીઓ અચાનક પ્રતિબંધોના ડરથી જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે તેમના ઘરની બહાર નીકળ્યા હોવાનું કહેવાય છે. લોકોએ દાવાની ચકાસણી કરવા માટે એકબીજાને ફોન કર્યા, જેના કારણે તેનો ફેલાવો વધુ ઝડપી બન્યો.
પરિસ્થિતિની ગંભીર નોંધ લેતાં મુંબ્રા પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી યુવાનને શોધી કાઢ્યો હતો. તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો, જ્યાં તેણે માહિતીની ચકાસણી કર્યા વિના વિડિયો બનાવવા અને શૅર કર્યો હોવાનું સ્વીકારી લીધું હતું.
પોલીસે બાદમાં યુવકને તેનાં કૃત્યો માટે જાહેરમાં માફી મગાવી અને આવા વર્તનનું પુનરાવર્તન ન કરવા કડક ચેતવણી આપતો વિડિયો બનાવડાવ્યો હતો જેમાં તે કહે છે, ‘મારું નામ અરહમ ઉઝૈર અઝહરુદ્દીન છે અને હું મુંબ્રામાં રહું છું. લૉકડાઉન અંગે મેં બનાવેલો વિડિયો સંપૂર્ણપણે ખોટો હતો. મુંબ્રામાં કોઈ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું નથી. હું અફવા ફેલાવવા બદલ માફી માગું છું. મુંબ્રા પોલીસે મને મારી ભૂલ સમજાવી છે.’ એમ તેણે માફી માગતા વિડિયોમાં હાથ જોડીને કહ્યું હતું.
અધિકારીઓએ ભાર મૂક્યો હતો કે બિનચકાસાયેલી માહિતી ફેલાવવાથી બિનજરૂરી ગભરાટ ફેલાઈ શકે છે અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચી શકે છે. અધિકારીઓએ નાગરિકોને સોશ્યલ મીડિયા પરના મેસેજ ઇન્ફર્મેશન શૅર કરતાં પહેલાં એને ઑફિશ્યલી ચેક કરી લેવા અને શંકાસ્પદ લાગે તો ફૉર્વર્ડ ન કરવા અપીલ કરી છે.
સરકારની સ્પષ્ટતા : દેશમાં લૉકડાઉન આવશે એ વાતો માત્ર અફવા છે
ભારતમાં લૉકડાઉનની અફવાઓ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ પ્રધાન હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘ભારતમાં લૉકડાઉન વિશે ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. હું સ્પષ્ટ કરવા માગું છું કે સરકારી સ્તરે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. આવા સમયે આપણે બધા શાંત, જવાબદાર અને એકજૂટ રહીએ એ મહત્ત્વપૂર્ણ છે. આવી પરિસ્થિતિમાં અફવાઓ ફેલાવવી અને બિનજરૂરી ભય પેદા કરવો એ બેજવાબદાર અને નુકસાનકારક છે.’
